NATIONAL

allahabad high court : સાત ફેરા વગર હિન્દુ લગ્ન માન્ય નથીઃ અલ્હાબાદ હાઈકોર્ટ

અલ્હાબાદ હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન હિંદુ લગ્ન અંગે મહત્વપૂર્ણ અવલોકન કર્યું હતું. હાઈ કોર્ટે કહ્યું છે કે હિન્દુ લગ્ન સાત ફેરા અને અન્ય ધાર્મિક વિધિઓ સંપન્ન થયા વિના માન્ય નથી. પતિએ પત્ની આરોપ મૂક્યો હતો કે તેની પત્નીએ છૂટાછેડા લીધા વિના ફરીથી લગ્ન કરી લીધા હતા અને તેથી તેને સજા થવી જોઈએ, હાઈકોર્ટે કેસની સમગ્ર કાર્યવાહીને રદ કરી હતી. મહિલાની અરજીને સ્વીકારતા અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ સંજય કુમાર સિંહે કહ્યું કે, “એ એક સ્થાયી નિયમ છે કે જ્યાં સુધી લગ્ન યોગ્ય વિધિઓ મુજબ સંપન્ન ન થાય ત્યાં સુધી તેને પવિત્ર માનવામાં આવતા નથી.”
અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું, ‘જો લગ્ન માન્ય ન હોય તો કાયદાની નજરમાં તે લગ્ન નથી. સપ્તપદી હિંદુ કાયદા હેઠળ માન્ય લગ્નનું આવશ્યક ઘટક છે, પરંતુ હાલના કેસમાં આ પુરાવાનો અભાવ છે.’
આ ચુકાદા માટે હાઈકોર્ટે હિંદુ લગ્ન અધિનિયમ, 1955ની કલમ 7 પર આધાર માન્યો હતો. જે જણાવે છે કે હિન્દુ લગ્ન સપ્તપદી (પવિત્ર અગ્નિની સાક્ષીએ વર અને વધુ દ્વારા અગ્નિના સાત ફેરા) સહિતની સંપૂર્ણ વિધિઓ સાથે સંપન્ન થવા જોઈએ.
હાઈકોર્ટે મિર્ઝાપુર કોર્ટના 21 એપ્રિલ, 2022ના આદેશને રદ કર્યો હતો, જેના હેઠળ મહિલા સામે સમન્સ જાહેર કરવામાં આવ્યા હતા. હાઈકોર્ટે કહ્યું, ફરિયાદમાં સપ્તપદીનો કોઈ ઉલ્લેખ નથી. તેથી, આ કોર્ટની દૃષ્ટિએ, અરજદાર સામે કોઈ ફોજદારી કેસ કરવામાં બનતો નથી કારણ કે બીજા લગ્નનો આરોપ પાયાવિહોણો છે.
કેસની જાણકારી અનુસાર, અરજીકર્તા સ્મૃતિ સિંહના લગ્ન 2017માં સત્યમ સિંહ નામના વ્યક્તિ સાથે થયા હતા. પરંતુ અણબનાવને કારણે સ્મૃતિએ તેના સાસરિયાંનું ઘર છોડી દીધું અને દહેજ માટે હેરાનગતિનો આરોપ લગાવતી એફઆઈઆર નોંધાવી. તપાસ બાદ પોલીસે પતિ અને સાસરિયાં વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.
બાદમાં પતિએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને અરજી આપી પત્ની પર બીજા લગ્ન કર્યાનો આક્ષેપ કર્યો હતો. આ અરજીના આધારે અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને બીજા લગ્નનો આરોપ ખોટો હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી, પતિએ 20 સપ્ટેમ્બર, 2021 ના રોજ મિર્ઝાપુરના મેજિસ્ટ્રેટ સમક્ષ તેની પત્ની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને પત્ની પર બીજી વખત લગ્ન કરવાનો આરોપ લગાવ્યો. મેજિસ્ટ્રેટે 21 એપ્રિલ, 2022ના રોજ સમન્સ જારી કર્યા હતા. તેથી, સ્મૃતિ સિંહે આ સમન્સ અને ફરિયાદ કેસની સમગ્ર કાર્યવાહીને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકારી હતી.

[wptube id="1252022"]
Back to top button