GUJARATJETPURRAJKOT

Rajkot: રાજ્ય સરકારનો ‘‘કલા ગૌરવ પુરસ્કાર’’ મેળવતા રાજકોટના નાટ્યકાર નિર્લોક પરમાર

તા.૫/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

આલેખન – ડો. દિવ્યા ત્રિવેદી

૪૧ વર્ષની કલાયાત્રા દરમિયાન ૧૧૭ આકાશવાણી સ્વર નાટકો, ૭૩ નાટકો, ૫૩ ટેલીફિલ્મ, ૬ ગુજરાતી ફિલ્મ સહિત ૩૧૩ કૃતિઓનું કર્યું નિર્માણ

Rajkot: રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯-‘૨૦નો ‘‘કલા ગૌરવ પુરસ્કાર’’ ૬૮ વર્ષના અડીખમ અને કુશળ નાટ્યકાર શ્રી નિર્લોક પરમારને અર્પણ કરવામાં આવ્યો છે. ત્યારે ૪૧ વર્ષની તેમની કલાયાત્રા દરમિયાન તેઓ દિગ્દર્શન, લેખન, અભિનય, નિર્માણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપી ચૂકયા છે.

જામનગર જિલ્લાના ભાવાભી ખીજડીયા ગામે જન્મેલા શ્રી નિર્લોક પરમારના ચિત્તમાં નાનપણથી જ લોકગીતો, લોકનાટય ભવાઈ અને સંતવાણીના બીજ રોપાયા હતા. જે રંગનગરી રાજકોટની કલાભૂમિ પર વટવૃક્ષ બનીને ખીલી ઉઠયા. આ કલાયાત્રા દરમ્યાન તેઓ રંગભૂમિ, રેડિયો, ટેલિવિઝન (સ્મોલ સ્ક્રીન), ફિલ્મ (મૂવી) અને પ્રિન્ટ મીડિયા આ તમામ ક્ષેત્રે વિશિષ્ટ અને ગૌરવપ્રદ યોગદાન આપી રહ્યા છે.

તેમણે નાટયક્ષેત્રે ૪૭ એકાંકી નાટકો અને ૨૬ દ્વિઅંકી નાટકો મળી કુલ ૭૩ નાટકો કર્યા, જે પૈકી ૨૭ નાટકો એવોર્ડ વિનર થયા. ૪૩ નાટકોનું દિગ્દર્શન, ૧૮ નાટકોમાં અભિનય અને ૨૧ નાટકોનું તેમણે લેખન કર્યું છે. ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીની નાટય સ્પર્ધાઓમાં નિર્લોકભાઇ દ્વારા દિગ્દર્શિત- લિખિત અને નિર્મિત દ્વિઅંકી નાટક : ‘રાજધર્મ’ પાંચ એવોર્ડ સાથે ગુજરાત રાજયમાં પ્રથમ નંબરે વિજેતા થયું. જ્યારે એકાંકી નાટક : ‘કરૂણાંતિકા’ ત્રણ એવોર્ડ સાથે રાજયમાં પ્રથમ નંબરે વિજેતા થયું હતું. અખિલ ભારતીય નાટય સ્પર્ધા બરેલી ખાતે એકાંકી હિન્દી નાટક : ‘કરૂણાંતિકા’ દ્વિતીય નંબરે વિજેતા થયું હતું તેમજ મોનો એક્ટિંગ : પૃથ્વી’ (લેખક) તેમજ ‘દિકરી–ઢીંગલી’ (લેખક) ગુજરાત રાજયમાં પ્રથમ અને દ્વિતીય નંબરે વિજેતા થયા છે તેમજ તેમના અનેક નાટકો દ્વિતીય અને તૃતીય નંબરે વિજેતા થયા છે.

નિર્લોકભાઈના અનેક નાટકો ભારત અને ગુજરાતના અનેક નગરો, મહાનગરોમાં ભજવાયા છે. ઉપરાંત, તેમણે ગુજરાત રાજય યુવા ઉત્સવો, યુવક મહોત્સવો, કલા મહાકુંભ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, G.T.U. તેમજ નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ, રાજય કક્ષા બાળ પ્રતિભા શોધ વિગેરેમાં પણ નિર્ણાયક તરીકે સેવાઓ આપી છે.

નિર્લોકભાઇએ છેલ્લા એક દશકાથી એકલપંડે નિઃશુલ્ક નાટયશાળા ‘ઉત્સવ એક્ટિંગ એકેડેમી’ ચલાવી સેંકડો રંગકર્મીઓને રંગભૂમિ પર રમતા કર્યા છે. બે વર્ષથી બાલભવન, રાજકોટમાં નિઃશુલ્ક ચિલ્ડ્રન થિયેટર ચલાવી અનેક બાળકોને નાટ્ય તાલીમ આપી નાટ્યક્ષેત્રે વિશિષ્ટ અને ગૌરવપ્રદ કાર્ય કર્યુ છે.

નિર્લોકભાઇએ આકાશવાણી, રાજકોટ (AIR)માં B-હાઈ ગ્રેડ ડ્રામા આર્ટિસ્ટ તરીકે નેશનલ પ્લે, નાટય શ્રેણીઓ સહિત ૧૧૭ નાટકોમાં સ્વર અભિનય આપ્યો છે. દૂરદર્શનના માન્ય કલાકાર તરીકે DDKમાં કુલ ૫૩ જેટલી કૃતિઓ કરી છે, જે પૈકી ૧૧નું દિગ્દર્શન કર્યું છે. ૨૭ કૃત્તિઓમાં અભિનય અને ૧૮નું લેખન કરેલ છે. તેમની ટેલિફિલ્મ : ‘ધર્મયોદ્ધા’ સમગ્ર દૂરદર્શન કેન્દ્ર, દિલ્હીની સ્પર્ધામાં ભારતમાં પ્રથમ નંબરે વિજેતા થઇ અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ચીન– શાંગહાઈ ખાતે તેણે ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું.

પ્રીન્ટ મીડિયા ક્ષેત્રે પણ નિર્લોકભાઈએ પ્રદાન આપ્યું છે. તેમના કટાર લેખોનું પુસ્તક ‘ફાઈલ ચાલે છે’ પ્રકાશિત થયું છે, વિશ્વકોષ અધિકરણો તેમજ અખબારો, મેગેઝીનોમાં નાટકોના રિવ્યુ, ફિલ્મના રિવ્યુ, વ્યકિત વિશેષ, ધાર્મિક સહિત અનેક લેખો તેમણે લખ્યા છે. તેમણે ૬ ગુજરાતી ફિલ્મો (મૂવી) પણ કરેલ છે.

આમ, નાટક, આકાશવાણી સ્વર નાટક, ટેલીફિલ્મ, ગુજરાતી ફિલ્મ, આલ્બમ ડોકયુમેન્ટ્રી સહિત ૩૧૩ કૃતિઓ સાથે ૪૧ વર્ષની અવિરત કલાયાત્રા દરમિયાન અનેક દિગ્ગજ કલાકારો, કલા સંસ્થાઓ, ધાર્મિક, શૈક્ષણિક સંસ્થાઓ સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરનાર નાટયકાર નિર્લોક પરમાર આજે ૬૮ વર્ષે અડિખમ બનીને કલાક્ષેત્રે વિશિષ્ટ ગણનાપાત્ર અને ગૌરવપ્રદ કલાકર્મ કરી રહ્યા છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!