GUJARATJETPURRAJKOT

Rajkot: રાજ્યપાલશ્રીના વરદહસ્તે રાજકોટના કાગદડીમાં ‘શ્રી સ્વામિનારાયણ કન્યા ગુરુકુળ’નું શિલારોપણ

તા.૧૫/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

કન્યા ગુરુકુળમાં દીકરીઓના શિક્ષણથી પરિવાર, સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ થશે

ગુરુકુળની દીકરીઓ વિકસિત ભારતના પી.એમ.ના સંકલ્પમાં પોતાનું યોગદાન આપે એ રીતે આગળ વધવાનું છે

સ્વમિનારાયણ સંતો દ્વારા કન્યા ગુરુકુળ સ્થાપવાનો નિર્ણય ઐતિહાસિક અને ક્રાંતિકારી: કેન્દ્રીય મંત્રીશ્રી પુરૂષોત્તમ રૂપાલા

કન્યા ગુરુકુળમાં દીકરીઓ શ્રેષ્ઠ વિચારો સાથેનું શિક્ષણ-જ્ઞાન મેળવીને તેજસ્વિની બનશે: શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા

Rajkot: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે આજે રાજકોટ જિલ્લાના કાગદડી ખાતે ‘શ્રી સ્વામિનારાયણ કન્યા ગુરુકુળ’નું શિલારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્યપાલશ્રીને આ કન્યા ગુરુકુળના ટ્રસ્ટી તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા.

રાજકોટ શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સંસ્‍થાન દ્વારા ૧૮ એકર જેવી વિશાળ જગ્યામાં કાગદડી ખાતે આધુનિક કન્યા ગુરુકુળનું નિર્માણ થઈ રહ્યું છે. જેનો શિલારોપણ સમારોહ આજે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

આ તકે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રવચન કરતા કહ્યું હતું કે, વર્તમાન સમયમાં દીકરીઓ માટે ગુરુકુળની ખાસ આવશ્યકતા છે. સ્વામિનારાયણ ગુરુકુળ પરંપરાએ એવા મનુષ્યોનું નિર્માણ કર્યું છે, જેઓ માત્ર પોતાનાઓને જ નહીં, પણ અન્ય લોકોને પણ આત્મીય ગણે છે. આવું મહાન ચિંતન, રાષ્ટ્રવાદી અને સમાજ ઉત્થાનનો વિચાર, પરિવારની ઉન્નતિ થાય એવી વિચાર પ્રણાલિ ગુરુકુળ શિક્ષણ પરંપરામાં ભણેલા લોકોમાં જોવા મળે છે.

શિક્ષિત યુવાનોને રાષ્ટ્રની સૌથી મોટી મૂડી ગણાવતા રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, આવા યુવાનો પરિવાર સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ કરે છે. આજે દીકરીઓના ગુરુકુળની ખાસ જરૂર છે. કારણકે દીકરી બે કુળનું નિર્માણ કરે છે. જો દીકરી સંસ્કારી, ધર્મ પરાયણ, પરોપકારી હશે તો ભાવિ પેઢી પરિવાર, સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ કરનારી બનશે. વૈદિક કાળમાં પણ મહિલાઓને શાસ્ત્ર અને જ્ઞાન પ્રાપ્તિનો પુરો અધિકાર હતો, તેના ઉદાહરણ અને સંદર્ભો સાથે તેમણે કહ્યું હતું કે, આવા કન્યા ગુરુકુળમાં દીકરીઓના શિક્ષણથી પરિવાર, સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ થશે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ભારતને વિકસિત બનાવવાનો સંકલ્પ કર્યો છે ત્યારે, ગુરુકુળની દીકરીઓ પણ તેમાં પોતાનું યોગદાન આપે એવા સંકલ્પ સાથે આપણે આગળ વધવાનું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

આ અવસરે કેન્દ્રીય મત્સ્ય અને પશુપાલન મંત્રીશ્રી પુરૂષોત્તમ રૂપાલાએ, સ્વામિનારાયણ સંતો દ્વારા દેશમાં કન્યા ગુરુકુળ સ્થાપવાના કરેલા નિર્ણયને અને ઐતિહાસિક અને ક્રાંતિકારી ગણાવ્યો હતો. ભારત સરકાર વતી સંતોને અભિનંદન આપતા તેમણે કહ્યું હતું કે, બહેનો પર ગુરુકુળ પરંપરાના સંસ્કારોની છાપ પડે તે અગત્યનું છે. દેશની માતાઓના ઘડતર માટેનો આ પ્રયાસ સ્તુત્ય છે. આજે આપણી સમાજ વ્યવસ્થા અને જીવનશૈલીમાં અનેક પરિવર્તન આવ્યા છે ત્યારે દીકરીઓના ઘડતરની ખાસ જરૂર છે. આઝાદીના અમૃત કાળમાં આ કામના થઈ રહેલા પ્રારંભને તેમણે ધન્યવાદ પાઠવ્યા હતા.

આ અવસરે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંતોએ છેલ્લા ૭૫ વર્ષથી શિક્ષણયજ્ઞ શરૂ કર્યો છે અને ગુરુકુળએ સમાજને લાખો છાત્રો આપ્યા છે, જેઓ વ્યસનમુક્ત થઈને સમાજના ઉત્થાન માટે કામ કરી રહ્યા છે. હવે દીકરીઓને કન્યા ગુરુકુળમાં શ્રેષ્ઠતા સાથે, રાષ્ટ્ર ભક્તિ સાથેનું સારું શિક્ષણ મળશે. આ દીકરીઓ નારીમાંથી નારાયણી બનીને રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપશે. તેમણે કહ્યું હતું કે, સંપત્તિ બધું સુખ આપી શકે પરંતુ માનસિક શાંતિ તો જ્ઞાન સાથેનું શિક્ષણ જ આપી શકે છે. આ કન્યા ગુરુકુળમાં દીકરીઓ શ્રેષ્ઠ વિચારો સાથેનું શિક્ષણ અને જ્ઞાન મેળવીને તેજસ્વિની બનશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.

આ તકે રાજકોટ શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ સંસ્‍થાનના વરિષ્ઠ સંત પૂજ્ય સ્વામી દેવકૃષ્ણ દાસજી, મહંતશ્રી દેવપ્રસાદ દાસજી સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા.

આ અવસરે કન્યા ગુરુકુળ માટે ૧૮ એકર જેવી વિશાળ જમીનનું દાન આપનારા ભૂમિદાતા શ્રી વસંતભાઈ લિંબાસિયાનું સન્માન કરાયું હતું. આગમન બાદ રાજ્યપાલશ્રીનું સ્વાગત બહેનોએ મિલેટ્સથી બનાવેલા હારથી કરાયું હતું.

આ કાર્યક્રમમાં સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા અને રામભાઈ મોકરિયા, રાજકોટના મેયર સુશ્રી નયનાબેન પેઢડિયા, ધારાસભ્ય સુશ્રી દર્શિતાબેન શાહ અને કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી પ્રવિણાબેન રંગાણી, રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશી, રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગ, અન્ય સંતો, અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!