GUJARATNANDODNARMADA

અયોધ્યામાં ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે એકતા નગર ખાતે નર્મદા ઘાટ પર ભવ્ય આરતીનું આયોજન

અયોધ્યામાં ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે એકતા નગર ખાતે નર્મદા ઘાટ પર ભવ્ય આરતીનું આયોજન

 

અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા, દેશમાં ઉત્સવ, એકતાનગરમાં થશે મા નર્મદાની વિશેષ આરતી

 

 

જુનેદ ખત્રી : રાજપીપલા

 

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા : એકતાનગરમાં મા નર્મદાની થશે વિશેષ આરતી, શૂલપાણેશ્વર મહાદેવ મંદિર તથા નર્મદા ઘાટ પર ખાસ સફાઈ અભિયાન કરાયું

22 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશમાં અયોધ્યા ખાતે શ્રી રામ જન્મભૂમિ પર રામલલાના મંદિરમાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ અંગે સમગ્ર દેશમાં ઉમંગ અને ઉત્સાહનો માહોલ છે. સમગ્ર દેશ રામમય બની ચુક્યું છે. દેશભરમાં આ ઉત્સવની તૈયારી માટે લોકો વિવિધ તૈયારીઓ કરી રહ્યા છે. તેના જ ભાગરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ શૂલપાણેશ્વર મંદિર તેમજ નર્મદા નદીના ઘાટ પર વિશેષ આરતીનું આયોજન કરવામાં આવશે.

 

સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટી તંત્રની દેખરેખ હેઠળ નર્મદા નદીના કાંઠે બનાવવામાં આવેલ વિશેષ આરતી સ્થળ પર એમ તો દરરોજ સાંજે મા નર્મદાની ભવ્ય આરતી કરવામાં આવે છે, પરંતુ 22 જાન્યુઆરીએ જે દિવસ અયોધ્યા ખાતે રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે, તે દિવસે મહાઆરતી માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.

 

અયોધ્યા ધામ ખાતે રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આયોજન પ્રસંગે શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર અને પ્રવાસ નિયમન સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે તેમજ સહકારથી મા નર્મદાની વિશેષ આરતીનું આયોજન કરવામાં આવશે.

 

આ વિશેષ આરતી ગોરા ઘાટ પર યોજાશે કે જેના માટે અહીં આવેલ શૂલપાણેશ્વર મંદિર તથા ઘાટ સંકુલને રંગ-બેરંગી લાઇટ્સ તથા ફૂલોથી શણગારવામાં આવશે.

 

22 જાન્યુઆરીના દિવસે સાંજે 6.30 વાગ્યે આરતીનો કાર્યક્રમ શરૂ થશે કે જેમાં રામલલાના ભજનો ગાવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેશના વિવિધ ગાયકો દ્વારા ગાવામાં આવેલ ભજનો શેર કર્યા છે. આ ભજનોમાંથી કેટલાક ચુનંદા ભજનો આ કાર્યક્રમમાં ગાવામાં આવશે. સાંજે 7.45 વાગ્યે માતા નર્મદાના ઘાટ પર 7 પુજારીઓ આ વિશેષ સંગીતમય આરતીને પૂર્ણ કરશે. ત્યાર બાદ ભવ્ય એક્વાલાઇટ એન્ડ સાઉન્ડ શો પ્રદર્શિત કરાશે.

 

આ વિશેષ આયોજન પ્રસંગે વરિષ્ઠ અધિકારીઓ, અધિકારીઓ, નર્મદા કાંઠે આવેલ આશ્રમોમાં રહેતા સાધુ-સંતો, સ્થાનિકો, શ્રદ્ધાળુઓ તથા પ્રવાસીઓ પણ ઉપસ્થિત રહેશે.

 

નોંધનીય છે કે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે દેશના તમામ મંદિરોમાં વિશેષ સફાઈ ઝુંબેશ ચલાવાઈ રહી છે. આ જ ક્રમે શૂલપાણેશ્વર મંદિર તથા નર્મદા ઘાટ પર પણ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!