પ્રોજેક્ટ સ્કૂલોમાં પ્રવેશ અને મેરિટ સ્કોલરશીપ માટે મહેસાણા જિલ્લાના ૨૨૬૮૦ વિદ્યાર્થીઓએ કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષા આપી.
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
રાજ્ય સરકારે શરૂ કરેલી પ્રોજેક્ટ સ્કૂલો જેવીકે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ, જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ અને રક્ષા શક્તિમાં ધોરણ-૬માં પ્રવેશ માટે તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા ગત શનિવારના રોજ યોજાઈ. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ. આ પરીક્ષા મહેસાણા જિલ્લાના ૧૦ તાલુકામાં ૧૦૭ કેન્દ્રો ઉપર યોજાયેલ. આ પરીક્ષા ઉપર જિલ્લા શિક્ષણાધિકારીની કચરી દ્વારા નિગરાની રાખવામાં આવેલ. જિલ્લાની તમામ પ્રાથમિક શાળામાંથી ધોરણ-૫ના ૨૫૬૯૯ વિદ્યાર્થીઓના પરીક્ષા માટે ફોર્મ સબમિટ થયેલ. જે પૈકી ૨૨૬૮૦ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉપસ્થિત રહેલ. પરીક્ષામાં વિદ્યાર્થીઓની ૮૮.૨૫ ટકા હાજરી સાથે સમગ્ર રાજ્યમાં ટોપ ફાઇવમાં મહેસાણા જિલ્લાનો સમાવેશ થાય છે. જિલ્લામાં સૌથી વધુ વડનગર તાલુકામાંથી ૯૪.૭૮ ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તાલુકા મુજબ બેઠેલ વિદ્યાર્થીઓની ટકાવારી જોઈએ તો સતલાસણા ૯૪.૨૩, ઊંઝા ૯૪.૨૨, બેચરાજી ૯૧.૮૨, જોટાણા ૯૧.૨૭, કડી ૮૮.૧૯, ખેરાલુ ૮૮.૧૪, વિસનગર ૮૭.૯૫, વિજાપુર ૮૭.૭૨ અને મહેસાણા ૮૨.૦૩ છે. મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.શરદ ત્રિવેદીના માર્ગદર્શન નીચે જિલ્લાના પ્રાથમિક શિક્ષણ તંત્ર દ્વારા ધોરણ-૫ના વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરે તે માટે છેલ્લા ત્રણ માસથી વિશેષ કામગીરી થઇ રહી હતી. જેના ભાગરૂપે ૨૨ હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે જિલ્લા કક્ષાએથી ત્રણ જેટલી અનુભવ કસોટી ઓ.એમ.આર.શીટ સાથે શાળાના વર્ગખંડમાં જ અદ્દલ પરીક્ષા મુજબ જ લેવામાં આવેલ. તેમજ ચાર જેટલી અનુભવ કસોટીઓ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સોલ્વ કરાવવામાં આવેલ. જેના લીધે બોર્ડ પેટર્ન મુજબ જ લેવાયેલ આ બાહ્ય પરીક્ષા સૌ પ્રથમવાર આપી રહેલ જિલ્લાના મોટા ભાગના વિદ્યાર્થીઓ નિર્ભય પણે અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા ખંડમાં જતા જોવા મળ્યા હતા. શનિવારે સવારે ૧૧-૦૦ થી બપોરે ૧-૩૦ વાગ્યા સુધી યોજાયેલ આ પરીક્ષા ૧૨૦ માર્કસની એમ.સી.ક્યૂ. બેઇઝ હતી.આ પરીક્ષામાં વિદ્યાર્થીઓની તાર્કિક ક્ષમતા તેમજ ગણિત, પર્યાવરણ, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી વિષયમાં તેમના કૌશલ્યોની ચકાસણી કરવામાં આવી હતી. મોટાભાગના વિદ્યાર્થીઓએ એકંદરે પેપર સારું ગયાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.