Rajkot: રાજકોટ જિલ્લામાં રોજગારલક્ષી નર્સિંગ આસિસ્ટન્ટની તાલીમ લેતી ખાણ કામ પ્રભાવિત વિસ્તારની મહિલાઓ
તા.૮/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા “સખી સ્વાભિમાન પ્રોજેક્ટ” અંતર્ગત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખાતે આયોજન
Rajkot: રાજકોટ જિલ્લામાં ખાણ કામ પ્રભાવિત વિસ્તારની મહિલાઓ માટે રોજગારની તકો નિર્માણ કરવા જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન અને ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન અંતર્ગત પાયલોટ ધોરણે “સખી સ્વાભિમાન પ્રોજેક્ટ” હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત ખાણ કામ પ્રભાવિત ૧૦૮ ગામની મહિલાઓને ગત તા. ૦૧ જાન્યુઆરીથી ૯૦ દિવસ સુધી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખાતે રોજગારલક્ષી નર્સિંગ આસિસ્ટન્ટની તાલીમ આપવામાં આવી રહી છે
આ તકે અધિક કલેકટર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એ.કે.વસ્તાણી, જિલ્લા લાઇવલીહૂડ મેનેજરશ્રી વી. બી. બસિયા, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, રાજકોટના ચેરમેનશ્રી ડો. દીપકભાઈ નારોલા અને જિલ્લા આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજરશ્રી એલ્વિશભાઈ ગોજારીયાએ તાલીમ લઈ રહેલી મહિલાઓને નોકરીમાં આગળ વધવાની પ્રેરણા અને શુભેચ્છા આપી હતી તથા તાલીમાર્થી બહેનોને બુક, યુનિફોર્મ અને આઈ-કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે વહિવટી તંત્ર દ્વારા તાલીમાર્થી મહિલાઓ કોઈપણ પ્રકારની મુશ્કેલી વિના તાલીમ લઈ શકે, તેવી દરેક બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. મહિલાઓ માટે હોસ્ટેલમાં રહેવા-જમવા અને તાલીમ સ્થળ સુધી પરિવહનની વ્યવસ્થા વિનામૂલ્યે કરવામાં આવી છે. તાલીમ દરમિયાન ઉપયોગમાં લેવાતા સાધનો, પેશન્ટ કીટ સહિતની જરૂરી વસ્તુઓ નિઃશુલ્ક આપવામાં આવે છે. મહિલાઓને ૯૦ દિવસની આ તાલીમમાં કુલ ૫૪૦ કલાક તાલીમ આપવામાં આવે છે. જેમાં ૧૨૦ કલાક થિયરી, ૨૪૦ કલાક પ્રેક્ટીકલ, ૬૦ કલાક સોફ્ટ સ્કીલ અને ૧૨૦ કલાક ઓન જોબ તાલીમ આપવામાં આવે છે.
વધુમાં, સ્થાનિક તાલુકા કક્ષાની હોસ્પિટલ, શહેરની ખાનગી હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને વ્યક્તિગત કેર ટેકરની જરૂરિયાત હોય તેવા રોજગારીના સ્થાનોની માહિતી એકત્રિત કરીને ઓછામાં ઓછા રૂ. ૮,૦૦૦ના પગારથી નોકરી આપવામાં આવે છે. તેમજ શરૂઆતના ૩ મહિના સુધી લાભાર્થી દીઠ માસિક રૂ. ૨૦૦૦ સુધીનું પોસ્ટ પ્લેસમેન્ટ સપોર્ટ આપવામાં આવે છે.
નોંધનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા સમાજમાં મહિલાના આર્થિક અને સામાજિક ઉત્થાનના હેતુસર પરિણામલક્ષી પગલાઓ લેવામાં આવ્યા છે ત્યારે આ તાલીમમાં મહિલાઓ સમાજમાં પુન:સ્થાપન કરી શકે અને આત્મનિર્ભર બની શકે તે માટે તેને અગ્રતા આપવામાં આવી રહી છે.