GUJRAT:મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો રાજ્યના જિલ્લા – તાલુકા પંચાયતોના માળખાને વધુ સંગીન બનાવવાનો અભિગમ
GUJRAT:મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો રાજ્યના જિલ્લા – તાલુકા પંચાયતોના માળખાને વધુ સંગીન બનાવવાનો અભિગમ
રાજ્યની ૨૧૧ તાલુકા પંચાયતો પોતાના ભવન ધરાવે છે હવે વધુ ૧૧ તાલુકા પંચાયતોને નવા તાલુકા પંચાયત ભવન નિર્માણ માટે મુખ્યમંત્રીશ્રીની વહીવટી મંજૂરી
ડાંગ-અમદાવાદ-ખેડા-છોટાઉદેપુર-પાટણ-બનાસકાંઠા-ભાવનગર-અમરેલી-ગીર સોમનાથ-મહીસાગર અને રાજકોટ જિલ્લામાં તાલુકા પંચાયતની નવી કચેરીઓ સોલાર રૂફટોપ અને વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર સાથે નિર્માણ થશે
૧૦૪ તાલુકા પંચાયત ભવનમાં સોલાર રૂફટોપ – ૩૧માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સુવિધા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એવી જિલ્લા અને તાલુકા પંચાયતોના માળખાને વધુ સંગીન અને સુવિધાસભર બનાવવાનો અભિગમ અપનાવ્યો છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ નાગરિકોને પૂરતી સગવડ મળી રહે તેવા અદ્યતન અને મોકળાશવાળા તાલુકા પંચાયત ભવનોના નિર્માણ માટે ૨૦૨૫-૨૬ના બજેટમાં કુલ ૬૫ કરોડ રૂપિયાની જોગવાઈ સુનિશ્ચિત કરેલી છે.
મુખ્યમંત્રીશ્રીએ તાલુકા પંચાયતોના ભવનોમાં સોલાર રૂફટોપ સિસ્ટમ દ્વારા સૂર્ય ઊર્જાના ઉપયોગની પ્રેરણા આપી છે. તાલુકા પંચાયતોનું વિજ બિલનું ભારણ ઓછું કરીને આત્મનિર્ભર બનાવવાના આ ઉદાત્ત હેતુસર ૧૦૪ તાલુકા પંચાયતોમાં સોલાર રૂફટોપ સિસ્ટમ કાર્યરત છે અને વધુ ૨૭માં આવી સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાનું કાર્ય પ્રગતિમાં છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “કેચ ધ રેઈન” વરસાદી પાણીના સંગ્રહ અને સંચય માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રકચર પણ સરકારી ભવનોમાં નિર્માણ કરવાનું આહવાન કર્યું છે.
ગુજરાતે વડાપ્રધાનશ્રીના આ આહવાનને ઝીલી લઈને ૩૧ તાલુકા પંચાયત ભવનોમાં વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થાઓ ઊભી કરી લીધી છે. રાજ્યની ૨૧૧ તાલુકા પંચાયતો પાસે પોતાના ભવન છે તેમાં હવે વધુ ૧૧ તાલુકા પંચાયતોના નવા મકાન બાંધકામ માટે મુખ્યમંત્રીશ્રીએ વહીવટી મંજૂરી આપી છે.
તદઅનુસાર ડાંગના આહવા, અમદાવાદના દસક્રોઈ તથા દેત્રોજ, ખેડાના માતર, છોટાઉદેપુરના ક્વાંટ, પાટણના સાંતલપુર, બનાસકાંઠાના વાવ, ભાવનગરના પાલીતાણા અને શિહોર તથા મહીસાગરના લુણાવાડા અને રાજકોટના ગોંડલ તાલુકાઓને નવીન મકાનો માટે કુલ રૂ.૧૨.૪૫ કરોડની મંજૂરી આપવામાં આવી છે.
રાજ્યના અન્ય જે ૬ તાલુકાઓ લાઠી, કુંકાવાવ, વેરાવળ, ડીસા, મહુવા અને ગાંધીનગર જ્યાં તાલુકા પંચાયતના મકાનો બનાવવાની કામગીરી પ્રગતિમાં છે ત્યાં મુખ્યમંત્રીશ્રીએ કુલ રૂ.૨૦.૫૫ કરોડની ફાળવણી કરી છે.
રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે આ અંગે જારી કરેલા ઠરાવ અને માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે, મકાનની ડિઝાઇન અને યોજનાના અમલીકરણમાં સુરક્ષા- સેફ્ટીના ધારાધોરણો તથા GSDMAની ગાઇડલાઇન્સનું પાલન કરવાનું રહેશે તેમજ નવા બનનારા આવા ભવનોમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવાની રહેશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ણયને પરિણામે તાલુકાથી લઈને જિલ્લા પંચાયત સ્તર સુધી વધુ સુવિધા સભર કચેરીઓનું નિર્માણ થતાં લોકોને પણ સુગમતા થશે અને વધુ સુદ્રઢ સેવા માળખું મળતું થશે.
મુખ્યમંત્રીશ્રીએ કરેલા આ નિર્ણયો અંગે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે વિધિવત ઠરાવો પણ જારી કરી દીધા છે.