પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે શિક્ષણ સહાયકનો નિમણૂક હુકમ વિતરણ કાર્યક્રમ યોજાયો
જિલ્લાની અનુદાનિત શાળાઓના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૧૫૪ શિક્ષણ સહાયકને નિમણૂક હુકમ વિતરણ કરાયા
પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લામાં અત્યારે ૨૦૧ બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ કાર્યરત છે. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા હાલમાં થઈ રહેલી ભરતી પ્રક્રિયા પૈકી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવા નિમણૂક પામેલ શિક્ષણ સહાયકોને ભલામણ પત્ર અને નિમણૂક હુકમ વિતરણનો કાર્યક્રમ ગાંધીનગર કમિશનર શાળાઓની કચેરી અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે રાજ્યસભાના સાંસદશ્રી જશવંતસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને ગોધરામાં આવેલી સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ ખાતે યોજાયો હતો. જેમાં પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાએ ઉપસ્થિત રહી તમામ શિક્ષણ સહાયકોને શુભકામનાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લાની અનુદાનિત શાળાઓના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૧૫૪ શિક્ષણ સહાયકનો નિમણૂક હુકમ વિતરણ કરવામાં આવ્યું હતું. અગાઉ પણ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ૨૪ શિક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી. આગામી સમયમાં માધ્યમિક વિભાગની ખાલી જગ્યાઓ પણ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે જેથી તમામ શાળાઓને કાયમી શિક્ષકો ઉપલબ્ધ થઇ શકશે.
આ કાર્યક્રમમાં પ્રોબેશનર આઈએએસ કુ.અંજલી ઠાકુર, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને સંચાલક મંડળના હોદ્દેદારો તથા વિવિધ ઘટક સંઘના હોદ્દેદારોએ ઉપસ્થિત રહી તમામ અરજદારોને શુભેચ્છાઓ પાઠવી હતી.