સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં બેંક ઓફ ઇન્ડિયાની સામે આવેલી ઝૂંપડપટ્ટીમાં આજે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ ઘટનામાં આશરે 8થી 10 ઝૂંપડાં આગની લપેટમાં આવી ગયા હતા. શ્રમજીવી પરિવારોની તમામ ઘરવખરી આગમાં બળીને ખાક થઈ ગઈ છે. જોકે, રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સ્થાનિક તંત્ર દ્વારા આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે.