Lodhika: મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે પી.જી.વી.સી.એલ.ની રાવકી પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ
તા.૧૯/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
નવી પેટા કચેરી થકી ગ્રાહકોને મળશે સાતત્યપૂર્ણ વીજપુરવઠો
Rajkot, Lodhika: રાજયના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે લોધિકા તાલુકાના રાવકી ખાતે પી.જી.વી.સી.એલ.ની પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ રાવકી કચેરીનું વિધિવત પૂજન સાથે લોકાર્પણ કરી કચેરીના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. ત્યારબાદ રાવકી ઇન્ડસ્ટ્રીયલ એરિયાના આગેવાનો દ્વારા મંત્રીશ્રીનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ નવીનતમ પેટા વિભાગીય કચેરીના નિર્માણ થકી વિદ્યુત વિતરણની કામગીરી સરળ બનશે તેમજ ત્વરિતપણે લોક-આવશ્યકતાઓ સંતોષાશે.
રાવકી પેટા વિભાગીય કચેરી હેઠળ રાવકી, પાળ, કાંગશીયાળી, ઢોલરા, ખાંભા, વિરવા અને જશવંતપુર એમ કુલ ૭ ગામોને ૩ સબ સ્ટેશન અને કુલ ૨૮ ફિડરો દ્વારા કુલ ૧૨૦૨૫ વીજ ગ્રાહકોને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે. વધુમાં, રાવકી પેટા વિભાગીય કચેરીનો વિસ્તાર ૧૬૨ ચો. કિ.મી. હોવાથી કચેરી હેઠળ ઔદ્યોગીક, વાણિજ્ય, ખેતીવાડી અને રહેણાંક હેતુના નવા વીજ કનેક્શન માંગનાર અરજદારોને તુરંતજ વીજ કનેક્શન આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નવી સબ ડિવિઝનના નિર્માણથી ગ્રાહકોને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળશે.
આ લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવિણાબેન રંગાણી,પૂર્વ ધારાસભ્ય સર્વ શ્રી ગોવિંદભાઈ પટેલ, શ્રી લાખાભાઈ સાગઠીયા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિલાસબેન મોરડ, પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કેતન જોશી, મુખ્ય ઇજનેર સર્વ શ્રી પી.જે.મહેતા, સહાયક મુખ્ય ઈજનેર શ્રી જે.બી.ઉપાધ્યાય, રાવકી તથા ખાંભા ઈન્ડસ્ટ્રીયલ એસોશિએસનના હોદ્દેદારશ્રીઓ અને પ્રમુખશ્રીઓ, સરપંચો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.