મહેસાણા જિલ્લામાં પશુપાલન વિભાગ તથા દુધ સંધ દ્વારા ગાય અને ભેંસ વર્ગના પશુઓમાં “ખરવા-મોવાસા રોગ અટકાવ રસીકરણ” કાર્યક્રમ અન્વયે છઠ્ઠા રાઉન્ડનો પ્રારંભ.
30 એપ્રિલ સુધીમાં 690400 પશુઓનું રસીકરણ કરવામાં આવશે.
વાત્સલ્યમ્ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,મહેસાણા
મહેસાણા જિલ્લામાં પશુઓમાં ખરવા-મોવાસા (Foot and Mouth Disease) ના રોગ સામે રક્ષણ આપવા માટે પશુપાલન વિભાગ તથા દુધ સંધની ટીમ દ્વારા તા. 15-3-2025 થી તા. 30-04-2025 દરમિયાન વિનામૂલ્યે રસીકરણ અભિયાનના છઠ્ઠા રાઉન્ડનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં મહેસાણા જીલ્લાના દરેક ગામમાં ઘરે-ઘરે જઈને પશુપાલન વિભાગના કર્મચારીઓ દ્વારા 6,90,400 જેટલા પશુઓમાં રસીકરણ કરવામાં આવશે.
ખરવા-મોવાસાએ પશુઓમાં જોવા મળતો અત્યંત ચેપી અને નુકસાનકારક રોગ છે, જે દૂધ ઉત્પાદનમાં ઘટાડો, વજનમાં ઘટાડો અને ગંભીર કિસ્સાઓમાં પશુઓના મૃત્યુનું કારણ બની શકે છે. આ રોગને અટકાવવા માટે રસીકરણ એ સૌથી અસરકારક ઉપાય છે.
રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ ખરવા-મોવાસા રોગના અટકાવ હેતુ પશુપાલન ખાતા દ્વારા ગાય અને ભેંસ વર્ગના મોટા પશુઓમાં વર્ષમાં બે વખત વિનામૂલ્યે રસીકરણ કરવામાં આવે છે. ખરવા-મોવાસા રોગના લક્ષણોમાં તીવ્ર તાવ, મોં અને પગના ખરીઓ વચ્ચે ફોલ્લા અને ચાંદા, મોઢામાંથી લાળ પડવી, ખાવામાં અને ચાલવામાં તકલીફ, દૂધ ઉત્પાદનમાં ઘટાડો, વજનમાં ઘટાડો અને નાના વાછરડાઓમાં મૃત્યુનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે મહેસાણા જિલ્લામાં નાના પશુઓમાં (ઘેટાં-બકરા વર્ગ) માં જોવા મળતો પીપીઆર (પેસ્ટે-ડેશ-પેટીટસ રુમીનન્ટસ) રોગના રોગ અટકાવ અને નિયંત્રણ અર્થે રસીકરણ ઝુંબેશ પૂર્ણ થયેલ છે.
આ ઝુંબેશ અંતર્ગત કુલ 98000 ઘેટા-બકરાનું રસીકરણ કરવામાં આવ્યું છે અને હાલમાં ગાય અને ભેંસ વર્ગના મોટા પશુઓમાં ખરવા-મોવાસા રોગ સામે રક્ષણ આપવા માટે શરૂ થયેલ રસીકરણ ઝુંબેશનો પ્રારંભ થયો છે.ખરવા-મોવાસા રોગના નિયંત્રણ માટે મહેસાણા જીલ્લાના પશુપાલકોને તેમના બહુમૂલ્ય પશુઓને વર્ષમાં બે વખત સમયસર રસીકરણ કરાવવા તથા વધુ માહિતી માટે નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવા નાયબ પશુપાલન નિયામક, ડો.બી.ડી.અમીનની યાદીમાં જણાવવામાં આવ્યું છે.