Jasdan: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં જસદણ આઈ.ટી.આઈ. ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
તા.૨૨/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
વિદ્યાર્થીઓએ બનાવેલ ટ્રોલી, ટ્રેકટર, ઘર વપરાશ માટેની સેન્સર લાઇટ, ટનલ માટેના વાયરીંગ અને વિદ્યુત ઉપકરણો નિહાળી છાત્રો સાથે સંવાદ કરતા મંત્રીશ્રી બાવળીયા
“યુવાઓ અભ્યાસ છૂટ્યા બાદ પણ આઈ.ટી.આઈ.માં તાલીમ લઈ પોતાની આવડતને સાચી દિશા આપી રોજગારી મેળવી શકે છે.” મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા
Rajkot, Jasdan;જળસંપત્તિ અને પાણી પૂરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં જસદણ આઈ.ટી.આઈ. ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.
મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, જસદણના માણસો આવડત અને કૌશલ્ય ધરાવે છે. જસદણના સ્થાનિક નાના ઉદ્યોગકારોએ ઉત્પાદિત કરેલી વિવિધ ચીજ વસ્તુઓને દેશ- વિદેશની બજારોમાં આગવું સ્થાન મળેલું છે. જસદણ અને વિંછીયાના લોકોની સ્થાનિક આવડતને વધુ વિકસિત કરવા વિંછીયામાં નાની જી.આઈ.ડી.સી. ઊભી કરવામાં આવશે. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જસદણના જે યુવાનોનો સંજોગવશાત અભ્યાસ છૂટ્યો હોય તો ઓછા ખર્ચે અને અભ્યાસમાં ઓછી ટકાવારી હોવા છતાં પણ પોતાનામાં રહેલી આવડતથી આઈ.ટી.આઈ.માં તાલીમ લઈને રોજગાર મેળવી શકે છે. હાલ, જસદણ આઈ.ટી.આઈ.માં છ ટ્રેડ ચાલી રહેલા છે, પરંતુ જો વિદ્યાર્થીઓ અન્ય ટ્રેડની માંગણી કરશે તો તે મુજબ નવા ટ્રેડ પણ શરૂ કરાશે. આઈ. ટી.આઈ ખાતે તાલીમ મેળવી તાલીમાર્થીઓ સ્વરોજગાર મેળવે તથા અન્યોને પણ રોજગારી આપવા સક્ષમ બને તે માટે રાજ્ય સરકાર હર હંમેશ પ્રયત્નશીલ છે એમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આ તકે મહાનુભાવોએ દીપ પ્રાગટ્યથી અને મહિલા તાલીમાર્થીઓએ પ્રાર્થના સ્તુતિ ગાઈને સેમીનારની શરૂઆત કરી હતી. ત્યાર બાદ, ઉપસ્થિત સર્વેએ જસદણ આઈ. ટી. આઈ.માં ઉપલબ્ધ કોમ્પ્યુટર લેબ, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, વેલ્ડર અને ફીડર સહિતના ટ્રેડના ક્લાસ રૂમ તથા અન્ય માળખાકીય સુવિધાઓ અંગેની શોર્ટ ફિલ્મ નિહાળી હતી. ઉપરાંત, પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી આઈ.ટી.આઈ.માં થતાં વિવિધ કોર્સ, ફાયદાઓ, યોજનાકીય લાભો, પ્લેસમેન્ટ કંપનીઓ સહિત આઈ.ટી.આઈ.ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના પ્રતિભાવો જાણ્યા હતા.
એપ્રેન્ટીસ એડવાઇઝરે તાલીમાર્થીઓને એપ્રેન્ટીસ અંગેની અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના મેનેજરે વિદ્યાર્થીઓને તાલીમ દરમિયાન અને તાલીમ બાદ મળતી લોન, પી. એમ.સ્વનિધી, પી.એમ.વિશ્વકર્મા, મુદ્રા યોજના સહિતની નાણાકીય સહાયમાં અંગેની માહિતી આપી હતી. જ્યોતિ સી.એન.સી.ના એચ.આર. શ્રી યશભાઈ ડેલીવાલાએ ઉદ્યોગમાં હાલ સ્કિલ્ડ મેન પાવરની વધતી માંગની પરિસ્થિતિથી સૌને અવગત કર્યા હતા. ત્યારબાદ, વિદ્યાર્થીઓએ બનાવેલ ટ્રોલી, ટ્રેકટર, ઘર વપરાશ માટે સેન્સર લાઇટ, ટનલ માટેની વાયરીંગ અને વિદ્યુત ઉપકરણો મંત્રીશ્રીએ નિહાળી તેઓની સાથે સંવાદ કર્યો હતો.
રોજગાર કચેરીના ચેતનાબેન મારડિયાએ કારકિર્દી ઘડતર માટે ઉપયોગી રોજગાર કચેરીના અનુબંધન પોર્ટલ અંગે વિગતવાર માહિતી આપી હતી. અને કહ્યું હતું કે સ્વરોજગાર અને રોજગાર જીવન ગુજરાન માટે જ નહીં પરંતુ સ્વાભિમાન માટે પણ જરૂરી છે. આજે ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી વધુ સ્કીલ બેઇઝ્ડ આઈ.ટી.આઈ. ના તાલીમાર્થીઓની માંગ હંમેશા રહે છે.
આ સેમિનારમાં અગ્રણીશ્રી સોનલબેન વસાણી, સ્થાનિક આગેવાનશ્રીઓ, જસદણ આઈ.ટી.આઈ.ના આચાર્ય શ્રી રીનાબેન વસાણી, ગોંડલ આઈ.ટી.આઈ.ના આચાર્ય શ્રી યોગેશભાઈ જોશી, આઈ.ટી.આઈ.ના અલગ અલગ ટ્રેડના નિષ્ણાતો સહિત બહોળી સંખ્યામાં તાલીમાર્થી ઉપસ્થિત રહ્યા હતા.