RAMESH SAVANI

Ramesh Savani : શું સરદાર પટેલના નામે ઊભી થયેલી સંસ્થા આવો દુરાચાર કરી શકે?

સરદાર પટેલના નામે સંસ્થા ઊભી કરનારા સરદાર પટેલ જેવી પ્રામાણિકતા દાખવી શકતા નથી, સાદાઈ રાખી શકતા નથી. સરદારના મૂલ્યોથી વિપરીત કામો કરે છે. વિદ્યાર્થીઓની સેવા કરે છે, થોડી સમાજ સેવા કરે છે; પરંતુ તે મુખ્ય પ્રવૃતિ નથી હોતી. મુખ્ય બાબત તો સરાદારના નામે પથરાં તરાવવાની ચાલ હોય છે !
ગગજીભાઈ સુતરિયાએ ‘સરદારધામ’ સંસ્થા ઊભી કરી છે. વિદ્યાર્થીઓને રહેવા/ જમવાની/ વાંચવાની સગવડ ઊભી કરી છે, તે સારી બાબત છે; પરંતુ આ સંસ્થા સરદારની સાદાઈ અને ખુમારીના આદર્શોમાં નબળી પુરવાર થઈ છે. અમદાવાદમાં સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાંથી સરદારનું નામ ભૂસીને અવતારી વડાપ્રધાને પોતાનું નામ લખાવી દીધું ત્યારે સરદારધામ અને સરદાર પટેલના નામે ઊભી થયેલી અનેક સંસ્થાઓમાંથી કોઈએ એવો ઠરાવ ન કર્યો કે ‘આવું થવું જોઈએ નહીં !’
સરદાર પટેલ સદાચારી હતા, પરંતુ તેમના નામે ઊભી થયેલી સંસ્થાઓમાં પ્રામાણિકતા જોવા મળતી નથી. ભાવનગરમાં ‘સરદાર પટેલ સેવા ટ્રસ્ટ’નામની શૈક્ષણિક સંસ્થા છે. આ સંસ્થાના ચેરમેન ગોવિંદભાઈ કાકડીયા છે. 2007-8થી 2017-18 સુધી ડોનેશનનો વહિવટ રમેશભાઈ મેંદપરા સંભાળતા હતા. આ સંસ્થાને બટુકભાઈ માંગુકિયાએ 11 લાખનું ડોનેશન આપ્યું. પરંતુ 23 ઓક્ટોબર 2021ના રોજ ટ્રસ્ટના રીપોર્ટ પરથી તેમને ખબર પડી કે 11 લાખ ટ્રસ્ટમાં જમા જ ન થયા ! તેથી તેમણે 15 જૂન 2022 તથા 18 જૂન 2022ના રોજ સંસ્થાના ચેરમેનને પત્રો લખ્યા કે ‘મેં ટ્રસ્ટને 11 લાખનું ડોનેશન આપેલ તે રુપિયા રમેશભાઈ મેંદપરાએ ટ્રસ્ટમાં જમા કેમ કરાવેલ નથી?’ દાનવીરો, શિક્ષણ દ્વારા સમાજની સેવા માટે ડોનેશન આપતા હોય છે, તે ડોનેશન જ ગાયબ થઈ જાય તો તે સંસ્થા સમાજને શું સંદેશો આપે? બટુકભાઈની વેદના એ છે કે રમેશભાઈ મેંદપરા ડોનેશનમાં મળેલ રુપિયા 1.25% થી 1.50% દરે વ્યાજે ફેરવતા હતા અને સંસ્થામાં 0.5% કે 0.75% જમા કરાવતા હતા ! શું સરદાર પટેલના નામે ઊભી થયેલી સંસ્થા આવો દુરાચાર કરી શકે? ચેરિટી કમિશ્નરને આવો દુરાચાર દેખાતો નહીં હોય? એટલું જ નહીં 23 ઓક્ટોબર 2021ના રોજ ટ્રસ્ટના રીપોર્ટ મુજબ, આ સંસ્થાને રાજુભાઈ રવાણીએ 11 લાખ અને લવજીભાઈ બાદશાહે 35 લાખનું ડોનેશન આપેલ તે પણ ટ્રસ્ટમાં જમા થયેલ ન હતું. આમ 57 લાખનું સરનામું મળતું ન હોવાથી ઊહાપોહ થયેલ !
57 લાખનું ડોનેશન જુલાઈ 2016માં મળેલ, જે 7 વરસ થયા છતાં સંસ્થામાં જમા થયેલ નથી ! 2017માં ટ્રસ્ટની મીટિંગ સ્કૂલમાં રાખી હતી તે પહેલાં ગગજીભાઈ સુતરિયાએ બી. પી. જાગાણીને પોતાના ઘેર બોલાવેલ, જ્યાં વલ્લભભાઈ લાખાણી/ગોવિંદભાઈ કાકડિયા હાજર હતા. ત્યાં બી. પી. જીગાણીએ 57 લાખની ઉચાપતની વાત કરી. ત્યારબાદ ટ્રસ્ટની મીટિંગ સ્કૂલમાં મળેલ. ત્યારે સંસ્થાના ચેરમેને, રમેશભાઈ મેદપરાને પૂછેલ કે ‘57 લાખ ટ્રસ્ટમાં જમા કેમ કરાવ્યા નથી?’ રમેશભાઈ મેંદપરાનો જવાબ હતો કે ‘સંસ્થાના ડોનેશન-રજિસ્ટરમાં ડોનેશન જમા બોલે છે પણ સ્સ્થાના રોજમેળમાં ડોનેશન જમા થયેલ નથી !’ આ મીટિંગમાં સંસ્થાની આબરુ ન જાય તે માટે આ બાબતે પડદો પાડી દેવાનું નક્કી થયેલ !
સૌથી ગંભીર બાબત એ છે કે 57 લાખની ઉચાપત અંગે અવાજ ઊઠાવનાર સંસ્થાના ટ્રેઝરર બટુકભાઈ માંગુકિયા તથા સંસ્થાના સેક્રેટરી બી.પી. જાગાણીને 23 ઓક્ટોબર 2021ના રોજ તેમના હોદ્દા પરથી દૂર કરી દીધાં ! એટલું જ નહીં લેઉવા વિકાસ ટ્રસ્ટ/ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ / સરદાર પટેલ સેવા ટ્રસ્ટની કોર કમિટીમાંથી બટુકભાઈ તથા જાગાણીને દૂર કરી દીધાં ! એટલું જ નહીં, 57 લાખની ઉચાપત કરનાર રમેશભાઈ મેંદપરાએ અફવા ફેલાવી કે ‘57 લાખની ઉચાપત બી. પી. જાગાણીએ કરી હતી, તેથી તેમને હોદ્દા પરથી દૂર કર્યા છે !’ ચોર કોટવાલને દંડે? બી. પી. જાગાણીએ ખોડલધામના નેતા નરેશભાઈ પટેલ સમક્ષ રજૂઆત કરી. સુરતના વલ્લભભાઈ સવાણી-ટોપી/ કાનજીભાઈ ભાલાળા/ રામજીભાઈ ઈટાળિયા/ ગગજીભાઈ સુતરિયા તથા 25 લાખથી વધુ ડોનેશન આપનાર 30થી વધુ દાતાઓને પત્રો લખી રજૂઆત કરી, પરંતુ રમેશભાઈ મેંદપરાને કોઈએ ઠપકો પણ ન આપ્યો ! સંસ્થાના ચેરમેન ગોવિંદભાઈ કાકડીયાએ શા માટે મૌન ધારણ કરેલ હશે? સવાલ એ થાય છે કે જો વાસ્તવમાં 57 લાખની ઉચાપત બી. પી. જાગાણીએ કરી હોય તો જુલાઈ 2016થી હાલ સુધી પોલીસમાં ફરિયાદ કેમ કરી નથી? સરદારના નામે ઊભી થયેલી સંસ્થાઓ ભલે શૈક્ષણિક કામ કરતી હોય/ સમાજસેવા કરતી હોય; પરંતુ સરદારના આદર્શો સાથે તેને સહેજ પણ સંબંધ નથી હોતો ! વાસ્તવમાં આ તો સરદારના નામે પ્રતિષ્ઠા અને પેટની ભૂખ સંતોષવાના ધંધા છે ! સાચાને સાચું અને ખોટાને ખોટું ન કહી શકતા હો તો સમાજની પ્રગતિ ક્યારેય થાય ખરી? વાટકી વ્યવહાર તો જૂઓ, 57 લાખની ઉચાપત કરનાર રમેશભાઈ મેંદપરાને ‘તાપીબાઈ વિકાસ ગૃહ’માં ટ્રસ્ટી તરીકે જીવરાજભાઈ મિયાણીએ ગોઠવી દીધા તો રમેશભાઈએ, જીવરાજભાઈને સરદાર પટેલ સેવા ટ્રસ્ટમાં ગોઠવી દીધા ! દુર્જનો એકબીજાની પીઠ ખંજવાળતા હોય છે ! બટુકભાઈ માંગુકિયા તથા બી.પી. જાગાણીએ અન્યાય સામે અવાજ ઊઠાવ્યો છે, તેઓ બન્નેએ સરદારની ખુમારીને પચાવી શક્યા છે. એ ન ભૂલો કે સમાજના આગેવાનો 57 લાખની ઉચાપત અંગે મૌન રહીને અન્યાયને છાવરે છે ! અન્યાય કરે/ શોષણ કરે/ દુરાચાર કરે તેને સરદારનું નામ લેવાનો હક છે ખરો? ‘જય સરદાર’ના સૂત્રો પોકારતા ‘સમાજસેવકો’થી/ નેતાઓથી ચેતજો !rs

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!