Ramesh Savani : જ્યારે વિચારશક્તિ કુંઠિત થાય ત્યારે ‘સર્વોચ્ચ ભગવાન’નો જન્મ થાય છે !

0
119
વાત્સલ્યમ્ સમાચાર
[ભાગ-18]
ગુરુપરંપરામાં એક મોટું જોખમ છે. ગુરુ પ્રપંચ કરીને ભગવાન બની જાય છે. કેટલાંકને ભગવાન બન્યા પછી પણ સંતોષ થતો નથી, એટલે સર્વોપરી ભગવાનનું છળકપટ કરે છે. સહજાનંદજી સર્વોપરી ભગવાન બની બેઠાં. પોતે જ પોતાની મૂર્તિ મંદિરમાં મૂકાવી પોતાના માતા-પિતાની મૂર્તિ પણ મૂકાવી. એટલાંથી સંતોષ ન થયો એટલે પરચા ગ્રંથોની રચના કરાવી. વચનામૃત ગ્રંથને સત્સંગીઓ ઉપનિષદ/ રામાયણ/ મહાભારત કરતાં ચડિયાતો માને છે; હિન્દુ દેવોને સહજાનંદજીથી નીચે માને છે ! BAPSના સાધુઓ પોતાને પ્રગટ બ્રહ્મસ્વરુપ માને છે ! ગુણાતીતાનંદ સ્વામીને મૂળ અક્ષર માને છે !
‘બ્રહ્મા કહો, વિષ્ણુ કહો, મહેશ્વર કહો, જે કહો તે; પણ ગુરુ એ સાક્ષાત પરમ બ્રહ્મ છે’ એવું ભક્તોને લાગે છે. ભક્તિ માણસને વિવેકહીન બનાવી મૂકે છે. ભક્તિમાં અવગુણ, ગુણ લાગે છે ! અનિષ્ટ ઈષ્ટ લાગે છે ! ગુરુઓ શિષ્યોને આજ્ઞાંકિત થવાનો ઉપદેશ આપે એ સ્વાભાવિક છે. વિવેકશૂન્ય વિચારો અને ઉટપટાંગ આદર્શોનો શિષ્યો પાસે મૂંગો સ્વીકાર કરાવવાનાં ફાયદા બધા ગુરુ જાણતા હોય છે. ગુરુના વચનોમાં ખૂલ્લો વિરોધાભાસ હોય, નરી ગેરસમજ હોય, ઉપદેશ અનિષ્ટ હોય; એ જાણવા છતાં પોતાની સમજશક્તિને બાજુએ રાખી દેવા ભક્તો ટેવાયેલા હોય છે. ગુરુપરંપરાનું આંધળું અનુકરણ આપણી વિચારશક્તિને રુંધે છે, ઘેટાંશાહી માનસ જન્માવે છે અને મૌલિકતાને વિકસવા દેતી નથી. ગુરુ પ્રત્યે આદરના ઓઠાં હેઠળ ડોકું નમાવી રાખવાની આદતવાળો સમાજ સ્વતંત્ર વિચાર શક્તિવાળો સર્જનશીલ બની શકે નહીં. સજ્જડ શ્રદ્ધાવાળાં જડ માનસ દરેક સમાજ માટે ભયજનક હોય છે. ગુરુએ શિખવેલા સત્યને પ્રશ્ન કર્યા વિના એકમેવ સત્ય તરીકે સ્વીકારી લેવાનું હોય, તો સત્યને પામવાની આશા વ્યર્થ છે. મૌલિક વિચારશક્તિ ઉપર આવો પ્રતિબંધ, આવી ચતુરાઈથી, દરેક ધર્મે/ સંપ્રદાયે લાદ્યો છે. સંત, મહંત, ભગવાન, ઉપદેશક, યોગી, બધાં જ બુદ્ધિને બાજુએ મૂકી શ્રદ્ધા શિખવવાનો પ્રયત્ન કરે છે. એટલે જ સમાજ ધર્મઘેલો બને છે અને નાગરિક ભાવના-Civic Sense કે નીતિ ઓછી થતી જાય છે.
બાળ વયે જ વિચારશક્તિને નિયંત્રિત કરવા હેતુપૂર્વક પ્રયત્નો થાય છે. ‘બાળ સત્સંગ સભા’ યોજાય છે. તે માટે પરીક્ષાઓ યોજાય છે. બાળકો માટે, BAPS દ્વારા ‘ઘનશ્યામ ચરિત્ર’ નામનું પુસ્તકની 27મી આવૃત્તિની 20,000 નકલો નવેમ્બર 2018માં પ્રિન્ટ થઈ છે. કુલ નકલ 3,26,000 પ્રિન્ટ થઈ છે. આ પુસ્તકના પેજ-21, 22 પરનો આ પરચો જૂઓ : “એક વખત પિતા ધર્મદેવે ઘનશ્યામને ખેતરે ડાંગરના પાકની રખેવાળી કરવા મોકલ્યા. ખેતરે જઈને જોયું તો હજારો ચકલાં ખેતર પર ઊડે. ઘનશ્યામે જોરથી સાદ પાડ્યો, ત્યાં તો બધાં ચકલાંઓને સમાધિ થઈ. કેટલાંક ચકલાં ટપોટપ નીચે પડવા લાગ્યાં. કેટલાંક ઝાડ પર તો કેટલાંક જમીન પર, કેટલાંક ડાળ પર તો કેટલાંક ડૂંડાં પર-એમ બધાં જ ચકલાં સ્થિર થઈ ગયાં. ચકલાંને સમાધિ થઈ એટલે ઘનશ્યામ તો બાજુમાં માધવરામ શુક્લના ખેતરમાં બાળમિત્રો સાથે રમવા લાગ્યા. રમતાં રમતાં સાંજ પડી ગઈ. ધર્મદેવ, ઘનશ્યામને લેવા આવ્યા. ખેતરમાં કેટલાંક ચકલાં જમીન પર તો કેટલાંક ઝાડ પર સ્થિર, કેટલાંકના મોઢામાં દાણો પણ જેમનો તેમ. ઘનશ્યામે ફરી સાદ પાડ્યો, ફરરર કરતાં બધાં ચકલાં ઊડી ગયાં. ધર્મદેવને મનમાં થયું કે ઘનશ્યામ તો સર્વોપરી ભગવાન છે, જરુર આ તેમનું જ કામ છે. બધાંના નાડી-પ્રાણ તેમના હાથમાં જ છે.”
આ પુસ્તકના પેજ-23, 24 પર બાળ ઘનશ્યામે એક વાંદરાને 3 દિવસ સુધી સમાધિમાં સ્થિર કરી દીધો હતો, તેવો પરચો લખ્યો છે ! બાળમાનસ આવી કાલ્પનિક વાતો સાચી માને છે. કુમળી વયે તે સ્વામિનારાયણનો સાધુ બનવાનો નિર્ણય કરે છે અને મોટો થતાં કુટુંબ/ સમાજ પ્રત્યેની જવાબદારીથી ભાગીને દીક્ષા લે છે, સંસારમાં રહે તો પણ તેનું મુખ કાયમ મંદિર અને પ્રગટ બ્રહ્મસ્વરુપ તરફ રહે છે. સમાજ એક નાગરિક ગુમાવે છે અને સંપ્રદાયને એક ભક્ત મળી જાય છે ! આ પ્રકારના પરચાઓ દ્વારા ‘સર્વોપરી ભગવાન’ બનાવવા એ પાખંડ/પ્રપંચ કહેવાય. એક પણ સત્સંગી એવો નહીં હોય કે ચકલાંઓને/ વાંદરાને સમાધિ કરાવી, તે વાત સાચી નથી, તેવું સ્વીકારે ! જ્યારે વિચારશક્તિ કુંઠિત થાય ત્યારે સર્વોચ્ચ ભગવાનનો જન્મ થાય છે !rs
395773406 810702871063912 2743080743652288704 n

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews