GUJARAT

જૂનાગઢમાં જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે રાજ્યપાલશ્રીના હસ્તે વિદ્યાભવનનો શિલાન્યાસ સંપન્ન

જૂનાગઢમાં જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે રાજ્યપાલશ્રીના હસ્તે વિદ્યાભવનનો શિલાન્યાસ સંપન્ન
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે જૂનાગઢમાં જ્ઞાનબાગ ગુરુકુળ પરિસરમાં ધર્મજીવન વિદ્યાભવનનો શિલાન્યાસ કર્યો હતો. શિલાન્યાસ વિધિમાં રાજ્યપાલશ્રીની સાથે મહંત દેવપ્રસાદ સ્વામી સહિતના સંતો સહભાગી બન્યા હતા.
આ પ્રસંગે યોજાયેલા સમારોહમાં રાજ્યપાલશ્રી એ જણાવ્યું હતું કે, દુનિયામાં વિદ્યાથી મોટું કોઈ ધન નથી. ધનની ચોરી થઈ શકે છે, પરંતુ વિદ્યા એક એવું ધન છે કે તેને કોઈ ચોરી શકતું નથી. ભાઈઓમાં ધન સંપત્તિના ભાગ પડે છે પરંતુ વિદ્યાના ભાગ પડતા નથી. બીજાને આપવાથી વિદ્યા ઘટતી નથી પરંતુ વિસ્તારવાથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે, અને સમાજનું કલ્યાણ થાય છે.
રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ભગવાન સ્વામિનારાયણે બતાવેલા માર્ગે સંતો સંસ્કાર અને શિક્ષણનું સંવર્ધન કરવાની સાથે ભાવિ પેઢી સંસ્કાર સાથે શિક્ષિત થાય અને આદર્શ નાગરિક બને તે માટે સમાજ સેવાનું મોટું કાર્ય કરી રહ્યા છે.
રાજકોટ ગુરુકુળ સંસ્થાની શિક્ષણ સેવાનો ઉલ્લેખ કરી રાજ્યપાલશ્રીએ દેવપ્રસાદ સ્વામી અને જ્ઞાનસ્વરૂપ સ્વામી દ્વારા શિક્ષણ માટેની સેવા અંગે આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
તેઓએ એમ પણ કહ્યું હતું કે, અધ્યાત્મ અને ભોગવાદને સંમિશ્રિત કરી જીવનની પૂર્ણતા માટે સેવાકીય કાર્ય થઈ રહ્યા છે. બીજાનું ભલું થાય, સૌનું કલ્યાણ થાય, સૌ જ્ઞાન પ્રાપ્ત કરે અને કોઈ દુઃખી ન રહે તેવા ભાવ સાથે સંતો સંસ્કારમય સમાજના નિર્માણમાં સેવાકાર્ય કરી રહ્યા છે. રાજ્યપાલશ્રીએ શરીર અને આત્મા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરી સમસ્ત કલ્યાણ અને સેવાભાવ માટે સમર્પિત ભાવનાની અધ્યાત્મ રૂપરેખા આપી હતી.
દીકરીઓ માટે શિક્ષણની જ્યોત પ્રગટાવવામાં આવી છે તે અંગે ગુરુકુળ સંસ્થાઓની પ્રશંસા કરતા રાજ્યપાલશ્રીએ રાકેશભાઈ દુધાત અને ધીરુભાઈ કોટડીયાની પ્રવૃત્તિને પણ બિરદાવી હતી.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પમાં આપસમાં સહયોગ અને સંસ્કારવાન શિક્ષણ મહત્વના છે. સૌ સુખી રહે, સૌ નિરોગી રહે અને સૌ શિક્ષિત રહે તેવા ભાવ સાથે ગુરુકુળ દ્વારા શિક્ષણકાર્ય આગળ ધપાવવામાં આવી રહ્યું છે તે અંગે રાજ્યપાલશ્રીએ પ્રસન્નતાની લાગણી વ્યક્ત કરી હતી.
કન્યા ગુરુકુળના ટ્રસ્ટી તરીકે પણ રાજ્યપાલશ્રીને આવકારાયા હતા. ગુરુકુળના સંતોએ રાજ્યપાલશ્રીનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. શિક્ષણ સંસ્થા માટે  દાતાઓના સેવા કાર્યને બીરદાવવામાં આવ્યું હતું. ગુરુકુળ પરિસરમાં રાજ્યપાલશ્રીને ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મહંત સ્વામીશ્રી દેવપ્રસાદ સ્વામી, શ્રી જ્ઞાનસ્વરૂપ સ્વામી, ચેરમેનશ્રી દેવનંદન સ્વામી, શ્રી ઘનશ્યામજીવન સ્વામી, દાતા અગ્રણીઓ લાલજીભાઈ પટેલ, રાકેશભાઈ દુધાત, પ્રફુલભાઈ માલવિયા, દીપકભાઈ- અમદાવાદ અને રમેશભાઈ કુંભાણી સહિતના અગ્રણીઓ ઉપરાંત ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના, પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, અધિક કલેકટર એન.એફ ચૌધરી સહિતના અધિકારીઓ અગ્રણીઓ હરિભક્તો વાલીઓ, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!