GUJARATNAVSARI

નવીન મતદારને પોતાનું EPIC કાર્ડ સરનામે મળેલ ન હોય તો e-EPIC ડાઉનલોડ કરી શકાશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

*EPIC કાર્ડ ન હોય તો e-EPIC ની પ્રિન્ટ પણ ઓળખના પરુાવા તરીકે માન્ય ગણાશે: મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી*

લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ગુજરાતમાં 7 મેના રોજ મતદાન યોજવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની વિગતો આપતા મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે ૧૫ માર્ચ ૨૦૨૪ સુધીમાં અરજી કરનાર તમામ નાગરિકોને EPIC કાર્ડનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. જો EPIC કાર્ડ ન હોય તો e-EPIC ની પ્રિન્ટને પણ ઓળખના પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે.

૨૫-નવસારી સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ વિધાનસભા મતદાર વિભાગોનું તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન યોજાનાર છે. જેથી જો કોઈ નવીન મતદારને પોતાનું EPIC કાર્ડ સરનામે કોઈ કારણોસર મળેલ ન હોય તો ઓનલાઈન ECI ની વેબસાઈટના માધ્યમથી https://voters.eci.gov.in/ પર જઈને પોતાનું e-EPIC ડાઉનલોડ કરી શકે છે. જેથી મતદાર પોતાનો મત આપવામાં બાકી રહી જવા ન પામે અને મતાધિકારનો ઉપયોગ કરીને મત આપી શકે છે. વધુમાં જો મતદાર ફોટો ઓળખપત્ર રજૂ કરી ન શકે તેવા મતદારોએ તેમની ઓળખ માટે ચૂંટણી પંચે નિયત કરેલ વૈકલ્પિક આધાર-પુરાવા રજૂ કરીને પણ મત આપી શકે છે.

મતદારોએ તેમનો મત આપતા પહેલા મતદાન મથકે તેમની ઓળખ માટે મતદાર ફોટો ઓળખપત્ર રજૂ કરવાનું રહેશે. જો મતદાર ફોટો ઓળખપત્ર રજૂ કરી ન શકે તેવા મતદારોએ તેમની ઓળખ માટે આ પૈકી કોઈ એક વૈકલ્પિક ફોટો ઓળખકાર્ડ રજૂ કરવાનું રહેશે.

આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, એન.પી.આર અન્વયે આર.જી.આઇ દ્વારા ઇસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેંટ, કેન્દ્ર/રાજય સરકાર/જાહેર ક્ષેત્ર ઉપક્રમો/જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદસભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો અને ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ઇસ્યુ કરેલ Unique Disability ID(UDID) કાર્ડનો સમાવેશ થાય છે, જે રજૂ કરી મતદાન કરી શકાશે. વધુમાં બિનનિવાસી ભારતીયોની જો મતદાર તરીકે નોંધણી કરેલ હોય તો તેઓએ મતદાન મથકે ફક્ત “અસલ પાસપોર્ટ” રજૂ કરી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે. એમ નવસારી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જણાવાયુ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!