JETPURRAJKOT

રાજકોટ જિલ્લામાં આંગણવાડી પ્રવેશોત્સવ રેલીઓ યોજાઇ

તા.૯ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જિલ્લાની ૧૩૬૦ આંગણવાડીઓમાં પ્રવેશ મેળવનારા ૬૫૦૦થી વધુ ભૂલકાઓ

રાજકોટ જિલ્લામાં આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા પ્રોગ્રામ ઓફિસર શ્રી સાવિત્રી નાથજીના માર્ગદર્શન હેઠળ આંગણવાડી પ્રવેશોત્સવ ૨૦૨૩-૨૪ અંતર્ગત પ્રચાર-પ્રસારનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભૂલકાઓને આંગણવાડીમાં હૂંફાળો આવકાર મળે, તેમનો આંગણવાડીમાં આવવાનો ઉત્સાહ વધે અને વાલીઓમાં આંગણવાડી દ્વારા આપવામાં આવતા પૂર્વ શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી આંગણવાડી પ્રવેશોત્સવ યોજાનાર છે.

આ માટે રાજકોટ જિલ્લાની ૧૩૬૦ આંગણવાડીઓના વર્કર બહેનો દ્વારા આંગણવાડી પ્રવેશોત્સવની પૂર્વ તૈયારીના ભાગરૂપે આંગણવાડી પ્રવેશોત્સવ રેલી તેમજ અન્ય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જિલ્લામાં વિવિધ ઘટકો દ્વારા ઢોલ નગારા વગાડી, ગીતો ગાઈ, રેલી યોજી, બાળકો દ્વારા બનાવાયેલા આમંત્રણ કાર્ડ ગામના આગેવાનોને આપવા જેવી પ્રવૃત્તિઓ તેમજ યોજનાકીય સંદેશા સાથે ગામની શેરીઓમાં સૂત્રોચ્ચાર કરીને આંગણવાડી પ્રવેશોત્સવનો પ્રચાર કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. આ રેલી અને વિવિધ પ્રવૃત્તિઓમાં અનેક બાળકો જોડાઈ રહ્યા છે. આંગણવાડી પ્રવેશોત્સવ દ્વારા રાજકોટ જિલ્લાની ૧૩૬૦ આંગણવાડીઓમાં અંદાજે ૬૫૦૦થી વધુ બાળકો પ્રવેશ પામશે તેમ જિલ્લા આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર આરતી લાવડીયાએ જણાવ્યું છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!