GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટ ખાતેથી પાણી પુરવઠા વિભાગની રૂ.૨૮૭ કરોડની યોજનાઓના ખાતમુહૂર્ત થશે

તા.૨૦/૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અહેવાલ: ડો. દિવ્યા ત્રિવેદી

ભાવનગર, સુરેન્દ્રનગર અને અમરેલી તાલુકાના ૭ લાખથી વધુ લોકોને મળશે પૂરતા પ્રમાણમાં પીવાનું શુદ્ધ પાણી

પીવાનું પાણી એ માનવીની પ્રાથમિક જરૂરિયાત અને રાજયની પ્રાથમિક જવાબદારીઓમાંની એક છે. જેને પહોંચી વળવા તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીજીએ પીવાના પાણીના ક્ષેત્રે અભૂતપુર્વ કામગીરી કરી “સૌની” યોજના થકી મા નર્મદાના નીર સૌરાષ્ટ્રમાં પહોંચાડવા સાથે જ અનેક જૂથ યોજનાઓનું નવીનીકરણ અદ્યતન ટેકનોલોજી સાથે કર્યું છે.

આવી જ દૂરંદેશિતા સાથે પાણી પુરવઠા અને વિતરણની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા આગામી તા. ૨૫ ફેબ્રુઆરીએ રાજકોટ ખાતેથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પાણી પુરવઠા વિભાગ અંતર્ગતની રૂ. ૨૮૭ કરોડથી વધુના ખર્ચે બનનાર ૩ યોજનાઓના ખાતમુહુર્ત કરવામાં આવશે. જેમાં રૂ.૧૩૧.૯૪ કરોડના ખર્ચે સુરેન્દ્રનગર જિલ્લાના વલ્લભીપુર બ્રાન્ચ કેનાલ તેમજ ધોળીધજા ડેમ આધારિત એસ-૨ એસ-૩ જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના, રૂ.૮૯.૩૩ કરોડના ખર્ચે અમરેલી જિલ્લાના લાઠી-લીલીયા- ચાવંડ જુથ સુધારણા યોજના અને રૂ.૬૫.૭૭૪ કરોડના ખર્ચે તૈયાર થનાર ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં જેસર જુથ યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત વલ્લભીપુર તથા ડેમ આધારિત જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનામાં ૬ એમ.એલ.ડી.નો ફિલ્ટર પ્લાન્ટ, હેડ રેગ્યુલેટર અને કલેકટીંગ માટે ૩ કુવા, ૫૩૩ કિ.મી.થી વધુમાં પી.વી.સી. પાઇપલાઇનની કામગીરી, જુદા જુદા પંપીંગ સ્ટેશન પર વિવિધ ક્ષમતાના ૯ ભૂગર્ભ સંપ, પાંચ લાખ લીટર અને ૨૦ મીટર ઊંચી પાણીની ૨ ટાંકી, ૭ પંપ હાઉસ, ૮૦૦ મીટરની કમ્પાઉન્ડ, ૪૦૦ મી. આર.સી.સી રોડ, વીજળીકરણ, પંપીંગ મશીનરી અને ગ્રામ્ય સ્તરે વિવિધ ક્ષમતાના ૧૧૪ ભૂગર્ભ સંપની કામગીરી કરવામાં આવશે. આ યોજનાથી લીંબડી, ચુડા, ધ્રાંગધ્રા, લખતર, વઢવાણ, મુળી અને સાયલા તાલુકાના ૧૭૦ ગામો સહિત ૧ શહેરના આશરે ૫.૭૯ લાખથી વધુ લોકોને પીવાના શુદ્ધ પાણીની સુવિધા આપી શકાશે.

અમરેલી જિલ્લાની લાઠી, લીલીયા, ચાવંડ જુથ સુધારણા યોજના હેઠળ અંદાજિત રૂ. ૮૯.૩૩ કરોડના ખર્ચે ૬ ભૂગર્ભ સંપ,૮ આર.સી.સી. ઉંચી ટાંકી, ૪ પંપ રૂમ, ૭૨ કિમી રાઈઝિંગ (ડી.આઇ.) તથા ૧૩૦ કિ.મી. ગ્રેવિટી (પી.વી.સી.) મેઈન પાઇપલાઇન, સ્ટાફ ક્વાર્ટર, કમ્પાઉન્ડ વોલ તેમજ આનુષંગિક કામો હાથ ધરવામાં આવશે. આ યોજના પૂર્ણ થતાં લાઠી, લીલીયા, બાબરા તાલુકાના ૧.૫ લાખથી વધુ લોકોને પીવાલાયક પાણી મળશે.

૨૫ ફેબ્રુઆરીના રોજ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાની શેત્રુંજી જેસર જૂથ યોજનાનું ખાતમુહુર્ત પણ કરવામાં આવશે. આ યોજનામાં શેત્રુંજી જળાશયને મુખ્ય સ્ત્રોત તરીકે લઈ રૂ. ૬૫.૭૭૪ કરોડના ખર્ચે શેત્રુંજી જળાશય ખાતે ૧ ઇન્ટેક વેલ, ૮ એમ.એલ.ડી. ફિલ્ટર પ્લાન્ટ, ૩૬ લાખ લિટરનો આર.સી.સી. સંપ, ૨ સંપ બુસ્ટર, ગ્રામ્ય સ્તરે ૫૦ હજાર થી ૨૦.૫૦ લાખ લી.ના ૧૦ સંપ, ૨૮ કી.મી રાઈઝીંગ તથા ૫૧ કિ.મી ગ્રેવિટી મેઈન પાઇપલાઇન તથા ઈન્ટેક વેલ પર બુસ્ટીંગ સ્ટેશન અને પંપીંગ મશીનરીની કામગીરી કરવામાં આવશે. આ યોજના પૂર્ણ થતાં જેસર તાલુકાના જેસર,પીપરડી, રાણીગામ, દેપલા, પા, રાણપરડા(ચોક) ,હિપાવડલી, કાત્રોડીયા, ઝડકલા, ઘોબા ગામના અંદાજે ૬૦ હજાર લોકોને નિયમિત શુદ્ધ પાણી મળશે.

ગુજરાત સરકાર પીવાના પાણીની મર્યાદિત ઉપલબ્ધતાની સમસ્યાને દૂર કરવા માટે અથાગ પ્રયાસો કરી રહી છે. ગુજરાતના શહેરી તથા ગ્રામીણ વિસ્તારના છેવાડાના નાગરિકો માટે પીવાનું શુદ્ધ પાણી તેમજ ખેડૂતોને સિંચાઇનું પાણી પહોંચે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ના અંદાજપત્રમાં પાણી પુરવઠા પ્રભાગ હેઠળ રૂ. ૬,૨૪૨ કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે.

પાણી પુરવઠા વિભાગે રાજ્યની પાણીની અછતની સ્થિતિને ટકાઉ ધોરણે નિવારવાના લક્ષ્ય સાથે “રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડ” બનાવવાની પહેલ કરી, તમામને પૂરતા પ્રમાણમાં પાણી સુનિશ્ચિત કરાવવા માટે મજબૂત માળખું બનાવવામાં આવ્યું છે.

રાજ્યમાં પાણી પુરવઠા ક્ષેત્રમાં રૂ. ૨૦,૦૦૦ કરોડ થી વધુ રકમના ખર્ચે રાજ્ય વ્યાપી પાણી પુરવઠા ગ્રીડના નિર્માણ થકી ૩,૨૦૦ કી.મી. બલ્ક પાઇપલાઇનનું નિર્માણ થયું છે. આ પાણી પુરવઠા ગ્રીડ દ્વારા રાજ્યના ૧૮,૧૫૨ પૈકી ૧૪,૯૨૬ ગામો તેમજ ૨૪૧ શહેરો નર્મદા તથા અન્ય સરફેસ સ્ત્રોતથી જોડાયેલ છે, જે થકી સમગ્ર રાજ્યમાં ૩૫૨ જૂથ યોજનાઓ હેઠળના ૧૪૩૨ હેડવર્ક/સબ હેડવર્ક થકી ૪.૩૬ કરોડ લોકોને દૈનિક ૩૨૦૦ એમ.એલ.ડી. પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. સાથે જ, વધતી વસ્તીને ધ્યાને લઈ પાણીની દૈનિક જરૂરિયાતમાં વધારો થતાં સુધારણા યોજનાઓ થકી પુરવઠા ક્ષમતામાં વધારો કરવામાં આવી રહ્યો છે. આ માટે ગુજરાત સરકાર દ્વારા રૂ.૫૪૯ કરોડની નવી યોજનાઓનું લોકાર્પણ અને રૂ.૯૬૯ કરોડની યોજનાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

રાજયમાં છેલ્લા એક વર્ષમાં ૮૯૯ ગામોને સમાવેશ કરતી અંદાજીત રૂ.૧૨૩૮ કરોડની, ૨૫ જૂથ પાણી પુરવઠા અને ફળીયા કનેક્ટીવીટી યોજનાઓ પૂર્ણ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાઓમાં ભવિષ્યની પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે બોટાદ જિલ્લામાં રૂ.૩૭૬ કરોડનાં બલ્ક પાઈપલાઈનનાં કામો પૂર્ણ કરવામાં આવેલ છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લા માટે રૂ.૨૦૮૦ કરોડ નાં બલ્ક પાઈપલાઈનનાં કામો પ્રગતિ હેઠળ છે.

આમ, નવા ભારતના સ્વપ્નદ્રષ્ટા અને ગુજરાતના પનોતા પુત્ર એવા દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના “હર ઘર જલ” ના સપનાને સિધ્ધ કરવા સાથે ગુજરાતમાં સમર્થ પાણી માળખું ઊભું કરવાના સંકલ્પને રાજય સરકાર પરિપૂર્ણ કરવા આગળ વધી રહી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!