વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાની પ્રજ્ઞા મંદિર શિવારીમાળ ખાતે 27 નવા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો..
ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં શિવારીમાળ ખાતે આવેલ ‘પ્રજ્ઞા મંદિર’ અંધજન શાળાનાં પ્રાંગણમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025-26ની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે કુલ 27 નવા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શામગહાન શાખાના મેનેજર જીગરભાઈ ટેલર, શિવારીમાળ ગામના સરપંચ ઉર્મિલાબેન ખૈરાડ,આશ્રમ શાળા શિવારીમાળના આચાર્ય પીયૂષભાઈ પરમાર, વૈદેહી આશ્રમનાં પ.પૂ.સાધ્વી જશોદા દીદી,ચીખલી રેંજનાં આર.એફ.ઓ સરસ્વતીબેન ભોયા સહીતનાં મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત, માનવ કલ્યાણ ટ્રસ્ટના ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ અને મમતા મંદિરના કેમ્પસ ડાયરેક્ટર પંકજભાઈ નાયક,શાળાનાં આચાર્ય સુરેશભાઈ ભોયે પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.આ કાર્યક્રમની શરૂઆત બેન્ડના સુમધુર સથવારે નવા પ્રવેશ મેળવનાર બાળકોના સ્વાગતથી કરવામાં આવી હતી.ઉપસ્થિત મહેમાનોના વરદહસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી,જે તેમના શૈક્ષણિક પ્રવાસ માટે પ્રોત્સાહન પૂરું પાડશે.આ પ્રસંગે મહેમાનો દ્વારા બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવવામા આવ્યુ હતુ ખાસ કરીને સાધ્વી જશોદા દીદીએ વિદ્યાર્થીના પાંચ લક્ષણો અને વિદ્યાર્થી જીવન અંગે સુંદર અને પ્રેરણાદાયી માહિતી પૂરી પાડી હતી, જે બાળકોને તેમના ભવિષ્ય માટે માર્ગદર્શન પૂરું પાડશે.આ કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ મહાનુભાવો અને વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ. આ પ્રવૃત્તિ પર્યાવરણ જાગૃતિનો સંદેશો ફેલાવવા સાથે કાર્યક્રમનું સમાપન કર્યું હતુ.આ પ્રવેશોત્સવ ડાંગ જિલ્લામાં શિક્ષણ અને કન્યા કેળવણીના મહત્વને ઉજાગર કરનારો એક સફળ કાર્યક્રમ રહ્યો હતો..