NAVSARIVANSADA

કિલાદ કેમ્પ સાઇટ ખાતે પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાના હસ્તે રાજ્યનું પ્રથમ અને વિશિષ્ટ વન વિજ્ઞાન કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું

વાત્સલ્યમ સમાચાર
નવસારી

*આવા કેન્દ્રો ખોલી વન સંવર્ધન અને ખેડૂતોને એગ્રો ફોરેસ્ટ્રી તાલીમ થકી પરસ્પર મૂલ્ય વર્ધન કરવામાં આવશે: કેબિનેટ પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઇ બેરા*

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કિલાદ કેમ્પ સાઇટ ખાતે દક્ષિણ ડાંગ વન વિભાગ તથા વન સંવર્ધન કોલેજ, નવસારીના સહયોગથી કેબિનેટ કક્ષાના રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ વિભાગના મંત્રીશ્રી મુળુભાઇ બેરાના હસ્તે વન વિજ્ઞાન કેન્દ્રનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

સાપુતારા મેઘ મલ્હાર મોન્સુન ફેસ્ટિવલ ૨૦૨૫ની ઓપનિંગ સેરેમની બાદ મંત્રીશ્રી અને મહાનુભાવોએ કિલાદ ખાતે લોકાર્પણ સમારોહમાં હાજરી આપી હતી. વન વિજ્ઞાન કેન્દ્ર કિલાદ ખાતે રાજ્યનું પ્રથમ અને એક માત્ર વિશિષ્ઠ કેન્દ્ર બની રહેશે. જેમાં એગ્રો ફોરેસ્ટ્રી, ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થાય તે માટે તેમજ ટકાઉ ખેતી માટે વન વિભાગ, ખેડૂતો અને સમુદાયોના સહિયારા પ્રયાસથી આદાન પ્રદાન થશે. પર્યાવરણ અને કૃષિને જોડતી આ એવી મજબૂત કડી થશે જ્યાં ખેડૂતોને વિવિધ તાલીમ આપવામાં આવશે.

પ્રવાસન અને વન મંત્રીશ્રી મુળુભાઈએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત વનરાજી માટે સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત છે. ડાંગ વન વિસ્તારનું વાતાવરણ દેશના લોકોને પ્રકૃતિ પ્રત્યે પ્રેરિત કરે છે. અહીં પ્રથમ વન ચેતના કેન્દ્ર સ્થાપીને ખેડૂતો તેમજ વન સંવર્ધકો પ્રત્યે પરસ્પર જ્ઞાનની આપ-લે થશે, સરકારની વનને લગતી યોજનાઓનું મૂલ્યાંકન કરાશે, લોકોને વન થકી આજીવિકા મળશે. વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આપણી આ મજબૂત નૈસર્ગિક ધરોહર લોકો સુધી પહોંચે, લોકો દ્વારા જંગલો વિકસે અને જંગલો દ્વારા લોકોને ફાયદો થાય તે મુખ્ય આશય આ કેન્દ્રનો રહેશે.

આ લોકાર્પણ સમારોહમાં સાંસદ શ્રી ધવલ પટેલ અને ડો. એ.પી. સિંઘ, હેડ ઓફ ફોરેસ્ટ એ પણ વન પ્રેમીઓ અને મહેમાનોને પ્રેરિત કર્યા હતા. તેમજ કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂતો અને એગ્રો ફોરેસ્ટ્રી યોજનાના લાભાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ચેતના કેન્દ્રોને એગ્રો ફોરેસ્ટ્રી ખેતીથી વર્ષે ૫ થી ૧૦ લાખ કમાઈ શકાય તે બાબતે લાભાર્થીઓએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. અત્રે નોંધણીય છે કે, માલકી યોજના હેઠળ કુલ ૪૫૮૨ લાભાર્થીઓએ લાભ લીધો છે તેમજ રાજ્યમાં કુલ ૧૯ વન ધન કેન્દ્રો મંજૂર કરવામાં આવ્યા છે.

વન વિજ્ઞાન કેન્દ્રનાં લોકર્પણમાં વન ઉત્પાદિત ઔષધિઓ, શો પિસ, વુડન હેન્ડીક્રાફટ તેમજ અન્ય વસ્તુઓનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડાંગના ધારાસભ્યશ્રી અને ના.મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલ, વલસાડ સાંસદશ્રી ધવલ પટેલ, ડૉ. ઓ.પી. સિંઘ, હેડ ઓફ ફોરેસ્ટ, ડૉ. બી. સુચિન્દ્રા મુખ્ય વન સંરક્ષકશ્રી, વલસાડ તેમજ અન્ય વન પ્રેમીઓ, ગ્રામજનો અને ફોરેસ્ટના અધિકારીઓ કર્મચારીઓ જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!