RAMESH SAVANI

બુટલેગરો/ ગુંડાઓ/ ખનીજ માફીયાઓ બેફામ કેમ બન્યા છે?

ગુજરાતમાં બુટલેગરો/ ગુંડાઓ/ ખનીજ માફીયાઓ બેફામ બન્યા હોય તેવી ઘટનાઓ બની રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખંપાળીયા ગામે સરકારી જમીનમાં કોલસાની ગેરકાયદેસર ખાણમાં 25 જાન્યુઆરી 2024ના રોજ, 4 શ્રમિકોના મોત થયા છે, છતાં તંત્રનું રુંવાડું ફરકતું નથી ! ગામના સરપંચ જીવણભાઈ વનાણીએ 26 ડીસેમ્બર 2023ના રોજ મૂળી મામલતદારને ગેરકાયદે ખનીજ પ્રવૃતિ બંધ કરવા લેખિત અરજી કરી હતી, જો મામલતદારે આ પ્રવૃતિ બંધ કરાવેલ હોત તો આ 4 શ્રમિકો જીવતા હોત !
ખેડાથી અમદાવાદ તરફ આવતી દેશી દારૂ ભરેલી ગાડીને રોકવા જતા પોલીસની PCR વાનને દારૂ ભરેલી કારે ટક્કર મારી હતી. કણભા પોલીસ મથકના ASI બળદેવજી નીનામાનું મોત નીપજ્યું હતું અને જીઆરડી જવાન ઘાયલ થયો હતો. પોલીસે બુટલેગરની કારમાંથી 14000 રૂપિયાની કિંમતનો દેશી દારૂ કબજે કર્યો હતો. આ દારુ અમદાવાદના રાણીપ, સાબરમતી અને ચાંદખેડા વિસ્તારમાં પહોંચાડવાનો હતો. દારુ મંગાવનાર લિસ્ટેડ બુટલેગર ભૂપેન્દ્ર છે.
ભાવનગર શહેરમાં સત્તાપક્ષના કોર્પોરેટર સેજલબેન ગોહિલના ઘેર જઈને ગાળો આપી ધમકી આપી હતી ! જેનો વીડિયો વાયરલ થયો હતો. સેજલબેને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સેજલબેન ચાર કલાક સુધી બોરતળાવ પોલીસ સ્ટેશને બેઠા ત્યારે પોલીસે બૂટલેગરને પકડેલ ! બુટલેગરો જો સત્તાપક્ષના કોર્પોરેટર સાથે આવું વર્તન કરતા હોય તો સ્થાનિક લોકો સાથે કેવો વ્યવહાર કરતા હશે, તે વિચારવું જોઈએ ! સુરતના ગોડાદરા વિસ્તારમાં બુટલેગરો એટલા બેફામ બન્યા કે સોસાયટીમાં દારૂ વેચવાની કે દારૂ મૂકવાની ના પાડી એટલે 10-12 અસામાજીક તત્વોએ લોકોના વાહનોમાં તોડફેડ કરી હતી ! જેના CCTV ફૂટેજ વાયરલ થયેલ.
થોડાં પ્રશ્નો : [1] પેટર્ન સમજો. બુટલેગરો ક્યારેય ઉચ્ચ પોલીસ અધિકારીઓ પર હુમલો કરતા નથી; પરંતુ પોલીસના નાના કર્મચારીઓ કોન્સ્ટેબલ/ હેડ કોન્સ્ટેબલ/ ASI/ PSI / GRD જવાન/ હોમગાર્ડ પર હુમલો કરે છે. અને તેમના જીવ જાય છે. આવું કેમ બને છે? સીનિયર પોલીસ અધિકારીઓ જ સીધા બુટલેગરના સંપર્કમાં હોય છે પોતાના વહીવટદારો મારફતે. શું બુટલેગરોને, સીનિયર પોલીસ અધિકારીની હૂંફ હોતી નથી? સાબરકાંઠાના એક SPએ, બૂટલેગરોને રોકનાર 70થી વધુ કોન્સ્ટેબલો/ હેડ કોન્સ્ટેબલોને 25-30 હજારનો દંડ કર્યો હતો ! [2] અમદાવાદમાં પોલીસ કમિશ્નર ગોમતીપુરમાં રોજે ઈંગ્લિશ દારુના ટ્રકો ઉતરાવતા હતા, તે અંગે કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્યએ મુખ્યમંત્રી આનંદીબહેનને વીડિયો સીડી સાથે ફરિયાદ કરી હતી. મુખ્યમંત્રી પોલીસ કમિશ્નરને બદલવા ઈચ્છતા હતા પરંતુ પોલીસ કમિશ્નરે દિલ્હીના નેતાને પકડી રાખેલ, એટલે તેમની બદલી થયેલ નહીં ! એક ACPએ બૂટલેગર પર રેઈડ કરી દારુ જપ્ત કર્યો તો પોલીસ કમિશ્નર નારાજ થઈ ગયેલ અને એ ACPની પાછળ પડી ગયેલ ! આ પોલીસ કમિશ્નર બૂટલેગર પાસેથી દર મહિને 2-3 કરોડનો હપ્તો લેતા હતા ! ઉપરાંત અમદાવાદમાં વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરનારા કોલ સેન્ટર્સ પાસેથી; સીંધુ ભવન સામેના વિસ્તારમાં અનેક હુક્કાબાર પાસેથી કરોડો રુપિયાનો હપ્તો લેતા હતા ! લોકોએ મુખ્યમંત્રીને બહુ ફરિયાદો કરી ત્યારે સરકારે ઓનેસ્ટ અધિકારી એ. કે. સિંઘ સાહેબની નિમણૂંક કરી અને તરત જ બૂટલેગર/ કોલ સેન્ટર્સ/ હુક્કાબાર બંધ થઈ ગયેલ ! આ શું સૂચવે છે? તમામ અસામાજિક પ્રવૃતિઓ પાછળ સીનિયર અધિકારીની પૈસાની ભૂખ હોય છે. જેના કારણે નાગરિકો તથા નીચેના પોલીસ કર્મચારીઓના જીવ જાય છે ! [3] કોઈ પત્રકાર બુટલેગરનો વિરોધ કરે તો સીનિયર પોલીસ અધિકારી તેની હત્યા પણ કરાવે છે, ભૂતકાળમાં સુરત રેન્જમાં આવું બન્યું હતું. હજુ પણ તે હત્યાનો ગુનો ‘પોલીસ સૌજન્ય’થી અનડીટેક્ટ છે, કેમ? [4] પોલીસ કે રેવન્યૂ અધિકારીઓના પોસ્ટિંગ ‘પ્રસાદ’ ધર્યા વિના થતાં નથી. ઓનેસ્ટ અધિકારીઓને સાઈડ પોસ્ટિંગ મળે છે, અને અતિ ભ્રષ્ટ અધિકારીઓને ક્રીમ પોસ્ટિંગ મળે છે. મોટો લઠ્ઠાકાંડ થયો હોય છતાં રેન્જ IG તરીકે ગોઠવાઈ જાય છે ! ભ્રષ્ટ અધિકારીઓ હંમેશા સત્તાપક્ષની ચાપલૂસી કરતા હોય છે ! સુરતના એક પોલીસ કમિશ્નર સત્તાપક્ષના કોર્પોરેટરને MP જેટલું મહત્વ આપતા હતા ! આવા પોલીસ અધિકારી નાગરિકોનું સાંભળે ખરા? [5] શું મુખ્યમંત્રી સુધી હપ્તા જાય છે? ના, બિલકુલ નહીં. પરંતુ મુખ્યમંત્રીના સલાહ માટે નિમેલા નિવૃત IAS અધિકારી મુખ્યમંત્રીને સાચી હકિકત કહેતા નથી ! કેટલાંક સત્તાપક્ષના MLA/MP પૈસા લઈને પોલીસ અને રેવન્યૂ અધિકારીઓના પોસ્ટિંગ કરાવે છે. જે વિસ્તારમાં ગુંડાગીરી બેફામ છે, ત્યાં સત્તાપક્ષના ધારાસભ્ય ‘પોતે કહે તેટલું જ કરે તેવા’ કરોડરજ્જુ વિનાના PI/ DySP/ SPની નિમણૂક કરાવે છે ! અને પછી નિર્દોષ લોકોના હાથ-પગ ભંગાવે છે, હત્યા કરાવે છે ! લોકો ફરિયાદ કર્યા કરે છે કે પોલીસ અમારી ફરિયાદ નોંધતી નથી ! લોકો જાણતા હોતા નથી કે સત્તાપક્ષના લોકલ ધારાસભ્યએ જ ચાપલૂસ પોલીસ અધિકારીની નિમણૂંક કરાવી છે ! ટૂંકમાં આખો ખેલ પૈસાની ભૂખનો છે. એટલે ગુજરાતમાં દરેક જિલ્લામાં બુટલેગરો/ ગુંડાઓ/ ખનીજ માફીયાઓ બેફામ બન્યા છે. તેમને કાયદાનો અને પોલીસનો ડર રહ્યો નથી ! લોકોએ ભગવાન ભરોસે જીવવું પડે તે સ્થિતિ ઊભી થઈ છે અને ભગવાન પણ બુટલેગરો/ ગુંડાઓ/ ખનીજ માફીયાઓ સામે લાચાર છે ! આ સ્થિતિમાંથી કોણ છોડાવી શકે? લોકો પોતે ! કઈ રીતે? લોકોએ જાગૃત થઈ અવાજ ઊઠાવવો જોઈએ. સ્વતંત્ર અને સત્યનિષ્ઠ પત્રકારો/ હ્યુમન રાઈટ એક્ટિવિસ્ટોની પાછળ ઊભા રહેવું જોઈએ. મુખ્યમંત્રીનું સીધું ધ્યાન દોરવું જોઈએ ! બધાં જ ભ્રષ્ટ છે, એમ નાની નિષ્કિય રહેવાય નહીં !rs

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!