JETPURRAJKOT

ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહના અધ્યક્ષસ્થાને રોજગાર કચેરી દ્વારા ટી.સી.એસ. કંપનીમાં નોકરી અર્થે ભરતી મેળો યોજાયો

તા.૮/૬/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

“યુવાઓને ‘જોબ સિકર’ નહિ પણ ‘જોબ ગીવર’ બનાવી રહ્યા છે રોજગાર મેળા”- ડો. દર્શિતાબેન શાહ

મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, રાજકોટ અને શ્રીમતી જે. જે. કુંડલિયા કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે આઈ.ટી. ક્ષેત્રની નામાંકિત કંપની ટી.સી.એસ. (ટાટા કન્લ્ટન્સી સર્વિસ) માટે શ્રીમતી જે.જે.કુંડલીયા કોમર્સ કોલેજ ખાતે ધારાસભ્યશ્રી ડો. દર્શિતાબેન શાહના અધ્યક્ષ સ્થાને રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિશ્વ વિખ્યાત ટી.સી.એસ. કંપનીમાં નોકરી મેળવવા રોજગાર મેળામાં ઉપસ્થિત યુવાઓને શુભેચ્છા પાઠવી જુસ્સાસભર પ્રેરણાત્મક ઉદબોધન થકી ડો. દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે, દેશનાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ “સ્કીલ ઈન્ડિયા”, “મેક ઈન ઈન્ડિયા” જેવા મહત્ત્વના અભિયાનો થકી ૨૦૨૪ સુધીમાં ૧૦ લાખ યુવાઓને રોજગારીની તકો પૂરી પાડવાનું લક્ષ્ય છે. યુવાઓની કૌશલ્ય શક્તિ ખીલે તે માટે અનેકવિધ કૌશલ્યવર્ધન અભ્યાસક્રમો, યોજનાઓ અમલી બનાવી છે. મોદી સાહેબનું લક્ષ્ય છે કે, ભારતનાં યુવા “જોબ સિકર” નહિ પણ “જોબ ગીવર” બની રોજગારીની તકોનું સર્જન કરી સ્વની સાથે અન્યને પણ રોજગારી આપી આત્મનિર્ભર બનાવે અને દેશના વિકાસમાં યોગદાન આપે. વિકાસશીલ ભારતને વિકસિત ભારત બનાવવા યુવાઓનું યોગદાન મહત્વનું બની રહેશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, આજનો યુવાન આવતીકાલના ભારત દેશનું ઉજ્જવળ ભવિષ્ય છે. યુવા વર્ગ સશક્ત અને સમૃધ્ધ થાય તે માટે રાજકોટ જિલ્લાના શિક્ષિત યુવાનોને પસંદગીના ક્ષેત્રમાં નોકરી મળી રહે તે માટે યુવાનો અને નામાંકીત કંપનીઓ વચ્ચે રોજગાર વિભાગ સેતુરૂપ ભૂમિકા ભજવી સમયાંતરે જુદી જુદી કોલેજોમાં જઈને રોજગાર મેળા યોજી રોજગારી સર્જનમાં પરિણામલક્ષી કામગીરી કરી રહ્યો છે. જરૂરિયાતમંદ વ્યક્તિઓને રોટી, કપડાં કે જરૂરિયાતની ચીજ વસ્તુઓ એક વાર આપવા કરતાં લોકો આત્મનિર્ભર બને અને તેની જરૂરીયાત કાયમી માટે સંતોષાય તેવા પ્રયત્નો સરકાર રોજગારી આપી કરી રહી છે. યુવા વર્ગ આગળ વધે પરિવાર, સમાજ અને રાષ્ટ્રનું નામ રોશન કરી રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થાય તે માટે સરકાર હરહંમેશ યુવાઓની પડખે છે તેવી ખાતરી આપી હતી.

કંપનીના એચ.આર. મેનેજરશ્રી પૂજા નંદાણીયાએ ઉપસ્થિત ઉમેદવારોને કંપનીમાં કરવાની થતી કામગીરી, પગાર ધોરણ, કંપની દ્વારા મળવાપાત્ર લાભો, ભવિષ્યની ઉજ્જવળ તકો સહિતની મહત્વની બાબતો વિશે જાણકારી આપી હતી. આ રોજગાર ભરતીમેળામાં વર્ષ ૨૦૨૧/૨૦૨૨/૨૦૨૩માં બી.એ./બી.કોમ/બી.બી.એ./બી.એસ.સી.(નોન-આઈટી)નો અભ્યાસ પૂર્ણ કરેલ ૧૧૦ ઉમેદવારોએ “બિઝનેસ પ્રોસેસ સર્વિસ”ની જગ્યાઓ માટે લેખિત પરીક્ષા આપી હતી. પાસ થયેલા ઉમેદવારોની ઈન્ટરવ્યુ થકી પસંદગી કરવામાં આવશે.

મહાનુભાવોનાં હસ્તે દીપ પ્રાગટ્ય થકી શરૂઆત થયા બાદ શાલ, બુક અને ખાદીના રૂમાલ થકી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સહિત અનેકવિધ સંસ્થાનાં ટ્રસ્ટી ડો.અલ્પનાબેન ત્રિવેદી, મદદનીશ નિયામકશ્રી ચેતન દવેએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. સંસ્થાના આચાર્યશ્રી ડો. પ્રીતિબેન ગણાત્રાએ ઉપસ્થિતિનો શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ મેળામાં ટી.સી.એસ. કંપનીનાં પ્રતિનિધિઓ, સંસ્થાનાં પ્રાધ્યાપકો તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!