કાંકણપુર ગામે ૧૦૮ એમ્બ્યુલન્સ ૫૦ મિનિટ મોડી પહોંચતા મહિલાને તાત્કાલિક સારવાર ન મળી
પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
ગોધરા તાલુકાના કાંકણપુર ખાતે જાડેશ્વર ચોકડીના નાયરા પેટ્રોલ પંપ પાસે પર એક મહિલા અચાનક ઢળી પડ્યા બાદ તેમને તાત્કાલિક તબીબી સહાય મેળવવામાં ૫૦ મિનિટનો વિલંબ થયો હતો. ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સમયસર ઉપલબ્ધ ન હોવાથી આ ઘટના બની હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, કાંકણપુરની જાડેશ્વર ચોકડી પર એક મહિલાને ચક્કર આવતા તેઓ નીચે ઢળી પડ્યા હતા. આસપાસ હાજર સ્થાનિક લોકોએ તરત જ મદદ કરી મહિલાને ઊભા કર્યા અને પાણી આપ્યું. પરિસ્થિતિની ગંભીરતા જોતા, સ્થળ પર હાજર લોકોએ તુરંત ૧૦૮ ઇમરજન્સી સેવાને ફોન કરીને તબીબી સહાયની માંગણી કરી હતી.
જોકે, તે સમયે કાંકણપુર વિસ્તારમાં કોઈ એમ્બ્યુલન્સ ઉપલબ્ધ ન હોવાને કારણે એમ્બ્યુલન્સને ગોધરાથી આવવું પડ્યું હતું. આના કારણે, મહિલાને તાત્કાલિક તબીબી સારવાર મળી શકી નહોતી. અંદાજે ૫૦ મિનિટ જેટલા વિલંબ બાદ ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ તે મહિલાને સારવાર અર્થે કાંકણપુરની સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમને સારવાર આપવામાં આવી હતી.