વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ મહારાષ્ટ્રનાં સુરગાણા તાલુકાનાં ગાવઠા ગામનો જમાઈ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના રાનપાડા ગામ ખાતે પત્નીને તેડવા માટે આવ્યો હતો.ત્યારે આ બંને પતિ પત્ની વચ્ચે કોઈક કારણોસર ઉગ્ર ઝઘડો થયો હતો.અને આ ઝઘડામાં ઉશ્કેરાયેલા જમાઈએ નિંદર માણી રહેલ સાસુ સસરા પર કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હતો.ત્યારે લોહીલુહાણ હાલતમાં સાસુ સસરાને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.મહારાષ્ટ્ર રાજ્યનાં સુરગાણા તાલુકાનાં ગાવઠા ગામ ખાતે રહેતા મુકેશ સોનુભાઇ રાઠોડ જેઓ ગતરોજ પોતાની પત્નીને સાસરીમાં તેડવા માટે આહવા તાલુકાના રાનપાડા ગામ ખાતે આવ્યા હતા.ત્યારે ખેતરમાં પતિ પત્ની વચ્ચે કોઈક બાબતે ઝઘડો થયો હતો.જેમાં આજરોજ મળસ્કે સસરા ફૂલ્યા ચંદરભાઈ ચોર્યા અને સાસુ હૌસાબેન જેઓ નિંદર માણી રહ્યા હતા.તે વેળાએ જમાઈ મુકેશભાઈ સોનુભાઈ રાઠોડે મીઠી નિંદર માણી રહેલ સસરા અને સાસુ પર કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હતો.જમાઈએ સસરાનાં મોઢાના ભાગે કુહાડી વડે ઘા ઝીંકી દીધો હતો. તેમજ સાસુ સસરાનાં હાથનાં બંને કાંડા પર પણ કુહાડીનાં ઘા ઝીંક્યા હતા.ત્યારે સાસુ સસરા લોહીલુહાણ થઈ જતા જમાઈ ત્યાંથી નાસી છૂટ્યો હતો.જે બાદ તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સ મારફતે સાસુ સસરાને પ્રથમ શામગહાન ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેઓની હાલત નાજુક જણાતા વધુ સારવારનાં અર્થે આહવા સિવિલ હોસ્પિટલ બાદ વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા.હાલમાં આ બનાવ સંદર્ભે સાપુતારા પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..