ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ગુમ થયેલ બે લોકોને શોધવા રેસ્ક્યૂ ઓપરેશન હજુ પણ ચાલુ, મૃત્યુઆંક 19 પહોંચ્યો
વડોદરા જિલ્લામાં પાદરા તાલુકામાં મુજપુર અને આણંદ જિલ્લામાં આંકલાવ તાલુકાના ગંભીરાને જોડતા મહી નદી પરના બ્રિજનો બુધવારે સવારે ત્રીજાથી ચોથા પીલર વચ્ચેનો સ્પામ અચાનક તૂટી પડવાની ઘટનામાં કુલ મૃત્યુઆંક 19 થયો છે. આજે દહીવણ ગામના નરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. દુર્ઘટનાના દિવસે 13ના મૃતદેહો મળ્યા બાદ ગુરૂવારે વધુ પાંચના મૃતદેહો બચાવ એજન્સી દ્વારા તપાસ દરમિયાન મળ્યા હતાં. હજુ પણ બે મૃતદેહો ગુમ છે જેની શોધખોળ ચાલી રહી છે. મહી નદી પરના બ્રિજની દુર્ઘટના બાદ ગુરૂવારે આખો દિવસ બચાવ કામગીરી ચાલી હતી અને રાત્રે પણ ફ્લડ લાઇટના અજવાળે નદીમાંથી વાહનો બહાર ખેંચવા તેમજ ડૂબેલી વ્યક્તિઓની શોધખોળ માટેની કામગીરી હાથ ધરાઇ હતી.
રાહત અને બચાવ કામગીરી વચ્ચે મૃત્યુઆંક વધીને હવે 18 થયો છે. એનડીઆરએફની ટીમ દ્વારા આજે વહેલી સવારે હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન વધુ ત્રણ મૃતદેહો મળી આવ્યા છે. જેમાંથી બે મૃતદેહ બ્રિજ નજીકથી જ્યારે એક ડબકા ગામે નદીના વહેણમાંથી મળ્યો હતો.
મહી નદીમાં એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર બ્રિગેડ સહિત 10થી વધુ એજન્સીઓની ટીમો બચાવ અને રાહત કાર્યમાં જોડાયેલી છે. આ દુર્ઘટનામાં આણંદ, પંચમહાલ અને ભરૂચ જિલ્લાના કુલ બે વ્યક્તિઓનો હજી કોઇ પત્તો મળ્યો નથી.
બીજી તરફ 10 જુલાઈ, 2025ના રોજ ગંભીરા બ્રિજ મામલે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગના 1 એક્ઝીક્યુટીવ એન્જિનિયર, 2 ડેપ્યુટી એન્જિનિયર અને 1 આસિસ્ટન્ટ એન્જિનિયરને તત્કાલ અસરથી ફરજમુક્ત કરાયા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને મુખ્યમંત્રીએ સહાયની જાહેરાત કરતાં મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં લખ્યું હતું કે ‘આણંદ વડોદરાને જોડતા ગંભીરા બ્રિજનો એક ગાળો તૂટી જવાથી સર્જાયેલી દુઘર્ટના મનને અત્યંત વ્યથિત કરનારી છે. રાજ્ય સરકાર આ દુર્ઘટનાથી અસરગ્રસ્ત પ્રત્યેક પરિવારની સાથે પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે. તેમજ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા પ્રત્યેક વ્યક્તિને 50,000 રૂપિયાની સહાય, ઉપરાંત તમામ સારવાર વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે ‘વડોદરા જિલ્લામાં બ્રિજ ધરાશાયી થવાની દુર્ઘટનામાં થયેલી જાનહાનિ અત્યંત દુઃખદ છે. આ ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના. પ્રધાનમંત્રી રાહત ફંડ(PMNRF)માંથી મૃત્યુ પામેલા પ્રત્યેક વ્યક્તિના નજીકના સંબંધીઓને રૂપિયા 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. જ્યારે આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને રૂપિયા 50,000ની સહાય પૂરી પાડવામાં આવશે.’