Rajkot: રાજકોટમાં રાજ્ય માર્ગ મકાન વિભાગ દ્વારા વરસાદમાં તૂટેલા રસ્તાઓનું રીપેરીંગ પૂરજોશમાં
તા.૧/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
આશરે ૩૫ જેટલા રસ્તા ઉપર યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરાયું
Rajkot: રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના કારણે માર્ગ મકાન વિભાગ, સ્ટેટ હસ્તકના ૧૧ રોડ પર પાણી ભરાઈ જવાના કારણે તેમજ ઓવર ટોપીંગના કારણે ભારે નુક્સાન પામ્યા હતા. જેના પરિણામે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. જેમાં ઉપલેટા તાલુકાના પાંચ રોડ, જેતપુર તાલુકાના ત્રણ રોડ, રાજકોટ, કોટડા સાંગાણી તેમજ પડધરી તાલુકાના એક-એક મળીને ૧૧ રોડ બંધ થયા હતા.
જો કે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી, રાજ્ય માર્ગ અને મકાન વિભાગની ટીમે તાબડતોબ રસ્તા રીપેરીંગની કામગીરી શરૂ કરી દીધી છે. જેમાં રાજકોટ જિલ્લાના ઉપરોક્ત ૧૧ રોડમાંથી ૮ માર્ગો પુનઃ શરૂ થઈ ગયા છે. જ્યારે ત્રણ માર્ગો પર ડાયવર્ઝન આપીને વાહન વ્યવહાર શરૂ કરી દેવામાં આવ્યો છે. આમ રાજકોટ જિલ્લામાં વરસાદની સ્થિતિ હળવી થયાના ગણતરીના કલાકોમાં જ રોડ શરૂ કરી દેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ભારે વરસાદની સ્થિતિમાં રાજકોટ જિલ્લામાં રાજ્ય માર્ગ અને વિભાગના આશરે ૩૫ જેટલા રોડ પર ખાડા પડી જવા, રોડની સાઈડો ધોવાઈ જવી કે તૂટી જવા સહિતનું નુકશાન થયું છે. પરંતુ માર્ગ અને મકાન વિભાગની ટીમ દિવસ રાત ખડેપગે રહીને આ રસ્તા રીપેરીંગની કામગીરી કરી રહી છે. હાલ વિવિધ રોડમાં રિપેરિંગ કામ તેજગતિએ ચાલી રહ્યું છે.