અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામા ડાયાલિસિસ સેન્ટર ખાનગીકરણ : ગરીબ દર્દીઓના હક પર સરકારનો ઘા – કોંગ્રેસનો આક્રોશ
અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણભાઈ પટેલે ભાજપ સરકાર પર તીવ્ર આક્ષેપ કરતાં જણાવ્યું કે રાજ્ય સરકારે કોઈ ટેન્ડર વિના, કોઈ પારદર્શિતા વિના અરવલ્લીના મોડાસા, માલપુર, બાયડ, શામળાજી, ધનસુરા, મેઘરજ તથા ભિલોડાના સરકારી ડાયાલિસિસ સેન્ટરો સિમ્બાયોસિસ હેલ્થકેર ફાઉન્ડેશન નામની ખાનગી સંસ્થાને સોંપી દીધા છે.
કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ૨૦ કરોડથી વધુના સરકારી સાધનો અને બિલ્ડિંગો મફતમાં ખાનગી સંસ્થાને અપાયા. દર વર્ષે લગભગ ૧૦ કરોડનો નફો ખાનગી સંસ્થાના ખાતામાં જશે. સરકારી ડોક્ટરોને પણ ફરજિયાત આ સેન્ટરોમાં સેવા આપવી પડશે. ઠરાવમાં સંસ્થાનું સંપૂર્ણ સરનામું પણ જાહેર કરાયું નથી.જિલ્લા કોંગ્રેસ પ્રમુખ એ જણાવ્યું કે ભાજપ સરકાર ગરીબ દર્દીઓ માટેની સેવા પર પોતાના મળતિયાને કરોડોની કમાણી કરાવી રહી છે. આ સ્પષ્ટ ભ્રષ્ટાચાર છે.કોંગ્રેસની માંગણી છે કે ઠરાવ તાત્કાલિક રદ કરવો. સેન્ટરોનું સંચાલન ફરીથી સરકારી આરોગ્ય વિભાગને સોંપવું. સમગ્ર મામલાની સ્વતંત્ર તપાસ કરવી.કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો સરકાર પગલાં નહીં ભરે તો આ મુદ્દો રાજ્યપાલ તથા ન્યાયાલય સુધી લઈ જવામાં આવશે.