NATIONAL

બિલકિસ સાથેનો અપરાધ અત્યંત ભયાનક, કયા આધારે અપરાધીઓને છોડયા તે અમને જણાવો નહીં તો અમારી રીતે તારણ કાઢી લઇશું : સુપ્રીમની ટકોર

નવી દિલ્હી : બિલકિસ બાનોના અપરાધીઓને છોડી મુકવાના ગુજરાત સરકારના નિર્ણયને લઇને સુપ્રીમ કોર્ટે આક્રામક ટિપ્પણી કરી હતી, અને કહ્યું હતું કે આજે બિલકિસ છે, કાલે કોઇ અન્ય પણ હોઇ શકે છે. સાથે જ નિર્ણય લેવામાં આવ્યો તેની ફાઇલો કેમ દેખાડવામાં નથી આવી તેને લઇને પણ ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે જો આ ફાઇલો અમને નહીં દેખાડો તો અમે અવમાનનાનો મામલો પણ ચલાવી શકીએ છીએ. અપરાધીઓને છોડી મુકવા મુદ્દે સરકારને ટકોર કરતા કહ્યું હતું કે તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે ક્યારેય પણ સત્તાનો ગેરકાયદે ઉપયોગ ન થવો જોઇએ.

૧૧ અપરાધીઓને છોડી મુકવાના ગુજરાત સરકારના નિર્ણયની સામે બિલકિસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આજે બિલકિસ બાનો છે, કાલો કોઇ બીજુ પણ હોઇ શકે છે. આ એક એવો મામલો છે જેમાં એક ગર્ભવતી મહિલાની સાથે ગેંગરેપ થયો અને તેના સાત પરિવારજનોની હત્યા કરી દેવામાં આવી. અમે ગુજરાત સરકારને અપરાધીઓને છોડી મુકવાના નિર્ણયના બધા જ દસ્તાવેજો રજુ કરવા માટે કહ્યું હતું, અમે જાણવા માગીએ છીએ કે સરકારે આ નિર્ણય લેતી વખતે પોતાના વિવેકનો ઉપયોગ કર્યો છે કે નહીં. જો હા તો અમને જણાવવામાં આવે કે ક્યા આધારે અપરાધીઓને છોડી મુકવામાં આવ્યા છે?

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ કે એમ જોસેફ અને બીવી નાગરત્નાની બેંચે સત્તાને લઇને ટિપ્પણી કરતા કહ્યંમ હતું કે અમે માત્ર એ સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે શક્તિનો વાસ્તવિક પ્રયોગ થવો જોઇએ. સત્તાનો કોઇ જ દૂરૂપયોગ ન થવો જોઇએ. જે રીતે આ સમગ્ર અપરાધને અંજામ આપવામાં આવ્યો તે ભયાનક છે. જ્યારે સરકાર સત્તાનો ઉપયોગ કરે ત્યારે તે જનતાની ભલાઇ માટે હોવો જોઇએ. તમે કોઇ પણ હોવ, કોઇ પણ ઉચા હોદા પર હોવ. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને પૂછ્યું હતું કે તમે અપરાધીઓને છોડીને તમે શું સંદેશો આપી રહ્યા છો? તમે અપરાધીઓને છોડતી વખતે મગજનો ઉપયોગ કર્યો છે કે નહીં ? જો હા તો નિર્ણયનો આધાર અમારી સમક્ષ રજુ કરો. ન્યાયાધીશ કે એમ જોસેફે ટિપ્પણી કરી હતી કે આજે બિલકિસ બાનો છે, કાલે તમે કે મારામાંથી કોઇ પણ હોઇ શકે છે. જો અપરાધીઓને છોડી મુકવાના કારણો નહીં જણાવો તો અમે અમારી રીતે નિષ્કર્ષ કાઢી લઇશું.

એક ગર્ભવતી મહિલા પર ગેંગરેપ થયો અને તેના પરિવારના સાત લોકોની હત્યા કરી દેવામાં આવી, બિલકિસના મામલાને તમે ૩૦૨ (હત્યા)ના અન્ય કેસો સાથે ના સરખાવી શકો, જે રીતે સફરજનની સરખામણી ઓરેંજ સાથે ન થાય તેવી જ રીતે સામૂહિક હત્યાકાંડના કેસની સરખામણી એક હત્યાના કેસ સાથે ના કરી શકાય. સામાન્ય રીતે સમાજ અને સમુદાય સાથે કરવામાં આવેલા અપરાધોને અન્ય અપરાધીઓની સાથે ના સરખાવી શકાય. સુપ્રીમ કોર્ટ હવે બીજી મેના રોજ આ સમગ્ર મામલે અંતિમ ચુકાદો આપશે, સાથે જ રિવ્યૂ પિટિશનને લઇને ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર પાસેથી પોતાનો અભિપ્રાય માગ્યો હતો. સાથે જ અપરાધીઓને છોડી મુકવાના નિર્ણયની ફાઇલો પણ રજુ કરવા આદેશ આપ્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!