JETPURRAJKOT

ગુજરાત ટેક્સટાઇલ પોલિસી અંતર્ગત રાજકોટ જિલ્લામાં ૨૧૪ કરોડથી વધુની સહાય ચૂકવાઈ

તા.૫ મે

વાત્સલ્યમ્ સમાચાર

નવા ૧૩૦ એકમોને મંજૂરી-રૂ. ૨,૩૩૦ કરોડનું મૂડીરોકાણ

રાજ્ય સરકાર દ્વારા કપાસના ખેડૂતોને મૂલ્યવર્ધિત ઉત્પાદનો માટે પ્રોત્સાહન પૂરૂં પાડવાના હેતુ સાથે ગુજરાત ટેક્સટાઇલ પોલિસી યોજના અંતર્ગત સ્પિન્ડલ( રૂને રેષામાં પરિવર્તિત કરવા માટેના ઉદ્યોગ)માટે સહાય આપવામાં આવે છે. આ સ્પીન્ડલ સહાય મેળવવા માટે રાજકોટ જિલ્લાના ૫૪૨ ઉદ્યોગકારોએ કરેલી અરજીઓ અન્વયે રાજયસરકાર દ્વારા કુલ રૂ. ૨૧૪.૧૦ કરોડ સહાયની ચૂકવણી કરવામાં આવી છે. આ પૉલિસી હેઠળ રાજકોટ જિલ્લામાં નવા ૧૩૦ એકમોને પણ મંજૂરી આપવામાં આવી છે. જેમાં રૂ. ૧૨,૩૩૦ કરોડનું મૂડીરોકાણ થયું છે.

ગુજરાત ટેક્સ્ટાઇલ પૉલિસી-૨૦૧૨ અંતર્ગત સમગ્ર રાજયમાં કુલ ૧,૩૭૪ એકમોને મંજૂરી આપવામાં આવી છે. જેનાથી રૂ. ૩૫,૦૦૦ કરોડનું મૂડીરોકાણ થયું છે. આ પૉલિસીથી ટેક્સ્ટાઇલ ક્ષેત્રે સંકળાયેલ એકમોને વિકાસ માટે વધુ તક મળી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ટેક્સ્ટાઇલ પૉલિસી યોજનાનો આશય કપાસ ઉત્પાદન કરતા ખેડૂતોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં રૂના ભાવની અનિશ્ચિત વધઘટ સામે રક્ષણ આપવાનો અને મૂલ્યવર્ધન અને ટેક્નૉલૉજીના સંયોજન થકી માનવનિર્મિત અને કૃત્રિમ રેસાના કાપડને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક બનાવવાનો છે.

રાજ્યના ખેડૂતો દ્વારા ઉત્પાદિત થતું રૂ સ્પિનિંગના અભાવે અન્ય રાજ્યોમાં જવાને બદલે, હવે ઘરઆંગણે જ તેને સ્પીન્ડલમાં તબદિલ કરી રાજયમાં જ તેનું મૂલ્યવર્ધન કરી વધુ ઉત્પાદન મેળવવા માટે ટેક્સ્ટાઇલ પૉલિસી-૨૦૧૨ અમલી બનાવાઇ છે, જેનાથી હાલ સમગ્ર રાજયમાં ૪૬ લાખથી વધુ સ્પિન્ડલ સ્થાપિત કરવામાં આવ્યાં છે તેમ રાજકોટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી કિશોર મોરી દ્વારા જણાવવામાં આવ્યું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!