AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

ATGLના ‘ગ્રીનમોસ્ફિયર ફોર લાઈફ’ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓનો સર્જનાત્મક પ્રકૃતિપ્રેમ છલકાયો

પર્યાવરણને લીલુછમ રાખવા ‘ગ્રીનમોસ્ફિયર ક્લબ’ કટીબદ્ધ

અદાણી ટોટલ ગેસ અને CERCના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ગ્રીનમોસ્ફિયર ફોર લાઈફ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે 21-22 એપ્રિલ દરમિયાન 30 શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. ગ્રીનમોસ્ફિયર ક્લબની કાર્યશાળામાં રૂચીકર પ્રવૃત્તિઓ કરાવી તેના વિજેતા વિદ્યાર્થીઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં અદાણી ટોટલ ગેસના CEO સુરેશ મંગલાણી, વાઈસ પ્રેસિડેન્ટ પ્રણવકુમાર ઘોષ, CERCના CEO ઉદય મેવાણી તેમજ શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.

બાળકોમાં વિદ્યાર્થી અવસ્થાથી જ પર્યાવરણપ્રેમ વિકસે અને તેનું સંવર્ધન થાય તેવો ગ્રીનમોસ્ફિયર કાર્યશાળાનો આશય હતો. જેમાં ધોરણ 6-9ની આંતરશાળા સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણાર્થે વિવિધ વિષયો પર વિચારો રજૂ કરી પ્રેક્ષકોના દિલ જીતી લીધા.

ATGLના CEO સુરેશ મંગલાણીએ બાળકો સાથે જ્ઞાનવર્ધક પ્રશ્નોત્તરી થકી પર્યાવરણનું જતન કરવાની શીખ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘ જળવાયુ પરિવર્તન અનિવાર્ય હોવાથી લો કાર્બન સોસાયટીના સિદ્ધાંતને અપનાવવો રાષ્ટ્રની જરૂરિયાત બની ગઈ છે. ગ્રીનમોસ્ફિયર દ્વારા અમે 30 શાળાઓના 3500થી વધુ વિદ્યાર્થીઓમાં તેનું સિંચન કરી રહ્યા છીએ. આ વિદ્યાર્થીઓ પરિવાર અને મિત્રવર્તુળોમાં પર્યાવરણ વિશે જાગૃતિ ફેલાવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ તે જારી રહેશે’.

વિદ્યાર્થીઓએ ઉર્જા બચાવો- પાણી બચાવો, ટકાઉ ખોરાક- તંદુરસ્ત જીવનશૈલી અપનાવો, તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં ઘટાડો,ઈ-વેસ્ટમાં ઘટાડો, સ્વચ્છાગ્રહ વગેરે વિષયો પર સર્જનાત્મક કૃતિઓ રજૂ કરી હતી.

ATGLના વાઈસ પ્રેસિડેન્ટ (EHS) પ્રણવકુમાર ઘોષે પ્રાસંગીક ઉદબોધનમાં જણાવ્યું હતું કે ‘આવી સ્પર્ધાઓમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓની ઉર્જા હ્રદયસ્પર્શી અને પ્રેરણાદાયી છે. ATGLની લો કાર્બન સોસાયટી પહેલ – ગ્રીનમોસ્ફિયર દ્વારા આયોજિત સ્પર્ધામાં માત્ર વિદ્યાર્થીઓએ જ નહીં, પરંતુ શિક્ષકો અને શાળા મેનેજમેન્ટે પણ ભારોભાર પ્રયત્નો કર્યા છે’.

વિદ્યાર્થીઓએ મનપસંદ વિષય પર વાર્તાલેખન, કોમીકબુક, કવિતા, સ્લોગન, ઊર્જાના વિવિધ સ્વરૂપો માટે કાર્યકારી મોડેલ, ચિત્ર,  પોસ્ટર, સોલો ડાન્સ, ગ્રુપ ડાન્સ, સ્કિટ, એકપાત્રીય અભિનય જેવી પ્રવૃત્તિઓમાં દર્શાવેલો પર્યાવરણ પ્રેમ ઉડીને આંખે વળગે તેવો હતો. કુલ 13 શ્રેણીઓમાં અને ત્રણ વિજેતાઓને એવોર્ડ તેમજ તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

આનંદ નિકેતન સેટેલાઇટની સૌથી વધુ એવોર્ડ જીતનાર વિદ્યાર્થિની લોરીયા પટેલ જણાવે છે કે ’“Greenmosphere for LiFE” વર્કશોપ વસ્તુઓને અલગ દ્રષ્ટિકોણથી જોવા માટે પ્રોત્સાહિત કરે છે. પૃથ્વી બચાવવાની પહેલના સ્પર્ધક તરીકે હું ખૂબ જ ખુશ અને આભારી છું’.

કાર્યક્રમની ખાસ વાત એ હતી કે વિદ્યાર્થીઓને ગ્રીનમોસ્ફિયર અંગે હિમાયત (એડવોકેસી) કરવાની પહેલ માટે તૈયાર કરવામાં આવ્યા હતા. એડવોકેસી એટલે સ્વયં જાગૃત બની લોકોને પર્યાવરણને થતું નુકશાન ઘટાડવા અને સંવર્ધન કરવા ભલામણ કરવી. અમદાવાદની નામાંકિત શાળાના બાળકોએ તેમાં ગ્રીન એમ્બેસેડર બની સાચા પર્યાવરણપ્રેમી હોવાનો દાખલો પૂરો પાડ્યો હતો.

લિટલ ફ્લાવર સ્કૂલના ચીફ-કોર્ડીનેટર કલ્પના પટનાયકે જણાવ્યું હતું કે ‘નવ કેટેગરીમાં જીત મેળવીને અમારી શાળા ગૌરવ અનુભવે છે. પર્યાવરણ સંરક્ષણના અભિયાનમાં વિદ્યાર્થીઓની આ સ્પર્ધા ખૂબ જ નવીન અને રોમાંચક હતી. વિદ્યાર્થીઓને આવું ઉમદા પ્લેટફોર્મ આપવા બદલ તેમના આભારી છીએ‘.

ATGL લો કાર્બન સોસાયટી પહેલ હેઠળ વૃક્ષારોપણ, જનજાગૃતિ ફેલાવવી, શાળાઓ-કોલેજોને ગ્રીનમોસ્ફિયર ક્લબમાં જોડવી, પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવી તેમજ ઉર્જા અને પાણી બચાવવાની ઝુંબેશ ચલાવી રહી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!