RAMESH SAVANI

‘પ્રધાનમંત્રીજી, હું આપને પૂછવા માંગુ છું કે શું અમે દેશદ્રોહી છીએ?’

બે વખત World Championship medal winner મહિલા પહેલવાન વિનેશ ફોગાટે 26 ડીસેમ્બર 2023ના રોજ, ખેલરત્ન/ અર્જુન એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી છે. તેમણે વડાપ્રધાનને ઉદ્દેશીને પત્ર લખેલ છે, જે તેમણે ‘X’ પર મૂક્યો છે, જે આંખો ખોલનારો છે :
“માનનીય પ્રધાનમંત્રીજી,
સાક્ષી મલિકે કુસ્તી છોડી દીધી છે અને બજરંગ પુનિયાએ પદ્મશ્રી પરત કરેલ છે. દેશ માટે ઓલમ્પિક મેડલ જીતનાર ખેલાડીઓને આવું કરવા માટે શામાટે મજબૂર થવું પડ્યું, તે દેશ જાણે છે, આપ તો દેશના વડા છો એટલે આપના સુધી આ વાત પહોંચી હશે. પ્રધાનમંત્રીજી, હું આપના ઘરની બેટી વિનેશ ફોગાટ છું અને પાછલા એક વરસથી જે હાલતમાં હું છું, એ બતાવવા આ પત્ર લખી રહી છું.”
“2016માં સાક્ષી મલિક ઓલમ્પિક મેડલ જીતીને આવી હતી ત્યારે આપની સરકારે તેને ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી હતી. જ્યારે આની જાહેરાત થઈ ત્યારે દેશની બધી મહિલા ખેલાડીઓ બહુ ખુશ થઈ હતી અને બધાં એક બીજાને અભિવંદનના મેસેજ મોકલી રહી હતી. આજે સાક્ષી મલિકને કુસ્તી છોડવી પડી ત્યારે મને 2016નું વર્ષ યાદ આવે છે. શું અમે મહિલા ખિલાડીઓ સરકારી જાહેરાતોમાં છાપવા માટે બનેલી છીએ? અમને એ જાહેરાતોમાં છપાવવામાં કોઈ વાંધો ન હતો, કેમકે એમાં લખેલ નારાથી એવું લાગે છે કે આપની સરકાર બેટીઓના ઉત્થાન માટે ગંભીર થઈને કામ કરવા ઈચ્છે છે. મેં ઓલમ્પિક મેડલ જીતવાનું સ્વપ્ન સેવ્યું હતું, પરંતુ હવે આ સ્વપ્ન ધૂંધળું દેખાઈ રહ્યું છે. બસ એ પ્રાર્થના કરીશ કે આવનારી મહિલા ખેલાડીઓનું આ સ્વપ્ન જરુર પૂરું થાય !”
“અમારી જિંદગીઓ, એ ફેન્સી જાહેરખબરો જેવી બિલકુલ નથી. કુસ્તીની મહિલા પહેલવાનોએ પાછલા કેટલાંક વર્ષોમાં જે કંઈ સહન કર્યું છે, એથી સમજાયું જ હશે કે અમે કેટલાં મૂંઝારાથી જીવી રહ્યા છીએ. આપના એ ફેન્સી વિજ્ઞાપનોના ફ્લેક્સ બોર્ડ જૂના થઈ ગયા હશે, અને સાક્ષીએ સંન્યાસ લઈ લીધો છે. જે શોષણખોર છે તેણે પોતાનો દબદબો રહેશે તેવી જાહેરાત કરી છે, જો કે તેમણે બહુ જ ખરાબ રીતે નારાબાજી કરાવી છે. આપ માત્ર 5 મિનિટ કાઢીને એણે મીડિયા સમક્ષ આપેલ નિવેદનોને સાંભળી લો, આપને ખબર પડશે કે એણે શું શું કર્યું છે. તેણે મહિલા પહેલવાનોને મંથરા કહી છે. મહિલા પહેલવાનોને શરમમાં મૂકે તેવી વાત ટીવી સમક્ષ કબૂલી છે. અને મહિલા ખેલાડીઓને ઉતારી પાડવાનો એક પણ મોકો છોડ્યો નથી. તેનાથી ગંભીર બાબત એ છે કે તેણે કેટલીય મહિલા પહેલવાનોને પાછળ હટવા મજબૂર કરી દીધી છે. આ બહુ ભયાવહ છે.”
“કેટલીય વખત મેં આ આખો ઘટનાક્રમ ભૂલવાનો પ્રયાસ કર્યો પરંતુ એ સરળ નથી. સર, જ્યારે હું આપને મળી ત્યારે આ બધું આપને કહ્યું હતું. અમે ન્યાય માટે પાછલા એક વરસથી સડકો પર હતા, કોઈ અમને સાંભળતું ન હતું. સર, અમારા મેડલ/એવોર્ડને 15 રુપિયાના બતાવવામાં આવી રહ્યા છે. પરંતુ આ મેડલ અમને જીવ કરતાં વધુ વહાલા છે. જ્યારે હું દેશ માટે મેડલ જીતી હતી ત્યારે આખા દેશે મને પોતાનું ગૌરવ માનેલ. હવે જ્યારે ન્યાય માટે અવાજ ઉઠાવ્યો તો અમને દેશદ્રોહી કહેવામાં આવે છે. પ્રધાનમંત્રીજી, હું આપને પૂછવા માંગુ છું કે શું અમે દેશદ્રોહી છીએ?”
“બજરંગે કંઈ હાલતમાં પોતાનો પદ્મશ્રી પરત કરવાનો નિર્ણય કર્યો, તે મને ખબર નથી. પણ એનો ફોટો જોઈને હું અંદરને અંદર ઘૂંટાઈ રહી છું. તેના પછી મને પણ મારા પુરસ્કારોથી સંકોચ થવા લાગ્યો છે. જ્યારે આ પુરસ્કાર મળ્યા હતા ત્યારે મારી માતાએ પાડોશમાં મીઠાઈ વહેંચી હતી અને મારી કાકીઓ-દાદીઓને બતાવેલ કે ‘વિનેશના ટીવીમાં સમાચાર આવ્યા છે એ જૂઓ. મારી બેટી પુરસ્કાર લેતી વેળાએ કેટલી સુંદર લાગી રહી છે !’ કેટલીય વખત હું એ વિચારીને ગભરાઈ જાઉં છું કે હવે જ્યારે મારી કાકી વગેરે ટીવી પર અમારી હાલત જોતી હશે, તો તે મારી માતાને શું કહેતી હશે? ભારતની કોઈ માતા ન ઈચ્છે કે તેની બેટીની આ હાલત થાય ! હવે હું પુરસ્કાર લેતી એ વિનેશની છબીથી છૂટકારો ઈચ્છું છું, કેમકે એ સ્વપ્ન હતું, અને જે હવે અમારી સાથે થઈ રહ્યું છે તે હકીકત છે. મને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ મળ્યો હતો, જેનો હવે મારી જિંદગીમાં કોઈ મતલબ રહ્યો નથી. દરેક મહિલા સન્માનથી જિંદગી જીવવા ઈચ્છે છે. એટલા માટે પ્રધાનમંત્રી સર, હું મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ આપને પરત કરવા ઈચ્છું છું, જેથી સન્માનથી જીવવાનાં રસ્તામાં આ પુરસ્કાર અમારી ઉપર બોજ ન બની શકે !
આપની ઘરની બેટી
વિનેશ ફોગાટ”rs

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!