Rajkot: પ્લાસ્ટિક એકત્રીકરણ ઝુંબેશમાં જોડાતી ભાયાવદર નગરપાલિકા
તા.૨૭/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: દર વર્ષે તા. ૦૫ જુનના રોજ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ ઉજવવામાં આવે છે. જેની આ વર્ષે થીમ ‘એન્ડીંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી (વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદુષણનો અંત)’ છે. ગુજરાતભરમાં પ્લાસ્ટિકનું પ્રદુષણ દૂર કરવાના હેતુસર ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ સુધી પ્લાસ્ટિક એકત્રીકરણ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
જેના ભાગરૂપે ગત તા. ૨૬ મેના રોજ ભાયાવદર નગરપાલિકા દ્વારા કોલકી રોડ પર આવેલા શ્રી ખોડિયાર માતાના મંદિર ખાતે સાફસફાઈ હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાના કર્મચારીઓએ રહીશો સાથે મળીને મંદિર અને આજુબાજુના વિસ્તારમાં પ્લાસ્ટિક અને કચરો એકત્ર કરી, તેના નિકાલની વ્યવસ્થા કરી હતી. તેમજ સ્થાનિકોને પ્લાસ્ટિકની હાનિકારકતા અંગે સમજ આપીને તેનો ઉપયોગ ન કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતાં. આમ, ભાયાવદર નગરપાલિકા પ્લાસ્ટિક એકત્રીકરણ ઝુંબેશમાં જોડાઈ હતી.