Rajkot: સરકારી કચેરીઓને સંકલનમાં રહીને જનતા સંબંધિત કામગીરી સમયસર પૂર્ણ કરવા પર ભાર મૂકતા કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશ
તા.૨૧/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ : ધારાસભ્યોએ લોકોના પ્રશ્નો રજૂ કર્યા
વિવિધ યોજનાઓ અને પ્રાથમિક સુવિધાઓના પ્રગતિ હેઠળના વિકાસ કાર્યોને ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરાઈ
Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં કલેક્ટરશ્રીએ સમગ્ર રાજકોટ જિલ્લાની સરકારી કામગીરીનો ચિતાર મેળવ્યો હતો.
આ બેઠકમાં ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ રજૂ કરેલા શાપર ચોકથી શાપર ગામ સુધી જર્જરીત પુલ, ઓવરબ્રિજ નીચે ગંદકી, નવા આરોગ્ય કેન્દ્ર બનાવવા, શાળાઓમાં મહેકમની ઘટ, ગુંદાસરા ગામ નજીક ઔદ્યોગિક વિસ્તામાં ઈલેક્ટ્રીસીટી ફોલ્ટ સેન્ટર સહિત પ્રશ્નોના સકારાત્મક નિકાલ અંગે કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા-પરામર્શ કરીને આવશ્યક સૂચનાઓ આપી હતી. તેમજ ધારાસભ્ય શ્રી ડો. દર્શિતાબેન શાહે આરોગ્ય વીમો, માધાપર ચોક પાસે ખાડા, લોકમેળા સ્થળની પસંદગી, નવી આર.ટી.ઓ. કચેરી, શાસ્ત્રી મેદાનમાં ગંદકી અને પાર્કિંગ સહિત લોકોની સમસ્યાઓ રજૂ કરી હતી, જેના બાબતે કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા આદેશ આપ્યો હતો.
આ ઉપરાંત, કલેક્ટરશ્રીએ રાજકોટ જિલ્લાની તમામ સરકારી કચેરીઓના કામગીરી પત્રકોની સમીક્ષા કરી હતી. જેમાં કચેરીઓના આવક-જાવકના કાગળો, નાગરિકોની અરજીઓ, પડતર કેસો, મહેકમ, ગ્રાન્ટ, સરકારી લેણાં, સહિત બાબતોને આવરી લેવાઈ હતી તથા સી.એમ. ડેશબોર્ડ પોર્ટલની સમીક્ષા કરીને રેન્કિંગ માટે કચેરીઓની કામગીરીને બિરદાવી હતી. તેમજ કલેક્ટરશ્રીએ વિવિધ સરકારી યોજનાઓ અને પ્રાથિમક સુવિધાઓના પ્રગતિ હેઠળના વિકાસ કાર્યો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
વધુમાં, કલેક્ટરશ્રીએ સરકારી કચેરીઓને સંકલનમાં રહીને જનતા સંબંધિત કામગીરી સમયસર પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો. તેમજ તા. ૨૨ સપ્ટેમ્બરે રેસકોર્ષ મેદાન ખાતે કેન્દ્રીય સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં યોજાનારા સહકારી મહાસંમેલનમાં બેઠક વ્યવસ્થા, વીજપુરવઠો, સાઉન્ડ સિસ્ટમ, વ્હીકલ પાર્કિંગ, ફાયર સેફ્ટી સહિત આનુષંગિક વ્યવસ્થાઓ બાબતે સૂચના આપી હતી.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવીણાબેન રંગાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ. કે. ગૌતમ, શ્રી ચાંદની પરમાર, શ્રી મહેક જૈન, શ્રી વિમલકીર્તિ ચક્રવતી, શ્રી રાહુલ ગમારા સહિત પ્રાંત અધિકારીઓ, સનદી અધિકારી શ્રી વૃષાલીબેન કાંબલે, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઇલાબેન ગોહિલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી એ. કે. વસ્તાણી, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અજયભાઈ ઝાપડા, જિલ્લા આયોજન અધિકારી શ્રી નીતિનભાઈ ટોપરાણી સહિત મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.