AHAVADANGGUJARAT

ડાંગ પોલીસના નવતર પ્રયોગને બિરદાવતા કલેકટર શ્રી મહેશ પટેલ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
નવરાત્રીના નવે નવ દિવસમાં માં અંબાની આરાધના સાથે ડાંગ પોલીસે જનચેતના જગાવતા શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું કર્યું આયોજન :*
*સાર્વજનિક મહોત્સવને વધુ લોકભોગ્ય બનાવવાનો ડાંગ પોલીસનો પ્રયાસ કાબિ લે તારીફ :*

પોલીસની ખાખી વર્દી જોઈને ડરી જતા સામાન્ય પ્રજાજનોને, પોલીસ હંમેશા પ્રજાના મિત્ર તરીકે સમાજ માટે ફરજ બજાવતી હોય છે તેવો અહેસાસ, આ વેળા નવરાત્રી મહોત્સવમાં થવા પામ્યો છે.
પ્રજાના જાનમાલની રખેવાળી કરતી પોલીસ, સમાજ સુધારણા અને જનજાગૃતિનું કામ પણ બખૂબી નિભાવી શકે છે તેનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડતા, ડાંગ પોલીસ વિભાગે આ વેળા ન માત્ર સાર્વજનિક નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું, પરંતુ સાથોસાથ શ્રેણીબદ્ધ જનચેતના જગાવતા કાર્યક્રમો યોજીને, પોલીસ પ્રજાની પડખે હોવાનો અહેસાસ પણ સુપેરે કરાવ્યો છે.

વાત છે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આયોજિત ‘સાર્વજનિક નવરાત્રી મહોત્સવ’ ની, કે જ્યાં ગામની બહેન-દીકરીઓને કોઈપણ જાતના ભય કે આશંકા વિના મુક્તમને નવ નવ દિવસ ગરબે રમવાની તક મળી. તો સાથે સાથે અહીં પોલીસ પરિવારે અનેકવિધ સામાજિક મુદ્દે ચેતના જગાવતા કાર્યક્રમોના આયોજન થકી, સમાજ સુધારણાના કાર્યમાં પણ અમૂલ્ય યોગદાન આપ્યું છે.

જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયાના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુનિલ પાટીલ તથા તેમની ટીમે, નવરાત્રી મહોત્સવને માણવા આવતા પ્રજાજનો, ભાવિક ભક્તો સહિત ખેલૈયાઓને પણ સામાજિક સંદેશ પાઠવીને તેમનું દાયિત્વ અદા કર્યું હતું.

પોલીસ પરેડના આંગણે બ્લડ ડોનેશન કેમ્પ, પ્રાકૃતિક ખેતી ને લગતા ‘ધરતી કરે પુકાર’ નૃત્ય નાટિકા, સ્વચ્છતા હી સેવા, મતદાર જાગૃતિ ઝુંબેશ, વ્યસન અને ડાકણ પ્રથા જેવા કુરિવાજો સામે જાગૃતિ ઝુંબેશ, ટ્રાફિક નિયમન, સાયબર ક્રાઇમ, પોલીસની ‘she’ ટીમ તથા અભયમની કામગીરી, ચાઈલ્ડ હેલ્પ લાઇન સહિત કોઈ પણ જાતની ઈમરજન્સીમાં, પ્રજાકિય જાનમાલને થતું નુકશાન અટકાવવા માટેના વિવિધ આયામોની જાણકારી આપવામાં આવી હતી.

કાર્યક્રમ આયોજન અંગેની વિગતો આપતા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સુનિલ પાટીલે જણાવ્યું હતું કે, નવરાત્રી મહોત્સવ અને ગણેશ ઉત્સવ જેવા સાર્વજનિક મહોત્સવોમાં પ્રજાજનો મુક્તમને તેમનો ભક્તિભાવ પ્રગટ કરી શકે તેવું સલામત, અને વિશ્વસનીય વાતાવરણ પૂરું પાડવાના પ્રયાસ સાથે, સમાજ સુધારણાના વિવિધ મુદ્દાઓની તેમને સરળ ભાષામાં સમજ આપવાનો ડાંગ પોલીસનો આ નવતર અભિગમ અમે અખત્યાર કર્યો છે. જેના ખૂબ સારા પરિણામો જોઈ શકાયા છે. ગામની બહેન-દીકરીઓ એક પારિવારિક માહોલમાં નિ:સંકોચ ગરબે ઘૂમી શકે છે, તેમને તેમની સલામતીની સહેજે ચિંતા રહેતી નથી. સાથો સાથ અહીંથી સામાજિક મુદ્દે અધિકૃત જાણકારી પણ તેમને મળી રહેતા, તેઓમાં પણ પ્રશાસન પ્રત્યે વિશ્વાસ અને હકારાત્મક અભિગમ કેળવી શકાયો છે.

ડાંગ જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલે પોલીસ પરેડ ગ્રાઉન્ડના સાર્વજનિક નવરાત્રી મહોત્સવની મુલાકાત લઇ, માં અંબાના દર્શન, આરતી સાથે અહીંની સામાજિક સેવાઓની પણ જાણકારી મેળવી ખુશી વ્યક્ત કરી હતી.

કલેકટરશ્રીએ એક વાતચિત દરમિયાન
ડાંગ પોલીસની આ કર્તવ્યભાવનાને બિરદાવી, ડાંગ પોલીસની પ્રવાસીઓ માટેની ‘પોલીસ મિત્ર’ યોજના, તથા સામાજિક જાગૃતિના કાર્યોની પ્રશંસા કરી હતી.

પોલીસ જેવી ‘બરછટ’ ફરજની સાથે ખાખી વર્દીની ભીતર રહેલી ‘સંવેદનશીલતા’ ઉજાગર કરવાનો આ સ્તુત્ય પ્રયાસ છે, તેમ પણ ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલે વાતચીત દરમિયાન ઉમેર્યું હતું.

સાચે જ. સામાજિક દાયિત્વ નિભાવતા ડાંગ પોલીસનું સમાજ સુધારણાના બીજનું આ વાવેતર, આવનારા દિવસોમાં સશક્ત, વિશ્વસનિય અને તટસ્થ સમાજ નિર્માણ માટે વટવૃક્ષ બની રહેશે તેમાં કોઈ બેમત નથી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!