AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં “સા.શૈ.પછાત વર્ગ”(OBC)સમાજની બેઠકનો ઉમેરો કરવા કોંગ્રેસની રજૂઆત..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં “સા.શૈ.પછાત વર્ગ” (OBC) સમાજની બેઠકનો ઉમેરો કરવા કોંગ્રેસ પાર્ટી પ્રમુખ સ્નેહલ ઠાકરે એ રજૂઆત કરી હતી.સ્નેહલ ઠાકરેની રજુઆતમાં જણાવ્યા અનુસાર,ગત મહિનાની તા.૨૩/૦૭/૨૦૨૫ ના રોજ ગુજરાત સરકાર દ્વારા ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી સબંધિત એક ગેઝેટ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જે ગેઝેટ મુજબ ડાંગ જિલ્લામાં ‘સા.શૈ.પછાત વર્ગ” (OBC) સમાજની એક પણ બેઠક દર્શાવામાં આવેલ નથી.આ બાબતની હકીકત ખરેખર ગેર બંધારણીય અને “સા.શૈ.પછાત વર્ગ” (OBC) સમાજના મૂળભુત હકક અને અધિકારોનું હનન છે, કારણ કે અત્યાર સુધી પાછલા એક ટર્મને બાદ કરતા “સા.શૈ.પછાત વર્ગ” (OBC) સમાજની બેઠકોનો સમાવેશ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ જેમ કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં થતો આવેલ છે. ગત ટર્મ સને ૨૦૨૦-૨૧ માં આ “સા.શૈ.પછાત વર્ગ” (OBC) સમાજની બેઠકો ન આવતા સમગ્ર ગુજરાત રાજ્યમાં રાજકીય પક્ષો, વિરોધ પક્ષો અને જાગૃત નાગરીકો મારફત વાંધા વિરોધ નોંધાવેલ હતા.જેમાં અમો તરફથી ડાંગ જિલ્લા ખાતે આવેદન પત્ર પણ આપવામાં આવેલ હતુ. અને ત્યાર બાદ સરકાર દ્વારા આ બાબતે સતર્કતા દાખવી “સમર્પિત આયોગ” ની ખાસ ઝોન વાઈઝ બેઠકોનું આયોજન કરવામાં આવેલ હતુ.જેમા સ્નેહલ ઠાકરેને સુરત ખાતે રૂબરૂ સાંભળી આ બાબતે ઘટતુ કરવા ખાત્રી મળેલ હતી. જેના ભાગરૂપે અને ફળસ્વરૂપે ગુજરાત સરકાર દ્વારા “સા.શૈ.પછાત વર્ગ” (OBC) સમાજની બેઠકો માટે તારીખ ૨૦/૦૯/૨૦૨૩ માં ૧૭માં સુધારાથી ગેઝેટ બાહાર પાડી ગુજરાત પંચાયત એકટમાં “સા.શૈ.પછાત વર્ગ” (OBC) સમાજની બેઠકોનો સમાવેશ કરવાના ધારા ધોરણો માટે આદેશ થયેલ છે.વધુમાં ખાસ જણાવવાનું કે ગુજરાત સરકાર દ્વારા ૨૦/૦૯/૨૦૨૩ માં ૧૭માં સુધારાથી ગેઝેટ બહાર પાડયું હોવા છતાં લગભગ બે વર્ષના સમયગાળા બાદ તારીખ: ૨૩/૦૭/૨૦૨૫ નાં ચૂટણી પંચના ગેઝેટમાં “સા.શૈ.પછાત વર્ગ” (OBC) સમાજની બેઠકોનો સમાવેશ થયેલ નથી જે ખુબજ દુ:ખદ બાબત જણાય છે. જેથી  આ બાબતે ગંભીરતા દાખવી તાત્કાલિત ધોરણે આ “સા.રી.પછાત વર્ગ” (OBC) સમાજને બંધારણીય ન્યાય આપવામાં આવે તેવી માંગ સ્નેહલ ઠકરે દ્વારા કરવામાં આવી હતી.જો સંવેદનશીલ કહેવાતી સરકાર આ “સા.શૈ.પછાત વર્ગ” (OBC) સમાજ પ્રત્યે ઉદાસીનતા દાખવી સમય મર્યાદામાં સુધારો કરી અનામત બેઠકો ન ફાળવે તો આ સમાજ વતી થનારા ધરણા, આંદોલનો કે પ્રદર્શનોની તમામ જવાબદારી સરકાર અને પ્રશાસનની રહેશે એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!