AHAVADANGGUJARAT

ડાંગ પોલીસ દ્વારા”રમઝટ નવરાત્રી મહોત્સવનું”ભવ્ય આયોજન :-અંધજન શાળાની દીકરીઓએ ગરબાના તાલે વહાવ્યો આત્મવિશ્વાસ..

વાત્સલ્યમ્ સમાચાર

   મદન વૈષ્ણવ

નવરાત્રીનાં પાવન પર્વ નિમિત્તે ડાંગ પોલીસ અધિક્ષક પૂજા યાદવ અને નાયબ પોલીસ અધિક્ષકોમાં જયદીપ સરવૈયા તથા જનેશ્વર નલવૈયાનાં માર્ગદર્શન હેઠળ પોલીસ પરિવારે એક અનોખા અને પ્રેરણાદાયી ‘રમઝટ નવરાત્રી મહોત્સવ 2025’નું સફળતાપૂર્વક આયોજન કર્યું છે.પોલીસ લાઇન આહવા ખાતે યોજાયેલા આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ બન્યુ હતુ શિવાળીમાળની “અંધજન શાળા”ની દીકરીઓનું સન્માન અને પ્રોત્સાહન.આ મહોત્સવનું આયોજન માત્ર મનોરંજન પૂરતું સીમિત ન રહેતા, સામાજિક ઉત્તરદાયિત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યુ હતુ.અહી વઘઇ પોલીસ મથકનાં પી.આઈ.વી.કે.ગઢવીએ ખાસ પહેલ કરીને શિવાળીમાળની અંધજન શાળાની દીકરીઓને આહવા સુધી લાવવાની વ્યવસ્થા કરી હતી, જેથી તેઓ પણ ગરબાના આ મહાપર્વમાં સામેલ થઈ શકે અને આનંદ માણી શકે.આ દીકરીઓને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી વઘઇ પોલીસની ટીમ તેઓને આહવા ખાતે લાવ્યા હતા.આ પ્રજ્ઞાચક્ષુ દીકરીઓએ ગરબામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને બતાવ્યું કે શારીરિક મર્યાદાઓ તેમના ઉત્સાહને બાંધી શકતી નથી. તેમણે હજારો લોકોની સામે ગરબા રમીને ખુબ જ આનંદ અનુભવ્યો અને તેમના ચહેરા પરનો આત્મવિશ્વાસ છલકાઈ ઉઠ્યો હતો. આ દીકરીઓને પ્રોત્સાહન સ્વરૂપે પોલીસ પરિવાર તરફથી ઇનામ પણ આપવામાં આવ્યા હતા.આ મહોત્સવની સૌથી ભાવનાત્મક પળોમાંની એક પળ ત્યારે આવી, જ્યારે અંધજન શાળાની બે દીકરીઓએ હજારો લોકોથી ખીચોખીચ ભરેલા સ્ટેજ પરથી સુપ્રસિદ્ધ ગીત “રણછોડ રંગીલા” ગાયું હતું. તેમના મધુર અને ભાવવાહી કંઠે ગવાયેલું આ ગીત સાંભળીને ઉપસ્થિત સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને લોકોએ દીકરીઓના આ અદ્ભુત પ્રદર્શનને ઉમળકાભેર વધાવી લીધું હતુ.કાર્યક્રમના અંતે, અંધજન શાળાની દીકરીઓ અને શિવાળીમાળ સંસ્થાના પ્રિન્સિપાલ સુરેશ ભોયેએ ડાંગ પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવેલા આ સંવેદનશીલ આયોજન બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારનું પ્રોત્સાહન દીકરીઓના આત્મવિશ્વાસને નવી ઊંચાઈઓ પર લઈ જશે.સમગ્ર ડાંગ પોલીસ પરિવારે નવરાત્રીના પાવન પર્વ પર સમાજની દીકરીઓને સન્માન આપીને એક યાદગાર અને પ્રેરણાદાયી મહોત્સવનું આયોજન કર્યું હતુ..

Back to top button
error: Content is protected !!