વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકામાં આવેલ હનવંતપાડા ગામે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં મામાના ઘરે આવેલો 16 વર્ષનો કિશોર ધોધડ નદીના ધસમસતા પ્રવાહમાં ડૂબી ગયો હતો.આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે,અહી ગઈકાલ (30 સપ્ટેમ્બર) થી SDRF (રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ)ની ટીમ દ્વારા શોધખોળ શરૂ કરાઇ હતી.ત્યારે મોડી સાંજે લાશ મળી આવી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક કિશોરની ઓળખ કસાડબારી ગામના વતની નિતેશ જયંતિલાલ મુડેકર (ઉંમર આશરે 15-16 વર્ષ) તરીકે થઈ છે. નિતેશ પોતાના મામાના ઘરે હનવંતપાડા ગામે આવ્યો હતો. ગતરોજ, તારીખ 30 સપ્ટેમ્બરના રોજ બપોરના આશરે 1:00 વાગ્યાની આસપાસ, નિતેશ ગામના અન્ય મિત્રો સાથે ગામમાંથી પસાર થતી ધોધડ નદીમાં નાહવા ગયો હતો.નદીમાં આવેલા ‘નિશાણાકુંડ’ તરીકે ઓળખાતા ઊંડા પાણીના કુંડમાં નિતેશ નાહવા કૂદી પડ્યો હતો. જોકે, નદીમાં પાણીનો પ્રવાહ વધારે હોવાથી તેમાંથી બહાર નીકળી ન શકતા તે ડૂબી ગયો અને પ્રવાહમાં તણાઈ ગયો હતો.નિતેશના ડૂબી જવાની જાણ થતાં જ ગામ લોકો તુરંત ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ બનાવ અંગે હનવંતપાડા ગ્રામ પંચાયતના સરપંચ સુલેમાનભાઈએ તાત્કાલિક સુબીર પોલીસ અને વહીવટી તંત્રને જાણ કરી હતી.જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ગામના યુવાનોની મદદથી કિશોરની શોધખોળ શરૂ કરી હતી.જોકે, દિવસભરની શોધખોળ છતાં નિતેશનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આથી, બુધવારે વહેલી સવારે રાજ્ય કક્ષાની આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) ની ટીમને પણ મદદ માટે બોલાવવામાં આવી હતી.એસડીઆરએફ ગ્રુપ 10 (રૂપનગર, વાલિયા)ના જવાનોએ યુદ્ધના ધોરણે શોધખોળ કરી હતી. ત્યારે મોડી સાંજે કિશોરની લાશ મળી આવી હતી. આ ઘટનાથી કસાડબારી અને હનવંતપાડા એમ બંને ગામોમાં ગમગીનીનો માહોલ છવાયો છે..