AHAVADANG

સાપુતારા-નાસિક માર્ગ પર સતત પાંચમા દિવસે ચક્કાજામ:-અનરાધાર વરસાદમાં પણ આંદોલનકારીઓ અડીખમ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
સાપુતારા નાસિક માર્ગ પર અનિશ્ચિત ચક્કાજામ તથા રસ્તા રોકો આંદોલન કરવામાં આવી રહ્યું છે.ત્યારે આ ચક્કાજામને આજે પાંચ દિવસ થવા પામ્યા છે.અને જેની સીધી અસર ગુજરાત અને મહારાષ્ટ્રનાં વાહનચાલકોને થવા પામી છે.આ રસ્તા રોકો આંદોલન અને ચક્કાજામનો પાંચમો દિવસ છે તેમ છતાંય મહારાષ્ટ્ર સરકાર આંદોલનકારીઓ સાથે સંકલન કરવાનો પ્રયાસ ન કરતા અનેક પ્રશ્નાર્થ સર્જાયા છે.જોકે અનરાધાર વરસાદમાં મહારાષ્ટ્રની રાજય સરકાર પણ મક્કમ જોવા મળી રહી છે તો બીજી તરફ સાપુતારા નાસિક માર્ગનાં ઉંબરપાડા દીગર ચેકપોસ્ટ ખાતે પણ આંદોલનકારીઓ અનરાધાર વરસાદમાં અડીખમ બની આંદોલન કરી રહ્યા છે.મહારાષ્ટ્ર રાજ્યનાં સુરગાણા તાલુકાનાં કોમ્યુનિસ્ટ પાર્ટીના પૂર્વ ધારાસભ્ય જે.પી.ગાવિતની આગેવાની હેઠળ સાપુતારા થી નાસિક ને જોડતા બોરગાંવ નજીક ઉંબરપાડા દિગર આરટીઓ ચેકપોસ્ટ ખાતે પેસા એક્ટ અને નોકરભરતી મામલે ચક્કાજામ તથા રસ્તા રોકો આંદોલન કરવામાં આવી રહ્યુ છે.પેસા એક્ટ હેઠળ ટ્રાયબલ વિસ્તારમાં ટ્રાયબલ અધિકારીઓની જ નિમણુક કરવામાં આવે અને જ્યાં સુધી માંગણી ન સંતોષાય ત્યાં સુધી ચક્કાજામ ચાલુ રહેશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે.સાપુતારા નાસિક માર્ગ પર છેલ્લા પાંચ દિવસથી ચક્કા જામને કારણે વાહનચાલકો સહીત લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સતત પાંચમા દિવસે આંદોલન ચાલુ હોવા છતાં પણ મહારાષ્ટ્ર રાજ્યની ડબલ એન્જિન સરકાર આંદોલનકારીઓ સાથે સંકલન કે પ્રશ્નનાં નિરાકરણ કરવા માટે પ્રયાસ ન કરી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે બીજી તરફ ભારે વરસાદ હોવા છતાં પણ આંદોલનકારીઓ અડીખમ થઈને વિરોધ નોંધાવી રહ્યા છે.આ આંદોલનના કારણે નિર્દોષ વાહનચાલકો બેબાકળા બન્યા હોય જોકે તેમની કરુણતિકાની કહાની સાંભળવા માટે કોઈ જ નથી.ગુજરાતનાં ગિરિમથક સાપુતારા સુધીનો જાહેર માર્ગ સલામત છે.પરંતુ સાપુતારાથી નાસિક ને જોડતો માર્ગ આંદોલનકારીઓના પ્રતાપે અસલામત બની ગયો છે.જેના કારણે ઘણા ખરા મુસાફરો મહારાષ્ટ્ર રાજ્યની હદમાં ફસાઈ ગયા છે.ત્યારે આ મુસાફરોનાં સુરક્ષા સામે પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.તેવામાં આ ફસાયેલા મુસાફરો કે વાહન ચાલકોને કંઈ પણ થાય કે કોઈ આકસ્મિક ઘટના બને તો આખરે જવાબદાર કોને ઠરાવવા તે પણ સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે.જો કે દિવસે ને દિવસે આ મામલો વધુ વણસતો જોવા મળી રહ્યો છે.ત્યારે આગળ શું વળાંક આવશે તે તો આવનાર દિવસોમાં જોવું જ રહ્યુ.સાપુતારા-નાસિક ધોરીમાર્ગ સતત પાંચમા દિવસે ઠપ્પ રહેતા મહત્વની ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ,શાકભાજી,દૂધ સહિત ફળફળાદીનો જથ્થો ખોરંભે ચડ્યો હતો.સુરગાણા તાલુકામાં ચક્કાજામ અને રસ્તારોકો આંદોલનનાં પગલે ગુજરાતમાંથી મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રમાંથી ગુજરાત તરફ આવતા પ્રવાસીઓ તથા મુસાફરોની હાલત કફોડી બની છે.જ્યારે ગુજરાત રાજ્યમાંથી મહારાષ્ટ્રમાં પરિવહન કરતી એસટી સેવા પણ ઠપ્પ થઈ જતા  લાખોનું નુકશાન થયુ છે.

Back to top button
error: Content is protected !!