વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં એક બે દિવસનાં વિરામ બાદ ઠેક ઠેકાણે વરસાદી માહોલ જામી રહ્યો છે.રવિવારે રાત્રીનાં અરસાથી ડાંગ જિલ્લાનાં આહવા,બોરખલ,ચીંચલી,ગલકુંડ,શામગહાન સહીત સરહદીય પંથકોમાં ગાજવીજ સાથે ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.આહવા અને શામગહાન પંથકમાં ધોધમાર વરસાદનાં પગલે અંબિકા અને ખાપરી નદી ગાંડીતુર હાલતમાં વહેતી જોવા મળી હતી.જ્યારે વઘઇ, સાકરપાતળ,ઝાવડા,ભેંસકાતરી,બરડીપાડા,સુબિર, સિંગાણા, લવચાલી સહીતનાં પંથકોમાં મધ્યમ વરસાદ નોંધાયો હતો.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ક્યાંય ધોધમાર તો ક્યાંક મધ્યમ સ્વરૂપેનો વરસાદ પડતા લોકમાતાઓમાં અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદીનાં વહેણ તેજ બન્યા હતા.ડાંગ જિલ્લામાં વરસાદી માહોલનાં પગલે વઘઇનો ગીરાધોધ,ગીરમાળનો ગીરાધોધ સહીત નાના મોટા જળધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યા હતા.ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી મહોલની વચ્ચે ગાઢ ધુમ્મસિયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા જોવાલાયક સ્થળોનું વાતાવરણ મનમોહક બન્યુ હતુ.સાપુતારા સહીત તળેટીય વિસ્તારમાં ગાઢ ધુમ્મસીયા વાતાવરણનાં પગલે વાહનચાલકોને વાહનોની સિગ્નલ લાઈટ ચાલુ રાખી વાહનો હંકારવાની નોબત ઉઠી હતી.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સાપુતારા પંથકમાં 10 મિમી, સુબિર પંથકમાં 17 મિમી,વઘઇ પંથકમાં 19 મિમી, જ્યારે સૌથી વધુ આહવા પંથકમાં 57 મિમી અર્થાત 2.28 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો..