વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવા અને ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે, ડાંગ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા 15મી સપ્ટેમ્બર સુધી એક વિશેષ ટ્રાફિક મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યુ છે.આ ડ્રાઇવ 12મી સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે.ડાંગ જિલ્લામાં પોલીસનો મુખ્ય ઉદ્દેશ બેફામ ગતિથી વાહન ચલાવતા અને નશામાં ધૂત થઈને ડ્રાઇવિંગ કરતા વાહનચાલકોને પકડવાનો છે.આ મેગા ડ્રાઇવ જિલ્લાનાં ચાર મુખ્ય પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આહવા પોલીસ મથક, સાપુતારા પોલીસ મથક,વઘઇ પોલીસ મથક અને સુબીર પોલીસ મથકનાં મુખ્ય રસ્તાઓ તથા આંતરીક રસ્તાઓ પર હાથ ધરવામાં આવી રહી છે.
આ ઉપરાંત, પોલીસની ટીમો દૂરના ગ્રામીણ વિસ્તારોમાં પણ ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. આ ડ્રાઇવ દરરોજ સાંજે 5:00 વાગ્યાથી 7:30 વાગ્યા સુધી ચાલશે.આ ડ્રાઇવમાં પોલીસ સ્ટાફની સાથે સાથે હોમગાર્ડ્સ અને જીઆરડી (ગ્રામ રક્ષક દળ)ના સભ્યો પણ જોડાઈ રહ્યા છે, જેના કારણે આ અભિયાન વધુ અસરકારક બન્યું છે.આ મેગા ડ્રાઇવની આગેવાની ખુદ ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવ અને નાયબ પોલીસ અધિક્ષક જે.એચ.સરવૈયા કરી રહ્યા છે.વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા માટે વિવિધ ટીમો બનાવવામાં આવી છે. આ ટીમોનું નેતૃત્વ સાપુતારા પોલીસ મથકના પી.આઈ.પી.ડી.ગોંડલિયા,વઘઈ પોલીસ મથકના પી.આઈ.વી.કે. ગઢવી, સુબીર પોલીસ મથકનાં પી.આઈ.ડી.કે.ચૌધરી, આહવા પોલીસ મથકનાં પી.આઈ. મહેશભાઈ ઢોડીયા,આહવા સાઈબર ક્રાઇમ બ્રાન્ચનાં પી.આઈ.આર.એસ.પટેલ અને મહિલા પોલીસ સ્ટેશનનાં પી.આઈ.એ.ડી. સુથાર સહીત એલ.સી.બી પી.એસ.આઈ. કે.જે નિરંજન કરી રહ્યા છે.આ પોલીસની ટીમો દ્વારા રાજ્ય ધોરીમાર્ગો, રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને આંતરિક માર્ગો પર વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે.નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.ડાંગ જિલ્લા પોલીસનો આ પ્રયાસ નાગરિકોનાં અમૂલ્ય જીવનની સુરક્ષાની સાથે ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા અને માર્ગ અકસ્માતો ઘટાડવામાં મદદરૂપ થશે તેવી અપેક્ષા છે..