ભરૂચમાં 105 લાખના ખર્ચે નવા રસ્તાનું કામ શરૂ:પુષ્પધન સોસાયટીથી દહેજ બાયપાસ હાઈવે સુધીના માર્ગનું ખાતમુહૂર્ત, ટ્રાફિક સમસ્યાનો થશે અંત
સમીર પટેલ, ભરૂચ
મુખ્યમંત્રી સ્વર્ણિમ સડક યોજના અંતર્ગત ભરૂચમાં નવા રસ્તાનું કામ શરૂ થયું છે. પુષ્પધન સોસાયટીથી દહેજ બાયપાસ હાઈવે સુધીના માર્ગનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું છે.
આ માર્ગ ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં આવેલો છે. હાલમાં ભરૂચ શહેર ચોકડી પર નવા ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. આના કારણે અહીં ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. દહેજ-ભરૂચની કંપનીઓમાં અપડાઉન કરતા કામદારોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
અનેક નાની ગાડીઓના લોકો આ માર્ગનો ઉપયોગ કરે છે. પરંતુ આ માર્ગ જર્જરિત હોવાથી તેને રિપેર કરવાની માંગ ધારાસભ્ય સમક્ષ કરવામાં આવી હતી. આ કામ માટે 105 લાખનો ખર્ચ થશે. ખાતમુહૂર્ત વિધિમાં ઉમરાજ ગ્રામ પંચાયતના સરપંચ રણજીત વસાવા, ભાજપના આગેવાન અનિલ રાણા, તાલુકા પંચાયત સભ્ય મેહુલ જોશી સહિત સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા.