વાત્સલ્યમ સમાચાર
નવસારી
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૪-૨૫ના બીજા દિવસે નવસારી જિલ્લામાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ધોબીવાડની ન.પ્રા.કુમાર અને કન્યા શાળા ખાતે, નગર પ્રાથમિક મિશ્ર શાળા અને શેઠ એચ.સી પારેખ હાઇસ્કુલ ખાતે શાળા પ્રવેશોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલે શાળા પ્રવેશોત્સવ અવસરે ઉપસ્થિત વાલીઓને અનુલક્ષીને ખાસ જણાવ્યું હતું કે, ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના પરિણામે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ, સૌના પ્રયાસનો મંત્ર આપ્યો છે આ મંત્રને આપણે જીવનમાં ઉતારી સૌ સાથે મળીને આવનારી પેઢીને જ્ઞાનથી સમૃદ્ધ કરીએ. તેમણે સૌને સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપી સ્કુલના દાતાઓ અને કર્મનિષ્ઠ શિક્ષકોની સેવાની સરાહના કરી હતી.
મંત્રીશ્રીએ શાળા પ્રવેશોત્સવથી સરકાર ભૌતિક સુખ સુવિધાઓને છેવાડાની શાળાઓ સુધી પહોચાડવાનો સુદ્રઢ પ્રયાસ કરે છે પરંતુ બાળકોના વાલીઓ અને SMCના સભ્યો તથા શિક્ષકોએ બાળકોના અભ્યાસ-શિક્ષણમાં કોઇ કચાસ ન છોડતા બાળકો પ્રત્યે વધુ જાગૃત બની તેઓના ભવિષ્ય બનાવવાનું સામાજિક દાયિત્વ નિભાવવાનું છે એમ અપીલ કરી હતી.તેમણે વાલીઓને નિયમિત રીતે શાળાની મુલાકાત લેવા તથા ખાસ કરીને માતાઓને દિકરીઓ પાસે ઘર કામ ન કરાવવા મીઠી ટકોર કરી હતી.
વધુમાં તેમણે બાળકો આપણા દેશનુ ભવિષ્ય છે ત્યારે વિકસિત ભારત બનાવવા માટે વિકસિત ગુજરાત બનાવીએ અને વિકસિત ગુજરાત વિકસિત નવસારી વગર શક્ય નથી એમ પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.
મંત્રીશ્રીએ શિક્ષકોને ‘બાળક એક કાચી માટી સમાન છે જેને શિક્ષકોએ એક દિવાનું સ્વરૂપ આપવાનું છે જેથી તે જ્ઞાન રૂપી જ્યોત સમગ્ર વિશ્વમાં ફેલાવી શકે’ એમ ઉમેર્યું હતું.
*મંત્રીશ્રીએ શાળાના બાળકો સાથે રમુજી રીતે બાળસંવાદ સાધી સ્વચ્છતા જાળવવા, શાળાએ નિયમિત આવવા, અભ્યાસમાં નિપૂર્ણ બનવા પ્રોત્સાહિત કર્યા*
મંત્રીશ્રીએ તમામ શાળાઓમાં બાળકો સાથે બાળસહજ રીતે સંવાદ સાધી સ્વચ્છતા જાળવવા, શાળાએ નિયમિત આવવા, અભ્યાસમાં નિપૂર્ણ બનવા ટકોર કરી હતી. આ સાથે મંત્રશ્રીએ બાળકો સાથે વાત વાતમાં શાળામાં મળતી સુવિધાઓ, કોમ્પ્યુટર લેબ, શૌચાલયની સુવિધા અને મધ્યાહન ભોજન અને શિક્ષકો દ્વારા અપાતા શિક્ષણ અંગે જાણકારી મેળવી હતી. મંત્રીશ્રીએ બાળકો પાસે કવિતાઓ,બાળગીતો ગવડાવી, એબીસીડી અને કક્કા બારક્ષરી, અને ઘડીયા બોલાવી બાળકોની ચપળતાની આડકતરી રીતે ચકાસણી કરી હતી. જેમાં બાળકોએ ભારે ઉત્સાહ દાખવી તમામ વસ્તુઓને બોલી બતાવી હતી જેનાથી મંત્રીશ્રી સહિત તમામ મહેમાનો અને વાલીઓ ખુશખુશાલ થયા હતા.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે આંગણવાડી અને શાળાના પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓને પુસ્તકો અને યુનિફોર્મ સહિતની શૈક્ષણિક કિટ વિતરણ કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ ઉપરાંત 100 ટકા હાજરી, રમત ગમત, અભ્યાસ,સાંસ્કૃતિક કાર્યક્રમો અને રાજયકક્ષાની પરિક્ષાઓ સહિત વિવિધ ક્ષેત્રમાં પહેલા, બીજા અને ત્રીજા ક્રમે આવેલા તેજસ્વી તારલાઓને મહાનુભાવોના હસ્તે સ્મૃતિભેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા.
કાર્યક્રમના અંતે મંત્રીશ્રી સહિત મહાનુભાવોએ શાળાની કોમ્પ્યુટર લેબ, વર્ગખંડો, શાળા પરિસર, સહિતની સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. આ સાથે મંત્રીશ્રીએ શાળા કેમ્પસમાં વૃક્ષનું વાવેતર કરી સૌને પર્યાવરણ જતન સંવર્ધન માટે સંદેશ પાઠવ્યો હતો.