PADDHARIRAJKOT

આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે “હર દિન-હર ઘર આયુર્વેદ” અભિયાન અંતર્ગત પડધરી ગ્રામ પંચાયત હોલ ખાતે આયુષ મેળા નો શુભારંભ

તા.૨૧ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

“આયુર્વેદ અને અન્ય ચિકિત્સા પદ્ધતિથી ભારત આગળ વધે તે માટે સરકાર સતત કાર્યરત”- જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ભુપતભાઈ બોદર

આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે “હર દિન-હર ઘર આયુર્વેદ” અભિયાન અંતર્ગત પડધરી ગ્રામ પંચાયત હોલ ખાતે “આયુષ મેળા’’ અન્વયે વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, આયુષ નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત,રાજકોટ તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ, રાજકોટનાં ઉપક્રમે આયોજિત આ આયુષ મેળાનું ઉદઘાટન જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ભુપતભાઈ બોદરનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

સમારંભના અધ્યક્ષસ્થાનેથી જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ભુપતભાઈ બોદરે જણાવ્યું હતું કે, એલોપથીના ઝડપી નિદાનને લીધે તેનો વ્યાપ મોટો છે. પરંતુ, આયુર્વેદ સચોટ નિદાન કરે છે. આયુર્વેદ અને અન્ય ચિકિત્સા પદ્ધતિથી ભારત આગળ વધે તે માટે સરકાર સતત કાર્યરત છે. ૨૦૨૩ મિલેટ વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે ત્યારે લોકોને રોગોથી બચવા મિલેટ એટલે કે બાજરો, રાગી, મકાઇ, જુવાર જેવા ધાનનો રોજીંદા આહારમાં ઉપયોગ વધારવો જોઈએ. આ તકે ઉપસ્થિત પડધરી સરપંચશ્રી ડો. વિજયભાઈ પરમારે જણાવ્યુ હતું કે, પડધરી તથા આસપાસના વિસ્તારના લોકોને આયુર્વેદિક સારવાર પદ્ધતિથી અવગત કરાવવા માટે આ આયુષ મેળો ખૂબ ઉપયોગી સાબિત થઇ રહેશે.

દીપ પ્રાગટ્ય તેમજ વૈદિક મંત્રગાન દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી કે.જી. મોઢ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મેળા અંતર્ગત આયુષના મૂળભૂત સિદ્ધાંતો જેમકે દિનચર્યા, ઋતુચર્યા,યોગ નિદર્શન, રસોડા/આંગણાની ઔષધિઓ અને વનસ્પતિ ચાર્ટ પ્રદર્શન, ગર્ભ સંસ્કાર, વિરૂધ્ધ આહાર, સદ્વૃત, મુગ્ધાવસ્થા માર્ગદર્શન,પંચકર્મ સારવાર, હોમિયોપેથી ચાર્ટ વગેરેની વિસ્તૃત સમજ સાથે સાથે સ્વસ્થ જીવનશૈલીના ભાગરૂપે ઘરે નિયમિત બનાવી શકાય તેવી ૨૦ થી વધુ આયુર્વેદિક વાનગીઓની રેસીપીનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

તદુપરાંત નિષ્ણાંત આયુષ ચિકિત્સકો દ્વારા તમામ રોગોનું આયુષ પદ્ધતિથી નિદાન તથા સારવાર, આયુર્વેદની વિશિષ્ટતા એટલે કે અગ્નિકર્મ ચિકિત્સા દ્વારા કમર, ઘુંટણ જેવા દરેક પ્રકારના સાંધાના દુખાવાની સારવાર, પંચકર્મ, પ્રકૃતિ પરિક્ષણ દ્વારા પ્રકૃતિ નક્કી કરી તે મુજબનાં આહાર વિહારનું માર્ગદર્શન, વૃદ્ધાવસ્થાજન્ય રોગોની આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ દ્વારા વિશેષ સારવાર અને માર્ગદર્શન, બાળકના સર્વાંગી વિકાસ માટે ૦ થી ૧૨ વર્ષના બાળકોને સુવર્ણ પ્રાશન, તંદુરસ્ત માતૃ બાળ માટે ગર્ભ સંસ્કાર બાબતે માર્ગદર્શન તથા સ્વસ્થ અને લાંબા આયુષ્ય માટે યોગ નિદર્શન કરવામાં આવ્યું હતું.

આ આયુષ મેળામાં પડધરી તાલુકા વિકાસ અધિકારીશ્રી હંસાબેન રામાણી, આઈ.સી.ડી.એસ. શાખા, આયુર્વેદ શાખા, આરોગ્ય શાખાના અધિકારીઓ, કર્મચારીઓ, આશા વર્કર તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!