JETPURRAJKOT

પારિવારિક હુંફ ન મળતા ગેરમાર્ગે દોરાયેલી સગીરાનુ પરિવાર સાથે પુનઃમિલન કરાવતી ૧૮૧ અભયમ ટીમ

તા.૧૭ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા માટે અવિરત કાર્યરત ૧૮૧ અભયમ હેલ્પલાઇન ફક્ત મહિલાઓ જ નહિ પરંતુ તેમના પરિવારને પણ મદદરૂપ થાય છે. આવો જ એક કિસ્સો રાજકોટ જિલ્લાની શાળામાં અભ્યાસ કરતી ૧૬ વર્ષની કિશોરીને અભયમ ટીમે યોગ્ય કાઉન્સેલીંગ કરીને પરિવાર સાથે મિલાપ કરાવ્યો હતો.

આજની યુવા પેઢી અભ્યાસ દરમ્યાન અન્ય પ્રવૃત્તિ તરફ વધુ આકર્ષિત થતી હોય છે. રાજકોટની ૧૬ વર્ષની કિશોરી વેલેન્ટાઇન ડેના દિવસે શાળામાં ગેરહાજર રહી તેના મિત્ર સાથે સમય પસાર કરતી હતી. આ કિશોરી બે દિવસ શાળામાં ગેરહાજર રહેતા શાળાના શિક્ષકે ઘરે ફોન કરીને ગેરહાજરીનું કારણ પૂછ્યું હતું. કિશોરીની માતાને આ વાતની જાણ થતા આઘાત લાગ્યો અને તેમની તબિયત બગડી હતી. કિશોરીના મોટા ભાઈઓ ચિંતિત થયા હતા. ભાઈઓએ કિશોરીને ફોન કરીને માતાની તબિયત વિશે જાણ કરી ત્યારે કિશોરી ગભરાઈ જતા તેણીએ ૧૮૧ અભયમ ટીમનો મદદ માટે સંપર્ક સાધ્યો હતો.

અભયમની ટીમને સંપર્ક કરીને કિશોરીએ જણાવ્યું કે તેણીને ઘરે જવામાં સુરક્ષા લાગતી નથી. આ સંજોગોમાં કિશોરીની મદદ માટે અભયમ ટીમના કાઉન્સેલર શિવાનીબેન પરમાર, કોન્સ્ટેબલ શાહિનબેન, ડ્રાઈવર કિર્તિદાનભાઈએ સ્થળ પર પહોંચીને તમામ વિગતો મેળવી હતી. કિશોરીએ ખુબ ગભરાયેલી હાલતમાં કહ્યું હતું કે શાળાના સમય દરમ્યાન મિત્ર સાથે ગયેલી હતી તેની જાણ મોટાભાઈઓને થતા તેઓ ખુબ ગુસ્સે થશે. અને તેણીને માર મારશે. યુવતી સાથે શાંતિ અને સંયમપૂર્વક ચર્ચા કરી ત્યારે જાણવા મળ્યું હતું કે તેમના પિતાના સ્વર્ગવાસ બાદ ઘરમાં જીવન જરૂરી દરેક વસ્તુઓ મળતી હતી.પરંતુ, પરિવાર તરફથી પહેલા જેવી હુંફ અને માન મળતું ન હતું. આ ઉપરાંત તેણીના કોઈ નિર્ણય કે વાતને મહત્વ મળવું ન હતું. તેથી કિશોરી તેના મિત્રની વધુ નજીક ગઈ હતી અને તેના જીવનની દરેક બાબત મિત્ર ને જણાવતી હતી.

આ ઉપરાંત ટીમ દ્વારા સ્થળ પર યુવતીના મિત્ર સાથે ચર્ચા થતાં જાણવા મળ્યું કે તેઓ ૨૪ વર્ષના છે. કાઉન્સિલીંગ કરતા બન્નેને પોકસો એક્ટની માહિતી તેમજ અન્ય કાયદાકીય માહિતી અંગે જાણકારી આપી હતી. અભયમની ટીમે કિશોરીને ઘરે પહોંચાડી હતી અને ટીમ દ્વારા કિશોરીના માતા અને મોટાભાઈઓનું કાઉન્સિલીંગ કરાયું હતું. કાઉન્સિલીંગ બાદ પરિવારજનોએ ભૂલ સ્વીકારી માફી માગી હતી. કાઉન્સિલીંગ બાદ સગીરાએ વચન આપ્યું હતું કે તે ફક્ત અભ્યાસમાં જ ધ્યાન આપશે. આમ ૧૮૧ ટીમ દ્વારા સગીરા ને ગેરમાર્ગે જતા અટકાવી તેમજ તેમના પરિવારજનોને તેમની ભુલથી વાકેફ કરાવી પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!