RAJKOT

રાજકોટની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા ખાતેના સ્મૃતિસ્થળનું કરાયું લોકાર્પણ

તા.૨૨/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

મુખ્યમંત્રીશ્રી દ્વારા સ્વાતંત્ર્ય સેનાની હિંમતભાઈ ગોડાનું શાલ અને પુસ્તક આપીને કરાયું સન્માન

સાહિત્ય રસિકો માટે ઝવેરચંદ મેઘાણી સ્મૃતિસ્થળ બનશે પ્રેરણાસ્ત્રોત

રાજકોટ શહેરના સદર વિસ્તારમાં સ્થિત ૧૫૫ વર્ષ જૂની ઐતિહાસિક રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા નંબર ૮ ખાતે રૂપિયા ૫૦ લાખના ખર્ચે તૈયાર થયેલા સ્મૃતિસ્થળનું આજરોજ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ તકે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાને સુતરની આંટી અને ફૂલહાર પહેરાવીને સ્મૃતિ સ્થળનું લોકાર્પણ કરીને ગૌરવવંતા રાષ્ટ્રીય શાયર ઝવેચંદ મેઘાણીની યાદમાં બનેલા મેઘાણીગાથા પ્રદર્શન, મેઘાણી સાહિત્ય કોર્નર અને પુસ્તકાલય નિહાળ્યું હતું. વધુમાં મુખ્યમંત્રીશ્રીએ સ્વાતંત્ર્ય સેનાની હિંમતભાઈ ગોડાનું પુસ્તક અને શાલ પહેરાવીને સન્માન કર્યું હતું તેમજ આ તકે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણના જતનનો સંદેશો આપ્યો હતો.

આ વેળાએ ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં ધોરણ – ૧૦માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ખૂંટ આર્ચીએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું આબેહૂબ પોર્ટ્રેટ ચિત્ર બનાવીને ભેટ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ પોર્ટ્રેટ ચિત્રની ભેટ સહર્ષ સ્વીકારીને વિદ્યાર્થીનીને તેમની ઉમદા ચિત્રકારી માટે બિરદાવી હતી.

નોંધનીય છે કે, ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના ટુરિઝમ કોર્પોરેશન ઑફ ગુજરાત લીમીટેડના સહયોગથી અંદાજે રૂ. ૫૦ લાખના ખર્ચે શાળાનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. તેમજ રાજકોટ શહેર પોલીસના સહયોગથી અંદાજે રૂ. ૦૫ લાખના ખર્ચે મેઘાણીગાથા પ્રદર્શન અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સહયોગથી અંદાજે રૂ. ૦૨ લાખના ખર્ચે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પુસ્તકાલય તથા મેઘાણી સાહિત્ય કોર્નર તૈયાર કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી સર્વે શ્રી કુંવરજીભાઈ, શ્રી રાઘવજીભાઈ પટેલ,શ્રી ભાનુબેન બાબરીયા, સાંસદશ્રીઓ રામભાઈ મોકરીયા અને મોહનભાઈ કુંડારીયા, મેયરશ્રી પ્રદિપ ડવ, ધારાસભ્યશ્રીઓ દર્શિતાબેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા, જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશી, મ્યુનિસિપલ કમિશનરશ્રી આનંદ પટેલ, ઝવેરચંદ સ્મૃતિ સંસ્થાના સ્થાપકશ્રી પિનાકી મેઘાણી, કડવીભાઈ શાળાના નિયામકશ્રી હીરાબેન માંજરીયા , મહાત્માગાંધી મ્યુઝિયમના મેનેજર શ્રી કૃષ્ણકાંતભાઈ દેસાઈ, સાહિત્યકાર – લોકગાયકો સર્વેશ્રી અભેસિંહ રાઠોડ, ધીરુભાઈ સરવૈયા,શ્રી નિલેશ પંડ્યા, શ્રી લલિતાબેન ઘોડાદ્રા, શ્રી રાધાબેન વ્યાસ, શ્રી પંકજભાઈ ભટ્ટ, પ્રાથમિક શાળાના આચાર્યશ્રી પૂર્વીબેન ગાંધી સહિતના શિક્ષકો, કર્મચારીશ્રીઓ અને અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!