ભરૂચ: નબીપુર પોલીસ ઇન્સ્પેકટરની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ.
નબીપુર પોલીસ મથકમાં આગામી ઇદ-એ મિલાદ તેમજ ગણેશોત્સવ પર્વને અનુલક્ષીને પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે.પરમાર ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં નબીપુર ગામના સરપંચ આગેવાનો સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે પરમારે હિંદુ – મુસ્લિમ સમુદાયના લોકોને ગણેશોત્સવ તેમજ ઇદ-એ મિલાદ પર્વની કોમી એકતા સોહાર્દભર્યા વાતાવરણમાં ઉજવણી કરવા વિશેષ અનુરોધ કર્યો હતો. સાથે સાથે કોઇપણ જાતની અફવા પર ધ્યાન ન કેન્દ્રિત કરી જરૂર પડે તો પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે.પરમારે કોમી એકતા તેમજ ભાઈચારા સાથે ગણેશોત્સવ તેમજ ઇદ-એ મિલાદ પર્વની ઉજવણી કરવા વિશેષ અપીલ કરી હતી. હાજર આયોજકોએ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકારની ખાત્રી આપી હતી. આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં ઇદ-એ મિલાદ તેમજ ગણેશોત્સવ સમિતિના આયોજકો નબીપુર ગ્રામ પંચાયતના સરપંચ સહિત નગરના આયોજકો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
સમીર પટેલ, ભરુચ