BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચમાં કરુણ ઘટના, જર્જરિત મકાનની લાકડાની મોભ તૂટી પડતાં BJP કોર્પોરેટર વિશાલ વસાવાનું મોત, પત્નીને ઈજા

સમીર પટેલ, ભરૂચ
ભરૂચમાં એક કરુણ ઘટના સામે આવી છે. નગરપાલિકાના વોર્ડ નંબર 6ના BJP કોર્પોરેટર વિશાલ વસાવાનું જર્જરિત મકાનની મોભ તૂટી પડવાથી મૃત્યુ થયું છે. ગઈકાલે રાત્રે લગભગ 12:30 વાગ્યે આ દુર્ઘટના બની. વિશાલ વસાવા અને તેમનાં પત્ની અમિતા વસાવા જુમ્મા મસ્જિદની સામે આવેલી પાયોનીયર સ્કૂલ નજીકના તેમના વર્ષો જૂના મકાનમાં સૂવા ગયા હતા. રાત્રે અચાનક મકાનની લાકડાની મોભ અને કાટમાળ ધરાશાયી થયો. આ હાદસામાં દંપતી કાટમાળ નીચે દબાઈ ગયા.

ઘટનાની જાણ થતાં જ પાલિકાના ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. બચાવ કામગીરી બાદ બંનેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. વિશાલ વસાવાને મોં અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા. તેમનાં પત્ની અમિતાને પણ ઈજાઓ થઈ છે અને તેમની સારવાર ચાલી રહી છે. રાત્રે જ કોર્પોરેટરના મૃત્યુના સમાચાર ફેલાતાં ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિત પાલિકાના સભ્યો અને અધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. ભરૂચ બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!