AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષતામાં કરાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાના ‘વિશ્વ આદિવાસી દિવસ’ ઉજવણી કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ સૌને વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવી, આદિવાસી સમાજના ગૌરવવંતા ઇતિહાસની ઝાંખી રજૂ કરી પ્રકૃતિને પૂજતા આદિવાસી સમાજની પ્રગતિનો ચિતાર રજુ કર્યો હતો.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમા પોતાના કાર્યકાળ દરમ્યાન કૃષિ મહોત્સવ, શાળા પ્રવેશોત્સવ તેમજ આદિજાતિ કલ્યાણ યોજનાઓની શરૂઆત કરી હતી, જે આજે આદિવાસી સમાજને ફળી રહી છે. આદિજાતિ વિકાસની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને માળાખાકીય સુવિધાઓ દ્વારા આદિજાતિ વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય તેવો રાજ્ય સરકારનો ધ્યેય રહેલો છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

અંતરિયાળ વિસ્તારોમા વસતા ગરીબ આદિજાતિ પરિવારના બાળકો, શહેર જેવી સુવિધાવાળું ઉચ્ચ શિક્ષણ મેળવે અને ઉચ્ચ કારકિર્દીને હાસલ કરે એ માટે ભારત સરકાર અને રાજ્ય સરકારના સહિયારા પ્રયાસથી આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા ૧૦૧ શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન કરવામાં આવે છે. તેમજ શહેરી વિસ્તારમા વિદ્યાર્થીઓને રહેવા જમવાની સુવિધાઓ સાથે સમરસ હોસ્ટેલ શરૂ કરવામાં આવી છે. જેમાં રાજ્યના 13 હજાર જેટલાં આદિજાતિ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

રાજ્ય અને કેન્દ્ર સરકારની આદિવાસી કલ્યાણની હજારો યોજનાઓ, આદિવાસી ગૌરવના પ્રકલ્પો વિગેરેનો ખ્યાલ આપી, આદિવાસી સમાજને અદકેરુ ગૌરવ અપાવનારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રતિબદ્ધતાને દોહરાવી હતી. મંત્રીશ્રીએ આ વેળા ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાનમા સૌને સહભાગી થવાની અપીલ કરી હતી.

આદિવાસી સમાજની આદિઅનાદિ કાળથી થઈ રહેલી ઉત્ક્રાંતિનો ખ્યાલ આપતા, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે, આદિમાનવ થી મહામાનવ સુધીની આદિવાસી સમાજની સફર ગાથા વર્ણવી હતી. પ્રાસંગિક ઉદબોધન કરતા શ્રી ગાવિતે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણીનો ખ્યાલ આપી જળ, જંગલ, અને જમીનનો હક્ક અધિકાર રાજ્ય અને કેન્દ્ર સરકારે આપીને આદિવાસી સમાજના સર્વાંગીણ વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે તેમ જણાવ્યુ હતુ.

ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આહવાના કાર્યક્રમ પૂર્વે ગાંધી ઉદ્યાન ખાતેથી આદિવાસી નૃત્યો સાથેની એક વિરાટ રેલી નિકળી હતી. આ રેલીને મહાનુભાવોએ પ્રસ્થાન કરાવી, આહવા નગરના માર્ગો ઉપર આદિવાસી વાજિંત્રોની સુરાવલીઓ સાથે નૃત્યોની મોજ પણ માણી હતી. આ રેલી ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે સભાના રૂપમા ફેરવાઈ હતી. સભાસ્થળે મહાનુભાવોએ બિરસા મુંડા તથા આદિવાસી સમાજના દેવી દેવતાઓનુ પૂજન અર્ચન કર્યું હતુ. આયોજકો અને યજમાનોએ મહાનુભાવોને સાફા પહેરાવી તીર કામઠા અર્પણ કરી અદકેરુ સ્વાગત કર્યું હતુ. આહવાના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે યોજાયેલા ‘વિશ્વ આદિવાસી દિવસ’ ઉજવણી કાર્યક્રમમા રાજવી શ્રી ધનરાજસિંહ સૂર્યવંશી, આહવા અને વઘઇ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, તાલુકા/જિલ્લા પંચાયતના સદસ્યો, સામાજિક અગ્રણીઓ, આદિવાસી સમાજના મોભીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય સ્ટેજ ઉપર ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ.ડામોર, જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયા, પ્રાયોજના વહીવટદાર શ્રી રાજ સુથાર, ઉત્તર વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારી સહિતના વહીવટી અધિકારીઓએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી. આહવા ખાતે યોજાયેલા ‘વિશ્વ આદિવાસી દિવસ’ ઉજવણી કાર્યક્રમના મુખ્ય રંગમંચ ઉપરથી પરંપરાગત આદિવાસી નૃત્યો પ્રસ્તુત કરાયા હતા. એકલવય શાળાના વિદ્યાર્થીઓએ ડાંગી કહાળ્યા, ઠાકરે નૃત્ય અને પાવરી નૃત્ય રજૂ કર્યા હતા. અંધજન શાળા શિવારીમાળના વિદ્યાર્થીએ પ્રકૃતિ પુજક આદિવાસીઓ વિશે કાવ્ય પઠન કર્યું હતું. તેમજ આદિજાતિ વિકાસને લગતી દસ્તાવેજી ફિલ્મના નિદર્શન સાથે, રાજ્ય કક્ષાના કાર્યક્રમનુ જીવંત પ્રસારણ પણ કરાયુ હતુ. જી.એસ.આર.એસ સાપુતારા હોસ્ટેલ, મેસ બિલ્ડીંગ અને સ્ટાફ ક્વાર્ટર્સનુ વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઈ ખાતમુહુર્ત કરાયુ હતુ. આદિજાતિ વિકાસ વિભાગના કુલ ૨૧૯૦.૦૦ લાખ રૂપીયાના કામોનુ લોકાર્પણ તેમજ નર્મદા જળ સંપતિ અને પા.પુ વિભાગના કુલ ૭૫૩.૩૮ લાખ રૂપિયાના કામોનુ ખાતમુર્હત કરવામા આવ્યુ હતુ.

આ ઉંપરાત યોજનાઓમા બોર્ડર વિલેજ આવાસ યોજના, વન અધિકાર કાયદો -૨૦૦૬, દૂધ ઘર બાંધવા માટેની સહાય, મુખ્યમંત્રી નાહરી કેદ્ર યોજના, માલિકી યોજના, કુંવરબાઈ મામેરું યોજના, વ્યક્તિગત મકાન સહાય યોજના, સ્માર્ટ ફોન સહાય યોજના, વ્હાલી દીકરી યોજના, પાલક માતા-પિતા યોજના, દિવ્યાંગ મફત મુસાફરી બસપાસ યોજનાઓના લાભ આપવામાં આવ્યા હતા.

કાર્યક્રમ ઉજવણીના ભાગરૂપે ડાંગ જિલ્લાના આદિવાસી સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ, રમતવીરો, પ્રગતિશીલ ખેડૂતો, વ્યક્તિ વિશેષો, શાળાના આચાર્યશ્રીઓ વિગેરેનુ જાહેર અભિવાદન કરવા સાથે, આદિવાસી પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ રમઝટ જામી હતી.

કાર્યક્રમના અંતે દેશ વ્યાપી શરૂ થયેલ ‘મેરી મિટ્ટી, મેરા દેશ’ ‘મિટ્ટી કો નમન, વીરો કો વંદન’ અભિયાન અંતર્ગત શપથ પણ લેવાયા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!