JUNAGADHJUNAGADH CITY / TALUKO

ખરો ચેમ્પિયન લાલો : ખેલ ભાવનાનું આદર્શ ઉદાહરણ

ગિરનાર રાજ્ય રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ૬ વર્ષથી ચેમ્પિયન લાલો સ્પોર્ટ્સમેન સ્પિરિટમાં પણ અવ્વલ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના ચેમ્પિયનનો પર્યાય બની ચૂકેલો લાલાની સફર જાણવા જેવી છે, લાલો આ સ્પર્ધાનો માત્ર વિજેતા નથી. પરંતુ સ્પોર્ટ્સમેન સ્પીરીટ એટલે કે ખેલ ભાવના માટેનું એક આદર્શ ઉદાહરણ છે. લાલાને સ્પર્ધા હારવાનો ભય નથી. ગિરનાર સ્પર્ધામાં પોતાના હરીફો છે તેવા સ્પર્ધકોને વિના સંકોચે ગીરનાર સ્પર્ધા જીતવાની બારીકીઓ શીખવાડે છે, સ્પર્ધાના પ્રારંભ પૂર્વે અન્ય સ્પર્ધકો સાથે પ્રેક્ટિસ કરે છે.
આ વર્ષે ૩૮મી અખિલ ગુજરાત આરોહણ – અવરોહણ સ્પર્ધામાં વિજેતા થયા પૂર્વે લાલો ૨ વર્ષ જુનિયર કેટેગરીમાં રાજ્ય અને રાષ્ટ્રીય અને ત્રણ વર્ષ સિનિયર કેટેગરીમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ચેમ્પિયન રહેલા લાલા પરમાર કહે છે કે, રાજ્ય અને દેશભરમાંથી આવતા સ્પર્ધકો સાથે સ્પર્ધામાં ભાગ લેવા પૂર્વે ગીરનાર પગથિયા પર પ્રેક્ટિસ કરતા હોય તે દરમિયાન ઘણા સ્પર્ધકો મારી પાસેથી માર્ગદર્શન મેળવે છે. લાલો અન્ય સ્પર્ધકો આગળ નીકળી જશે તેવા પ્રશ્નનો જવાબ આપતા કહે છે કે, મારી પાસેથી શીખીને કોઈપણ સ્પર્ધક આગળ વધે તે મારા માટે ગર્વની વાત છે. કોઈ આગળ વધતું હોય ત્યારે તેનો સપોર્ટ કરવો જોઈએ. મારી સાથે પ્રેક્ટિસ કરતા ઘણા સ્પર્ધકો ટોપ-૧૦માં વિજેતા પણ બને છે.
આ સ્પર્ધામાં વિજેતા બનવા માટે શું કરવું જોઈએ ? તેના જવાબ આપતા લાલો કહે છે કે, ગિરનારના પગથિયાં ચડતી ઉતરતી વખતે શારીરિક તકલીફોને અવગણીને માત્ર વિજેતા બનવા માટે ફોકસ કરવું જોઈએ. આ સ્પર્ધા દરમિયાન મનમાં અન્ય કોઈ વિચાર લાવ્યા વગર મને માત્ર મેડલ જ દેખાતો હોય છે. લાલો કહે છે કે, અંબાજી સુધીની આ સ્પર્ધાના રૂટમાં જે પગથિયા અને વળાંક આવે છે, એને તેને ધ્યાનમાં રાખીને તમારી ગતિ વધારવી, ધીમી કરવી સામાન્ય કરવી વગેરે બાબત લક્ષ્યમાં રાખતા હોય છે. ઉપરાંત આ સ્પર્ધામાં શ્વાસોશ્વાસની ક્રિયાનું પણ મહત્વ છે. એટલે નિયમિત પ્રાણાયામ અને ધ્યાન કરવું એટલું જ જરૂરી છે.
લાલાને ગિરનાર સ્પર્ધામાં આટલી મોટી સફળતા મળવા પાછળ ખૂબ પરિશ્રમ રહેલો છે, લાલો નિયમિત રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ સૂવાનું અને સવારે ૪.૩૦ કલાકે ઉઠવાનું શેડ્યૂલ અનુસરે છે અને નિયમિત ૮ થી ૧૦ કિલોમીટર રનિંગ કરે છે.
સામાન્ય પરિવારમાંથી આવતો લાલો બહાઉદ્દીન કોલેજમાં સાયકોલોજી વિષય સાથે બી.એ.નો અભ્યાસ કરે છે ઉપરાંત પરિવારમાં પિતા ચીમનભાઈ અને માતા મીનાબેનને લીલા નાળિયેરના ત્રોફાનું વેચાણ કરી ગુજરાત ચલાવવામાં મદદરૂપ થાય છે.
લાલો કહે છે કે, ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાએ મને એક નવી ઓળખ આપી છે, આજે જૂનાગઢમાં સરકારી ઓફિસ કે અન્ય જગ્યાએ જાવ તો સીધા લોકો મને ઓળખી જાય છે. તેનો આનંદ વ્યક્ત કરતા અને ગુજરાત સરકાર દ્વારા ગિરનાર સ્પર્ધામાંની ઈનામી રાશિમાં વધારાના નિર્ણયને આવકારતા કહે છે કે, રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને અપતા પ્રમાણપત્રને આધારે કોઈ સરકારી સેવામાં અગ્રતા મળે તેવી પણ લાગણી વ્યક્ત કરી હતી. જેથી ગિરનાર સ્પર્ધાને નવી ઊંચાઈ પણ મળશે.

બોક્સ ૧

ચેલેન્જને સ્વીકારે છે લાલો….

હરિયાણાના સ્પર્ધકની ચેલેન્જ સ્વીકારીને ચેમ્પિયન બન્યો હતો લાલો

એક વખત સ્પર્ધા દરમિયાન પગ મચકોડાઈ પણ હિંમત ન હારી… અને ચેમ્પિયન બન્યો

અતિ કઠિન ગણાતી આ ગિરનાર સ્પર્ધા સ્પર્ધકોના સાહસની પણ પરીક્ષા કરે છે. અને આ સ્પર્ધામાં અનેક વખત ચેમ્પિયન રહેલા મળો તો લાલો સ્વભાવે ખુબ સરળ લાગે. પરંતુ ઘૂઘરાળા વાળ વાળો લાલો મેન્ટલી ખૂબ ટફ છે.
લાલો કહે છે કે એક વખત હરિયાણાના બિરેન્દર નામના સ્પર્ધકે ચેલેન્જ આપી હતી કે, ટોપ-૧૦ માં પણ તારૂ નામ નહીં હોય. ત્યારે પણ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થયો હતો. ઉપરાંત એક વખત સ્પર્ધા દરમિયાન જ પગ મચકોડાઈ ગયો, અસહ્ય દર્દ થતું હતું, છતાં પણ સ્પર્ધા પૂરી કરી પ્રથમ ક્રમે વિજેતા થયો હતો.

બોક્સ – ૨
લાલાનો પ્રથમ વખત ગિરનાર સ્પર્ધામાં ભાગ લેવાનો અનુભવ પણ રોચક છે

એક પણ વખત ગિરનાર ચઢ્યા વગર કે પ્રેક્ટિસ વગર…. પ્રથમ વખત જ ગિરનાર સ્પર્ધામાં ભાગ લઈ ચેમ્પિયન બન્યો હતો લાલો

લાલાનો પ્રથમ વખત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવાનો અનુભવ એટલો જ રોચક છે. લાલો કહે છે કે ધોરણ ૧૦ માં અભ્યાસ કરતો હતો ત્યારે મારા પરિવારના ભાઈઓમાંથી પ્રેરણા મેળવી ગિરનાર સ્પર્ધામાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું.
પ્રથમ વખત જુનિયર કેટેગરીમાં ભાગ લેતા પૂર્વે મારા માતાએ અંબાજી સુધી જવાનું કહ્યું હતું, એટલે જ્યારે ગિરનાર સ્પર્ધાનો ટચિંગ પોઇન્ટ એટલે કે જ્યાંથી પગથિયાં ચડીને પરત ફરવાનું છે ત્યાંથી આગળ નીકળી ગયો હતો. જેથી ત્યાં ફરજ પર રહેલા સાહેબોએ કહ્યું કે, પાછો વળ અહીંથી જ પરત ફરવાનું છે.
લાલો એક પણ વખત ગીરનાર ચઢ્યા વગર કે પ્રેક્ટિસ વગર…. પ્રથમ વખત જ ગિરનાર સ્પર્ધામાં ભાગ લઈ ચેમ્પિયન બન્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!