કેશોદમાં ગુજરાતનો ‘એ પ્લાસ્ટિક એનેમિયા’નો બીજો જ કેસ, રૂ. ૪૫ લાખથી વધુના ખર્ચની સારવાર વિનામૂલ્યે અપાય.
– અસાધ્ય કહી શકાય તેવી બિમારી સામે આવે ત્યારે ભલભાલા હિંમત હારી જતા હોય છે. તેમાં પણ જ્યારે કોઈ બાળકને ગંભીર બિમારી હોવાનું નિદાન થાય અને તે બિમારીમાંથી સાજા થવા માટે લાખોનો ખર્ચ થવાનો હોય. આ સમયે બાળકના માતા-પિતા સાથે સમગ્ર પરિવારની કસોટી થતી હોય છે.
કેશોદની મિરલ લક્ષમણભાઈ ગરચર કે જે રેસ્ટ ઓફ ધી રેર કહી શકાય તેવી ‘એ પ્લાસ્ટકિ એનેમિયા‘ નામની ગંભીર બિમારીથી પિડિત હતી. જેમાં શરીરમાં લોહી બનતું નથી અથવા લોહી બનવાની પ્રકિયા અવરોધાય છે. આ એ પ્લાસ્ટકિ એનેમિયાનો ગુજરાતનો બીજો જ કેસ છે. જેમાં સફળતાપૂર્વક બોર્ન મેરો ટ્રાન્સપ્લાંટ સર્જરીથી મિરલ ને ‘નવો જન્મ’ મળ્યો છે.મિરલને સાજી કરવા તેના માતા એ GSRTCની નોકરી પણ ત્યજી. મિરલને ફરી હસતી-રમતી કરવા માટે પોતાનો જીવ રેડી દીધો. પરંતુ એ પ્લાસ્ટિક એનેમિયા બીમારીમાંથી સાજા થવા માટે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવી પડે તેમ હતી. તેમાં અંદાજે રૂ. ૪૫ લાખથી વધુનો ખર્ચ આવતો હતો. ત્યારે સ્વભાવિક રીતે જ ગરીબ તો ઠીક મધ્યમ વર્ગ ના પરિવારને પણ આ ખર્ચ પરવડે નહીં. આ સ્થિતિમાં ગરચર પરિવારને સાથ મળ્યો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ- યોજના અને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગનો. જેથી મિરલની બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં નિ:શુલ્ક થઈ શકી, તેના પરિણામે મિરલ ફરી હસ્તી રમતી થઈ છે. તેનો રાજીપો મિરલના માતા અને ગરચર પરિવારના સભ્યોના ચહેરા પર જોવા મળી રહ્યો છે.મિરલને બચાવવાના સંઘર્ષની વાત કરતા માતા રીનાબેન કહે છે કે, મિરલ ચાર વર્ષની હતી ત્યારે તેને તાવ આવ્યો, એક ખાનગી હોસ્પિટલમાં નિદાનમાં સામે આવ્યું કે મીરલનું લોહી જ બનતું નથી. આ બિમારીને બ્લડ કેન્સર જેવી જ ગણવામાં આવે છે. જેથી ડોક્ટરની સલાહ મુજબ અમદાવાદ ની એક કેન્સર હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી. સારવાર અને દવાથી બીજા ચાર વર્ષનો સમય ગાળો પસાર થઈ ગયો. પરંતુ ફરી એ પ્લાસ્ટિક એનેમિયાના લક્ષણો સામે આવ્યા. આ વખતે સર્જરી વગર મિરલનો જીવ બચાવવો શક્ય ન હતો. હવે આ સારવાર ગુજરાતમાં પણ ઉપલબ્ધ થઈ ગઈ હતી. પહેલાં ચેન્નાઈ, મુંબઈ વગેરે મહાનગરોમાં જવું પડતું હતું.રીનાબેન કહે છે કે, આ દરમિયાન જાણવા મળ્યું કે, રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમની સારવાર વિનામૂલ્ય થઈ શકે છે આ માટે જરૂરી કાગળો-દસ્તાવેજ પ્રક્રિયા પૂર્ણ કરી જેના આધારે મિરલની સર્જરી થઈ શકી. મિરલની આ સર્જરી અને સારવાર દરમિયાન આરોગ્ય કર્મીઓનું ખૂબ સહકાર મળ્યો સાથે જ તેમણે ખૂબ હિંમત પણ આપી તેમ જણાવતા રીનાબેને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
બોન મેરો ટ્રાન્સપ્લાંટ માં મિરલને બે મહિના સુધી આઈસીયુ માં રાખવી પડી, તેમાં લોહીની ઉલ્ટી થવી વગેરે… આ સ્થિતિ ઘણાં જોઈ પણ ન શકે ! તેમાં મારા સાસુએ ખૂબ ધીરજ અને સુજબુઝથી મિરલની કાળજી લીધી. સાથો સાથ મિરલને સારવારના ભાગરૂપે કિમોથેરાપી પણ આપવામાં આવતી હતી. જેથી ભારે ગરમીના લીધે મોઢા સહિત સમગ્ર શરીરમાં ચાંદા પડ્યાં હતા. આ સ્થિતિમાં ભલભલાની હિંમત ડગી જાય પણ ઈશ્વર કૃપા અને સૌના સાથી આ મુશ્કેલીમાંથી બહાર આવ્યા. બે મહિના બાદ મિરલને આઈસીયુમાંથી બહાર લાવવામાં આવી અને પછી ડોક્ટર્સના ઓબ્ઝર્વેશન હેઠળ ચાર મહિના સુધી હોસ્પિટલમાં રોકાણ કરવું પડ્યું.મિરલને કીમોથેરાપી આપવાથી તેના ચાર-પાંચ વખત વાળ પણ જતા રહ્યા. આજે મિરલની બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સર્જરીના ત્રણ વર્ષ બાદ એકદમ સ્વસ્થ છે, ધોરણ છઠ્ઠામાં અભ્યાસ કરે છે અને નિયમિત સ્કૂલે જાય છે. હા, કીમોથેરાપી આપવાના લીધે આંખોમાં થોડી તકલીફ છે. પણ તેની પણ સારવાર ચાલી રહી છે. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી બાદ એક નવું જ બાળક જન્મ્યું હોય તેમ જ બધા પ્રોટોકોલ અનુસરવામાં આવે છે, તેને તમામ જરૂરી સારવારની સાથે રસી મૂકવામાં આવે છે. તેમ રીનાબેન ગરચરે જણાવ્યું હતુ. મિરલના પિતા લક્ષમણભાઈ શિક્ષક તરીકે ફરજ બજાવે છે, તેમણે પણ વિપરીત સ્થતિ વચ્ચે પણ મિરલને બચાવવા માટે ખૂબ ધીરજ દાખવી હતી. આમ, માતાની મમતા અને સરકારના સાથથી ફરી ગરચર પરિવારનુ આંગણું દિકરીના કલરવથી મહેકી ઉઠ્યું છે.રાષ્ટ્રીય બાળ સ્વસ્થ્ય કાર્યક્રમ બાળકોના વાલીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયો.‘એ પ્લાસ્ટિક એનેમિયા’ સહિત લ્યુકેમિયા, સિકલસેલ એનિમિયા, થેલેસેમિયા મેજર જેવી બિમારીમાં બોન મેરો ટ્રાન્સ પ્લાંટ કરવાની આવશ્યકતા રહે છે. મિરલને એ પ્લાસ્ટિક એનેમિયા હોવાથી તેની પણ બોન મેરો ટ્રાન્સપ્લાંટ સર્જરી કરવામાં આવી છે. ખાનગી હોસ્પિટલમાં બોન મેરો ટ્રાન્સપ્લાંટમાં રૂ. ૪૫ લાખથી વધુનો ખર્ચ થતો હોય છે. પરંતુ રાષ્ટ્રીય બાળ સ્વસ્થ્ય કાર્યક્રમ હેઠળ મિરલની બોન મેરો ટ્રાન્સપ્લાંટ સર્જરી વિનામૂલ્યે કરવામાં આવી છે. અને આ એ પ્લાસ્ટિક એનેમિયા નો ગુજરાત રાજ્યોનો માત્ર બીજો જ કેસ છે. જેમાં સંપૂર્ણ પણે સફળતા મળી છે. આજે મિરલ સ્વસ્થ્ય અને અભ્યાસરત પણ છે.રાષ્ટ્રીય બાળ સ્વસ્થ્ય કાર્યક્રમ બાળકોના વાલીઓ માટે આશીર્વાદ રૂપ છે. જેમાં આંગણવાડી અને સ્કૂલ જતાં બાળકો ઉપરાંત ચિલ્ડ્રન હોમ, અનાથ આશ્રમ, મદ્રેસા અને ૦ થી ૧૮ વર્ષના સ્કૂલે ન જતાં બાળકોને પણ આવરી લેવામાં આવે છે. આ યોજના હેઠળ બાળકને હ્યદયમાં કાણું, જન્મથી પગ વળી ગયેલ હોવા, હોઠ કે તાળવું કપાયેલ હોવું વેગેરે જેવી કોઈ ખામી કે બિમારીમાં આરબીએસકે-યોજનના લાભ મળી શકે છે. તેમ મેડિકલ ઓફિસર ડો.રઈસ સર્વદીએ જણાવ્યું હતું. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ મેડિકલ ઓફિસર, ફિમેલ હેલ્થ વર્કર, ફાર્માસિસ્ટ સહિતની ટીમ કાર્યરત હોય છે. જે બાળકની સારવાર બાદ પણ ફોલોઅપ પણ લે છે. સાથે જ બાળકની યોગ્ય સારવાર માટે તમામ તબક્કે મદદરૂપ થાય છે.
એ પ્લાસ્ટિક એનેમિયા એટલે શું ?
માનવ શરીરમાં બોન મેરો એટલે અસ્થિમજ્જામાંથી લાહી બનવાનું શરૂ થાય છે. આ લોહી બનવાની પ્રક્રિયામાં સ્ટેમસેલ દ્વારા લાહીના મુખ્ય ઘટક એવા રક્તકણ (RBC), શ્વેતકણ (WBC) અને પ્લેટલેટ્સનું નિર્માણ થાય છે. આપણા શરીરમાં રક્તકણ તાકાત આપે છે, શ્વેત કણ બિમારીઓ સામે લડવાનું અને પ્લેટલે્ટસ લોહીના બહાવને અટકાવે છે. આમ, લોહીના આ મુખ્ય ઘટકો ન બનવાને કારણે વધુ પડતો થાક લાગવો, ઈન્ફેક્સન થવું, વગેરે ગંભીર સમસ્યા સર્જાય છે. આ સ્થિતિમાં દર્દીના શરીરમાં રહેલા ખરાબ સેલને કીમોથેરાપી દ્વારા નાશ કરવામાં આવે છે. અને દર્દીના સાથે લોહીનો સંબંધ ધરાવનાર કે મોટા ભાગે ભાઈ-બહેન કોઈ એકના બોર્ન મેરો ટ્રાન્સ પ્લાંટ કરવામાં આવે છે. મિરલના કેસમાં પણ તેની નાની બહેનના બોન મેરો ટ્રાન્સ પ્લાંટ કરવામાં આવ્યાં હતા.
રિપોર્ટ :- અનિરૂધસિંહ બાબરીયા કેશોદ